ગંડક : મધ્ય હિમાલયના 7,600 મીટર ઊંચા તિબેટના ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી ગંગાની સહાયક નદી. કાલીગંડક સાથે તેની લંબાઈ 675 કિમી. છે પણ કુલ લંબાઈ 765 કિમી. છે. બુરહી-ગંડક નદી તેની સમાંતરે જૂના પટમાં વહીને ગંગાને મળે છે. ગંડક નદીને ત્રિશૂલા નદી મળ્યા પછી તેનો પ્રવાહ ત્રિશૂલીગંગા તરીકે ઓળખાય છે. ગંડકનારાયણી અને સપ્તગંગા તેનાં અન્ય નામો છે. તેનું સ્રાવક્ષેત્ર 45,800 કિમી. છે. તે પૈકી ભારતમાં 9,540 ચોકિમી. સ્રાવક્ષેત્ર છે. ખટમંડુથી 88 કિમી. પશ્ચિમે કાલીગંડક નદી મળે છે.

નેપાળમાંથી વહીને તે ઉત્તરપ્રદેશનો ગોરખ જિલ્લો અને બિહારના ચંપારણ અને સારણ જિલ્લામાં વહીને મોંઘીર પાસે ગંગાને મળે છે. બિહારનું મુખ્ય શહેર પણ આ નદી ઉપર છે. આ નદી ઉપર ભારત–નેપાળની સરહદે બંધ બંધાયો છે અને તેની સિંચાઈ માટેની નહેર ત્રિવેણી તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ જળવિદ્યુત તથા અનાજ, લાકડાના પાટડા વગેરે જળમાર્ગે વહન કરવા માટે થાય છે. ગંડક નદીના ગોળાશ્મ શાલિગ્રામ તરીકે વપરાય છે. સપ્તગંડકની ખીણમાંથી તાંબું, કોરંડમ, અબરખ, બિસ્મથ, કોબાલ્ટ, ઍન્ટિમની, જેસ્પર, લિગ્નાઇટ, કોલસો વગેરે ખનિજો મળે છે.

શિવપ્રસાદ રાજગોર