ગંધ : રાસાયણિક ઉત્તેજકોની અસર હેઠળ પર્યાવરણનો પરિચય કરાવતું એક અગત્યનું સંવેદન. ખોરાક-પ્રાપ્તિ, ભક્ષકો સામે રક્ષણ, અન્ય પ્રાણીઓ સાથેનો સંપર્ક, સામાજિક જીવનાચરણ, દિગ્સ્થાપન (orientation), સાથી સાથે સહજીવન ઇત્યાદિ અનેક રોજિંદા વ્યવહારમાં ગંધની શક્તિ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.

હવા દ્વારા ખોરાકની સોડમનો ફેલાવો થવાથી પ્રાણી ખોરાક પ્રત્યે આકર્ષાય છે. ભક્ષક પ્રાણીઓ ભક્ષ્ય પ્રાણીના શરીર પરથી પ્રસરતી ગંધથી તેનો શિકાર કરવા પ્રેરાય છે. જોકે કેટલાંક ભક્ષ્યો અપાકર્ષક અણુઓનો સ્રાવ કરી પોતાની પ્રત્યે અણગમો પણ ઉત્પન્ન કરે છે. ભક્ષક પ્રાણીઓની ગંધના સંપર્કમાં આવવાથી ભક્ષ્ય પ્રાણી ત્યાંથી તરત જ ખસે છે. ગેંડો એકાદ કિલોમીટર દૂરથી દુશ્મન પ્રાણીને સહેલાઈથી ઓળખી કાઢે છે. સામાજિક જીવન જીવતાં કીડી જેવાં પ્રાણીઓ સાથીએ વિમુક્ત કરેલ સ્રાવની મદદથી ખોરાકની શોધમાં નિશ્ચિત સ્થળે પહોંચી જાય છે અને ત્યાંથી પોતાના રહેઠાણ તરફ પાછાં ફરે છે. મોટા ભાગનાં સસ્તન પ્રાણીઓ ભયસૂચક ગંધને પારખી રક્ષણ મેળવે છે. વનસ્પત્યાહારી સસ્તનોમાં ભયની લાગણી પેદા થતાં પોતાની વિશિષ્ટ ગંધ દ્વારા સાથી પ્રાણીઓને તેની ખબર પહોંચાડે છે. રુધિરની ગંધ અનેક સસ્તનો માટે અણગમતી નીવડે છે.

સામન કે અંગ્વિલા વામ જેવી માછલીઓનાં રહેઠાણ અને પ્રજનનસ્થળ વચ્ચે હજારો કિલોમીટરનું અંતર હોય છે. આ અંતર કાપવા માર્ગમાં આવેલા વાનસ્પતિક સૂક્ષ્મજીવોની ગંધ પારખીને અથવા પર્યાવરણીય ભૌતિક કે રાસાયણિક ઘટકોની ગંધથી તેઓ નિશ્ચિત દિશાએ સ્થળાંતર કર્યા કરે છે. ઘણાં સસ્તનો જમીન પરની વનસ્પતિઓ કે જમીનની ગંધને પારખીને પોતાનું રહેઠાણ કે પાણી પીવાનું સ્થળ શોધી કાઢે છે.

સાથીની શોધ, સંવનન કે સમાગમમાં સંમોહકો (pheromones, કીટાકર્ષકો) અગત્યનો ભાગ ભજવે છે. સસ્તનો કે કીટકોમાં આ સંમોહકો સારી રીતે વિકાસ પામેલા હોય છે. વિજાતીય સભ્યના પરિચય, સહવાસ કે પ્રજનનમાં સંમોહકો ઉત્તેજકો તરીકે કાર્ય કરતા હોય છે. જો નાસિકાદ્વારને બંધ કરવામાં આવે તો રીસસ નર-વાંદરું કે ઢોર માદા પ્રત્યે જરાય આકર્ષાતાં નથી. પ્રજનનકાળ દરમિયાન નરની લૈંગિક ગ્રંથિમાંથી સ્રવતા ગંધમય ઉત્તેજકોથી સામાન્યપણે સસ્તનોની માદા નર પ્રત્યે આકર્ષાય છે.

અન્ય સસ્તનોના પ્રમાણમાં માનવીની ગંધ પ્રત્યેની તીવ્રતા મર્યાદિત હોય છે, જ્યારે કૂતરામાં ગંધની લાગણી અત્યંત તીવ્ર હોય છે. કેફી પદાર્થ, દારૂગોળો કે ગુનેગારને શોધવા પોલીસ કે સંરક્ષક દળો કૂતરાની મદદ લે છે.

ગંધનો અનુભવ કરાવનાર સંવેદી કોષો જુદાં જુદાં પ્રાણીઓમાં શરીરના જુદા જુદા ભાગોમાં આવેલા હોય છે. આ ભાગો પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે. પ્રાણીસૃષ્ટિમાં 60 % કરતાં વધારે પ્રાણીઓ કીટક સમૂહનાં છે. આ કીટકોમાં દૂરઅંતરનો પરિચય કરવામાં મદદરૂપ થનારાં રસાયણ સંવેદનગ્રાહી અંગો મુખ્યત્વે સ્પર્શકો (antennae) અને વિશિષ્ટ મુખાંગો પર પ્રસરેલાં હોય છે. મધમાખીના સ્પર્શકમાં પ્રત્યેક ચોરસ મિલીમીટર દીઠ આશરે 5,00,000 જેટલા સંવેદનશીલ સ્પર્શકો આવેલા હોય છે. ગંધગ્રાહી અંગોની મદદથી મચ્છર જેવા કીટકો માણસ કે ઢોર જેવાની ત્વચા પરનો ભેજ, શારીરિક તાપમાન કે ભક્ષ્યના હલનચલનને પારખી લઈ તેનું લોહી ચૂસી શકે છે. સામાજિક જીવન ગુજારનાર ઊધઈ જેવા કીટકો સાથીના શરીર પરથી ફેલાયેલા ગંધના અણુઓની મદદથી તેને ઓળખી કાઢે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ગંધ-સંવેદનશીલ કોષો નાસિકાગુહામાં આવેલા હોય છે. માનવીમાં ગંધગ્રાહી કોષો ચોમિમી. દીઠ 40,000 જેટલા હોય છે, જ્યારે સસલામાં આ સંખ્યા 1,20,000 જેટલી હોવાનો સંભવ છે.

યોગેશ મણિલાલ દલાલ