ગંગોપાધ્યાય, શ્યામલ
January, 2010
ગંગોપાધ્યાય, શ્યામલ (જ. 25 માર્ચ 1933, ખુલના, બાંગ્લાદેશ; અ. 24 સપ્ટેમ્બર 2001, કોલકાતા) : પ. બંગાળના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘શાહજાદા દારાશુકો’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો.
તેમણે બેલૂરમાં ભઠ્ઠીના મજૂર તરીકે જીવનનો આરંભ કર્યો હતો. પછી શાળાના શિક્ષક અને પત્રકાર બન્યા. છેલ્લે એક સાહિત્યકારરૂપે પ્રસિદ્ધ થયા. તેમની પ્રથમ વાર્તા 1952માં પ્રગટ થઈ. 1954માં બી.એ.ની પદવી મેળવી અને એક વર્ષ અધ્યાપનકાર્ય કર્યા પછી ‘આનંદ બાજાર’ પત્રમાં જોડાયા અને 1976 સુધી મુખ્ય ઉપ-સંપાદક તરીકે કામગીરી સંભાળી. પછી ‘યુગાંતર’ના સહાયક સંપાદક બન્યા. વળી સાહિત્યિક સામયિક ‘અમૃતા’નું સંપાદન પણ તેમણે સંભાળ્યું. 1991થી તેઓએ એક દૈનિકમાં કામ કરતા હતા.
તેમના વાર્તાસંગ્રહો અને નવલકથાઓ પ્રગટ થયાં છે. તેમણે અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. તેમને જે અનેક પુરસ્કાર મળ્યા છે તેમાં મતિલાલ પુરસ્કાર, તારાશંકર પુરસ્કાર, વિભૂતિભૂષણ પુરસ્કાર, કથા પુરસ્કાર, શિરોમણિ પુરસ્કાર અને ભુવાલકા પુરસ્કાર મુખ્ય છે.
તેમની પુરસ્કૃત નવલકથા ‘શાહજાદા દારાશિકોહ’માં એક ઉચ્ચ પ્રકારનું ઐતિહાસિક સંશોધન, ભારે કલ્પનાત્મક સૌંદર્ય અને ઉદાત્ત માનવધ્યેય પ્રતીત થાય છે. અકબરની માફક દારાશિકોહ પણ હિંદુ અને મુસ્લિમ ધર્મની એકતા ચાહતો હતો. બે ખંડમાં પ્રગટ કરાયેલ આ નવલકથા ભૂત અને વર્તમાનમાંની લેખકની અંતદૃષ્ટિ ભારતના ઇતિહાસમાં મુઘલયુગીન વાતાવરણની સમતાપૂર્વકની પુનર્રચના, જુદા જુદા ધર્મો વચ્ચેના સુમેળની અપેક્ષા તેમજ બંગાળી અને ફારસી ભાષાઓનાં વિલક્ષણ તત્વોનો સમન્વય તથા વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિની વિશેષતાને કારણે ભારતીય નવલકથાસાહિત્યમાં મહત્ત્વનું સ્થાન પામી છે.
બળદેવભાઈ કનીજિયા