ગંગોપાધ્યાય, સુનીલ (જ. 7 સપ્ટેમ્બર 1934, માદરીપુર, જિ. ફરિદપુર (હાલ બાંગ્લાદેશ); અ. 23 ઑક્ટોબર 2012, કૉલકાતા) : આજના બંગાળના અત્યંત લોકપ્રિય લેખકોમાંના એક. જુદા જુદા સમયે તેમણે ‘સનાતન પાઠક’, ‘નિલાલોહિત’ અને ‘નિલ ઉપાધ્યાય’ કવિ, પત્રકાર, નવલકથાકાર, પટકથાલેખક અને નાટ્યકારની ભૂમિકા ભજવી છે. આઝાદી બાદ તેમણે બંગાળીમાં નવી સાહિત્યિક ચળવળની આગેવાની લીધેલી.

સુનીલ ગંગોપાધ્યાય

ભારતના ભાગલા બાદ તેમનો પરિવાર પ્રારંભે અત્યંત ગરીબી વેઠીને કૉલકાતામાં સ્થિર થયો. તેમણે ખાનગી ટ્યૂશન, વીમા કંપનીમાં તાલીમ અધિકારી તથા સરકારી સેવા જેવી જીવનમાં ખૂબ મથામણ બાદ કૉલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આનંદબજાર પત્રિકાના સંપાદકમંડળમાં જોડાયા. પાછળથી ‘કૃત્તિબાસ’ના સંપાદક બન્યા. તેમણે યુનેસ્કોના પ્રૌઢશિક્ષણ કાર્યક્રમમાં પણ કામગીરી બજાવેલી. તેઓ સાહિત્યિક સંસ્થા ‘બુદ્ધસંધ્યા’ના પ્રમુખ, 1998–2002 દરમિયાન નવી દિલ્હીમાં સાહિત્ય અકાદમીના કાર્યકારી બોર્ડના સભ્ય રહ્યા. તેમણે બંગાળીમાં 165 ગ્રંથો આપ્યા છે; તેમાં 60 નવલકથાઓ, 60 કાવ્યસંગ્રહો, 13 વાર્તાસંગ્રહો, 3 નિબંધસંગ્રહો તેમજ વિવિધ પ્રકારનાં બાળસાહિત્યની તેમણે રચના કરી છે. તેમણે સાહિત્યિક કારકિર્દી કવિ તરીકે શરૂ કરી હતી. ‘એકા એવં કયેક જન’ (1958); ‘આમાર સ્વપ્ન’ (1972); ‘બંદી જેગે આછી’ (1974) વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. ‘અરણ્યેર દિનરાત્રિ’ (1969), ‘પ્રતિધ્વનિ’ (1970), ‘સુદૂર ઝરણાર જાલે’ (1976), ‘સ્વર્ગેર ખૂબ કાછે’ (1977), ‘આ છબિઘરે અંધકાર’ (1978) અને ‘સેઈ સમય’ 2 ગ્રંથ (1985) જાણીતી નવલકથાઓ છે. ‘શ્રેષ્ઠ ગલ્પ’ (1982), ‘મહા પૃથ્વી’ વાર્તાસંગ્રહો; ‘રાત્રિ રેન્ડ વોઝ’, ‘સદા પૃષ્ટ તોમાર સંગે’ (1985) બંને કાવ્યસંગ્રહો; ‘પ્રાણેર પ્રહરી’, ‘રાજા-રાણી’ નાટકો; ‘સનાતન પાથકેર ચિંતા’ (1977) વિવેચન; ‘સબૂજ દ્વિપેર રાજા’, ‘દંગા’ બંને બાળસાહિત્યના ગ્રંથો છે. પ્રણયકાવ્યોની તેમની ‘નીરા’ શ્રેણી બંગાળીમાં લખાયેલ સૌથી વધુ ભાવપૂર્ણ છે. તેમના આધુનિક કાવ્યસંગ્રહ ‘સદા પૃષ્ટ તોમાર સંગે’(1980)માં તેમણે માનવ-અસ્તિત્વનો નાશ કરવા મથતાં સામાજિક અસમાનતા, ધાર્મિક દુરાગ્રહો, સંકુચિતતા, કોમવાદ, આતંકવાદ અને એવાં બીજાં દૂષણો પરત્વે તેમની જાગરૂકતા દર્શાવી છે.

તે ઉપરાંત ‘અન્ય દેશેર કવિતા’ (અનૂદિત કવિતા) અને ‘કૃત્તિબાસ સંકલન’ એ બે ગ્રંથો (1984) તેમનું સંપાદન છે. તેમની નવલકથાઓ સંખ્યાબંધ ભારતીય ભાષાઓમાં અનૂદિત કરાઈ છે.

તેમને 1982માં આનંદ પુરસ્કાર અને 1983માં બંકિમ પુરસ્કાર; 1985માં ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અને તથા બીજા અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમની વાર્તાઓ અને નવલકથાના આધારે સત્યજિત રે જેવા નિર્માતાઓએ ફિલ્મનું નિર્માણ કર્યું છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘અરણ્યેર દિનરાત્રિ’ને 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો છે. તે 19મી સદીના રેનેસાં દરમિયાન બંગાળની સામાજિક અને બૌદ્ધિક જીવનના સામા પ્રવાહોને બે ભાગમાં વાગોળતી મહાકાવ્ય નવલકથા છે. તેમાંની આવાહનશક્તિ અને પ્રભાવશાળી અભિવ્યક્તિને કારણે તે કૃતિનું તત્કાલીન બંગાળી સાહિત્યમાં આગવું પ્રદાન ગણાય છે.

ચન્દ્રકાન્ત મહેતા