ખ્વાજા અહમદ નિઝામુદ્દીન બખ્શી (ઈ. સ. 1549 – ઈ. સ.1594) : મુઘલ શહેનશાહ અકબરના સમયના ઇતિહાસકાર. હિંદના ઇતિહાસોમાં પ્રખ્યાત એવા ઇતિહાસ-પુસ્તક ‘તબકાતે અકબરી’ના કર્તા. તેમના પિતા ખ્વાજા મુકીય હરવી મુઘલ શાહ બાબરના અંગત કારભારી હતા. ગુજરાતના હાકેમ મીરજા અસકરીના વજીર તરીકેની પણ તેમણે સેવાઓ આપેલી. નિઝામુદ્દીન બખ્શીને શાહી સેવાનો લાભ વારસાગત રીતે મળ્યો હતો. શહેનશાહ અકબરના સૈન્યના અનેક હોદ્દાઓ પર તેમની નિયુક્તિ થયેલી. અકબરના રાજ્ય-અમલના ઓગણત્રીસમા વર્ષે જ્યારે ગુજરાતની હકૂમત એત્માદખાનને સોંપવામાં આવી ત્યારે તેમની નિમણૂક ગુજરાતના બખ્શી તરીકે થઈ હતી.
ઈ. સ. 1594માં શહેનશાહ અકબર સાથે પંજાબ ગયેલા. ત્યાં સખત માંદગી દરમિયાન તેમના પુત્રો તેમને લાહોર લઈ ગયા, જ્યાં 45 વર્ષની વયે તેમનું અવસાન થયું. અકબર તેમના અવસાનથી બહુ જ ગમગીન થયા.
નિઝામુદ્દીન બખ્શીને બાલ્યાવસ્થાથી જ ઇતિહાસના અધ્યયનનો શોખ હતો. તેમણે ઈ. સ. 1593માં ‘તબકાતે અકબરી’ પૂરું કર્યું. તેમાં સુબુક્તગીનના સમયથી અકબરના 37મા રાજ્ય-અમલના વર્ષ સુધીનો ઇતિહાસ છે. મુલ્લા અબ્દુલ કાદીર બદાયૂની અને મોહમદ કાસિમ ફરિશ્તહે પણ પોતાના ઇતિહાસગ્રંથોની રચના માટે ‘તબકાતે અકબરી’નો છૂટથી ઉપયોગ કર્યો છે. ‘તબકાતે અકબરી’માં પ્રસ્તાવના પછી 9 તબક્કા છે. તેમાં અનુક્રમે સુલતાન મુઇઝુદ્દીનથી અકબર સુધીના, દખ્ખણના શાહોના, ગુજરાતના સુલતાનોના (ઈ. સ. 1390થી 1572), બંગાળ, જોનપુર અને કાશ્મીરના શાહોના તેમજ સિંધ અને મુલતાનના ઇતિહાસનો સમાવેશ થાય છે.
ઈસ્માઈલ કરેડિયા