ખ્રેનિકૉવ, તિખૉન નિકૉલાયેવિચ

January, 2010

ખ્રેનિકૉવ, તિખૉન નિકૉલાયેવિચ (Khrennikov, Tikhon Nikolayevich) (જ. 10 જૂન 1913, યેલેટ્સ, ઓર્લોવ જિલ્લો, રશિયા; અ. 14 ઑગસ્ટ 2007) : રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. સોવિયેત શાસન દરમિયાન સામ્યવાદી સોવિયેત શાસકોના હાથારૂપ બનવા માટે તે હંમેશાં વિવાદાસ્પદ રહ્યા છે.

તિખૉન નિકૉલાયેવિચ ખ્રેનિકૉવ

બાળપણથી જ ખ્રેનિકૉવે પિયાનોવાદન શીખવું શરૂ કરેલું. પંદર વરસની વયે મૉસ્કો જઈ ગ્નેસિન મ્યુઝિક કૉલેજમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને ત્યાં 1929થી 1932 સુધી મિખાઇલ ગ્નેસિન અને યેફ્રેઇમ ગૅલ્માન હેઠળ સંગીતનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ મૉસ્કો કોન્ઝર્વેટરીમાં 1932થી 1936 સુધી લિટિન્સ્કી અને વિસારિયોં શેબાલિન હેઠળ પિયાનોવાદનનો અભ્યાસ કર્યો. એ પછી હીન્રીખ ન્યૂહોસ હેઠળ પણ તેમણે પિયાનોવાદનનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી કાળમાં ખ્રેનિકૉવે લખેલી બે કૃતિઓ – પહેલી સિમ્ફની તથા પિયાનો કન્ચર્ટો નં. 1 ગુણવત્તાને કારણે પ્રતિષ્ઠા પામી અને ખ્રેનિકૉવનું નામ થયું.

આન્દ્રેઈ ઝ્દાનૉવની ભલામણથી 1948માં સ્ટેલિને ‘સંગીતકારો અને સંગીતનિયોજકોના મંડળ ‘યુનિયન ઑવ્ સોવિયેત કમ્પોઝર્સ’ના પ્રમુખ પદે ખ્રેનિકૉવની નિમણૂક કરી. તરકટી બનાવટી ચૂંટણીઓનાં ઓઠા હેઠળ આ પદે ખ્રેનિકૉવ છેક સોવિયેત સંઘના અસ્ત સુધી – 1991 – ચાલુ રહ્યા અને સંગીતકારોની સર્જનાત્મક કલાને ડામવાનું કામ કરતા રહ્યા; શોસ્ટાકોવિચ અને પ્રોકોફિફ જેવા ઉત્તમ સંગીતનિયોજકો પર અમૂર્તતા અને આકારવાદ(formalism)ને કારણે પસ્તાળ પાડતા રહ્યા. છતાં ખ્રેનિકૉવના પ્રયત્નોને કારણે જ એ બંને ઉત્તમ સંગીતનિયોજકોને 1950માં સર્વોચ્ચ સોવિયેત ખિતાબ ‘સ્ટેલિન ઍવૉર્ડ’ મળેલા. એલિના ફિર્સોવા, દ્મિત્રી સ્મિનૉર્વ, ઍલેક્ઝાન્ડર નાઇફેલ, વિક્ટર સુસ્લીન, વ્યાચેસ્લાવ આર્ત્યોમોફ, સોફિયા ગુબાઈદુલિના અને એડિસન ડેનિસૉવના સંગીત પર ખ્રેનિકૉવે જાહેર પ્રતિબંધ મુકાવ્યો હતો. જોકે આ પ્રતિબંધિત સંગીતકારો પર કોઈ બીજો અત્યાચાર કરવામાં આવ્યો નહોતો.

અન્ય સંગીતકારો માટે ખ્રેનિકૉવ ભલે જુલમી અને સિતમગર બની રહ્યા, છતાં એક મૌલિક સંગીતનિયોજક તરીકે તેમણે રશિયા, બીજાં ભૂતપૂર્વ સોવિયેત રાજ્યો અને યુરોપમાં કાઠું કાઢ્યું. બીજા વિશ્વયુદ્ધના વિષય પર બનેલી બે સોવિયેત ફિલ્મો ‘ધ પીગન્ટેન્ડર ઍન્ડ ધ શેફર્ડ’ તથા ‘‘ઍટ સિક્સ ઓ’ક્લોક ઇન ધ ઈવનિંગ આફ્ટર ધ વૉર’’માં ખ્રેનિકૉવનું સંગીત ખૂબ લોકવ્યાપક બન્યું. શેક્સપિયરની કોમેડી ‘મચ એડો અબાઉટ નથિંગ’ના મૉસ્કોમાં થયેલ મંચનમાં તેમણે સંગીત આપ્યું. એ પછી 1939માં લેખક એન. વીત્રાની નવલકથા ‘લોન્લીનેસ’ ઉપરથી તેમણે ઑપેરા ‘ઇન ધ સ્ટૉર્મ’ લખ્યો. આ ઉપરાંત તેમની અગત્યની કૃતિઓ આ મુજબ છે :

1. કવિ એન. નેક્રાસ્રૉવનાં કાવ્યોનું સ્વરાંકન

2. બૅલે ‘અવર યાર્ડ’

3. ઑપેરા ‘ધ જાયન્ટ બૉય’

4. બૅલે ‘લવ ટુ લવ’

5. બે કન્ચર્ટો ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા

6. કન્ચર્ટો ફૉર યેલો ઍન્ડ ઑર્કેસ્ટ્રા

7. ઓગણીસમી સદીના રશિયન નાટ્યકાર મિત્રી આવેર્કિયેવની કૉમેડી ‘ફ્રૉલ સ્કોબેયેવ’ પરથી તે જ નામનો ઓપેરા.

8. બે ફિલ્મો ‘ધ ડુયેના’ અને ‘ધ ટાઇમ હૅઝ ચોઝન અસ’નું ફિલ્મ- સંગીત.

અમિતાભ મડિયા