ખોટ્ટિગ : માન્યખેટના રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજાનો ભાઈ અને અમોઘવર્ષ ત્રીજાનો પુત્ર. 967માં તે માન્યખેટની ગાદીએ બેઠો. બંને ભાઈઓની માતા સંભવત: જુદી હતી. ખોટ્ટિગની માતાનું નામ કંદકદેવી હતું. ઉદયપુર પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે, ખોટ્ટિગના શાસન દરમિયાન 972માં માળવાના પરમાર રાજા સિયક બીજા હર્ષદેવે રાષ્ટ્રકૂટ પ્રદેશ ઉપર આક્રમણ કર્યું અને નર્મદા પાર કરી તેની રાજધાની માન્યખેટ કબજે કરીને લૂંટફાટ ચલાવી. પરમારોના આ આક્રમણને સમયે ખોટ્ટિગ ઘણા વૃદ્ધ હતા તેથી તે સફળતાપૂર્વક સામનો કરી શક્યા ન હતા. પરંતુ ગંગા-અમરસિંહે તેમની મદદે આવીને પરમાર સૈન્યને હાંકી કાઢ્યું. પાછા ફરતી વખતે પરમાર સૈનિકો રાષ્ટ્રકૂટોનાં દાનપત્રોની પ્રતિલિપિ (નકલ) લઈ ગયા હતા. સંભવત: તેમનું મૃત્યુ 972ના સપ્ટેમ્બરમાં થયું. આમ, રાષ્ટ્રકૂટોના પતનની શરૂઆત આ રાજાના શાસનકાળ દરમિયાન થઈ હતી.

શિવપ્રસાદ રાજગોર