ખોટે, દુર્ગા (જ. 13 જાન્યુઆરી 1905, મુંબઈ; અ. 22 સપ્ટેમ્બર 1991, મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતનાં વિખ્યાત અભિનેત્રી. મુંબઈના મધ્યમવર્ગીય શિક્ષિત પરિવારમાં જન્મ. મુંબઈની કેથીડ્રલ સ્કૂલમાં શિક્ષણ લીધું. મહિલાઓના સમાન અધિકારોનાં હિમાયતી અવંતિકા ગોખલેના પ્રભાવ હેઠળ આવતાં, જે જમાનામાં નાટક કે ચલચિત્ર જેવું ક્ષેત્ર સ્ત્રીઓ માટે નિષિદ્ધ ગણાતું તે જમાનામાં આ બંને ક્ષેત્રોમાં પ્રવેશ કરવાનું સાહસ તેમણે બતાવેલું. કારકિર્દીની શરૂઆત મરાઠી તખ્તા પર સંગીતનાટકોમાં અભિનયથી થયેલી. મોહન ભવનાનીના ‘ફરેબી જાલ’ (1931) નામના મૂંગા ચલચિત્ર દ્વારા રૂપેરી પડદા પર અભિનયની શરૂઆત કરી. તે કારકિર્દી પાંચ દાયકા સુધી (1931-80) અખંડ ચાલતી રહી. આ અરસામાં તેમણે સો ઉપરાંત ચલચિત્રોમાં અભિનય આપ્યો; જેમાં મરાઠી, હિંદી, ગુજરાતી અને તમિળ ફિલ્મોનો સમાવેશ થતો હતો. ચલચિત્રના મરાઠી જેવા પ્રાદેશિક

દુર્ગા ખોટે

ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય કક્ષાના બહોળા ક્ષેત્રમાં સફળતાથી લોકપ્રિયતા હાંસલ કરનાર તેઓ પ્રથમ અભિનેત્રી હતાં. પ્રભાત ફિલ્મ કંપનીના મરાઠી અને પછી હિંદી ચલચિત્ર ‘અયોધ્યેચા રાજા’/‘અયોધ્યા કા રાજા’ (1932) – એ તેમના અભિનયનું પ્રથમ બોલપટ હતું. પ્રભાત ફિલ્મ કંપનીનાં શરૂઆતના લગભગ બધાં જ મરાઠી અને હિંદી બોલપટોમાં દુર્ગા ખોટેએ અભિનય કર્યો છે. ત્યાર બાદ તેઓ કૉલકાતા ખાતેના ન્યૂ થિયેટર્સનાં દેવકી બોઝના દિગ્દર્શન હેઠળનાં ચલચિત્રોમાં તથા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં ચલચિત્રોમાં અભિનય કરતાં રહ્યાં. મુંબઈની પ્રકાશ પિક્ચર્સની કેટલીક ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું. આમ એક જ સમયગાળા દરમિયાન એક કરતાં વધુ જાણીતી ફિલ્મકંપનીઓના નેજા હેઠળ અભિનય કરનાર તેઓ કદાચ ભારતમાં સર્વપ્રથમ અભિનેત્રી હતાં. વી. શાંતારામના ‘માયા મછિન્દ્ર’ (1933) ચલચિત્રના એક ર્દશ્યમાં તેમના પગ તળે એક જીવતો ચિત્તો બેસાડવામાં આવેલો. ‘અમરજ્યોતિ’(1936)માં તેમણે ચાંચિયાઓની ટોળકીના સરદારની ભૂમિકા ભજવેલી. આચાર્ય અત્રે દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત મરાઠી ચલચિત્ર ‘પાયાચી દાસી’ (1941) (હિંદીમાં ‘ચરણો કી દાસી’) દ્વારા તેમણે નાયક-નાયિકા સિવાયનાં મહત્વનાં સ્ત્રીપાત્રોના અભિનયની રૂપેરી પડદા પર શરૂઆત કરી, જે છેક ‘કર્ઝ’ (1980) સુધી સતત ચાલુ રહી.

તેમની ભૂમિકા ધરાવતાં અગાઉ ઉલ્લેખ કરાયા સિવાયનાં બીજાં કેટલાંક લોકપ્રિય ચલચિત્રો : ‘રાજરાની મીરા’ (1933), ‘ઇન્કિલાબ’ (1935), ‘ભરતમિલાપ’ (1942) / મરાઠીમાં ‘ભરતભેટ’, ‘પૃથ્વીવલ્લભ’ (1943), ‘મોરુચી માવશી’ (મરાઠી : 1948), ‘હરહર મહાદેવ’ (1950), ‘હમલોગ’ (1951), ‘આંધિયાં’ (1952), ‘ચાચા ચૌધરી’ (1953), ‘મિર્ઝા ગાલિબ’ (1954), ‘રાજતિલક’ (1955), ‘મોગલે આઝમ’ (1960), ‘ભાભી કી ચુડિયાં’ (1961), ‘અનુપમા’ (1966), ‘સંઘર્ષ’ (1968), ‘એક ફૂલ, દો માલી’ (1969), ‘દેવમાણુસ’ (મરાઠી : 1970), ‘બાવર્ચી’ (1972), ‘અભિમાન’ (1973), ‘બૉબી’ (1973), ‘નમકહરામ’ (1973), ‘બિદાઈ’ (1974), ‘ખુશબૂ’ (1975) અને ‘કર્ઝ’ (1980).

કેટલાક સમય સુધી તેઓ ‘ઇપ્ટા’ (ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન) સાથે પણ સંકળાયેલાં હતાં, જેનાં નાટકોમાં તેમણે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ગાંધી સ્મારક ફંડ માટે આ સંસ્થા દ્વારા રજૂ થયેલ ‘આંદોલન’ નાટકમાં તેમની ભૂમિકા ખૂબ વખણાયેલી. મરાઠી તખ્તા પરનાં ‘ભાઉબંદકી’ જેવાં કેટલાંક નાટકોનું દિગ્દર્શન પણ તેમણે કર્યું હતું.

જાહેરખબર અને ટૂંકી ફિલ્મોના નિર્માણ હેતુથી તેમણે ‘દુર્ગા ખોટે પ્રકાશન’ નામની કંપની શરૂ કરી હતી.

તેમને ઘણા પુરસ્કારો અને ઍવૉર્ડો એનાયત થયા હતા, જેમાં રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ, ‘બિદાઈ’ ચલચિત્રના અભિનય માટે ફિલ્મફેર ઍવૉર્ડ’, અભિનય માટે મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ (1983) વગેરેનો સમાવેશ થાય છે.

‘મી દુર્ગા ખોટે’ (1982) શીર્ષક હેઠળ તેમની આત્મકથા મરાઠીમાં પ્રસિદ્ધ થયેલી છે, જેનું ‘હું દુર્ગા ખોટે’ શીર્ષક હેઠળ ગુજરાતીમાં ભાષાંતર થયેલું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે