ખોજી : ઉર્દૂ સાહિત્યના નામાંકિત લેખક અને ગદ્યકાર પંડિત રત્નનાથ ‘સરશાર’(જ. 1845, લખનૌ; અ. 1902, હૈદરાબાદ)ની ખ્યાતનામ કૃતિ ‘ફસાન-એ-આઝાદ’નું યાદગાર પાત્ર. મોટા કદનાં ત્રણ હજારથી વધારે પૃષ્ઠો ધરાવતો દળદાર ગ્રંથ ‘ફસાન-એ-આઝાદ’ કે ‘આઝાદકથા’ ખૂબ લોકપ્રિય બન્યો કારણ કે તે આખા ગ્રંથમાં હિન્દુસ્તાનના પતનશીલ યુગની તેજસ્વી ગાથા આલેખાઈ છે.

આ સમગ્ર મહાકથા લખનવી સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી બે મોટાં પાત્રો આઝાદ અને ખોજી દ્વારા રજૂઆત પામી છે. આ મહાકથાના કેન્દ્રમાં આ બંને પાત્રો મધ્યકાલીન લખનવી સંસ્કૃતિની અર્વાચીનતા અને પ્રાચીનતાને સાકાર કરે છે.

‘સરશાર’ના વ્યક્તિત્વની ઝલક તેમનાં આ બંને પાત્રોમાં ર્દષ્ટિગોચર થાય છે. ખોજીનો જુનવાણી હાસ્યાસ્પદ વ્યવહાર અને પરાક્રમો તે સમયની આડંબરી જીવનશૈલીનું ચિત્ર રજૂ કરે છે. લંગડાતા ઘોડા ઉપર તૂટેલ તલવાર સાથે વંટોળ સાથે બાથ ભીડવા નીકળતો દયાજનક સૈનિક ખોજી, પ્રાચીનતા, જુનવાણી વિચારસરણી અને સનાતની જીવનશૈલીનો પ્રતિનિધિ છે. આ હકીકતનો સાચો ખ્યાલ તે સમયના લખનવી નવાબોની રહેણીકરણી, રીતભાત અને વિચારવિમર્શના ક્યાસ ઉપરથી આવી શકશે. સમગ્ર લખનૌ જે રીતે ખેલ-તમાશાનો અખાડો બન્યું હતું તેનો નમૂનો ખોજીનું પાત્ર છે. જે લોકોએ રાજકીય અને સામાજિક પરિવર્તનો તરફ આંખે પાટા બાંધી લીધા હતા તેવા લખનૌના બાંકા, પહેલવાનો, પતંગબાજો, અફીણીઓ, દંભી અમીરો, લુખ્ખા જાગીરદારો અને મૂર્ખ બડાશખોરોનું પ્રતિબિંબ ખોજીના પાત્રમાં જોવા મળે છે. સરશારે આઝાદના પાત્ર દ્વારા નવી સંસ્કૃતિના આગમન સાથે નવા રચાતા સમાજનાં એંધાણ પણ આપ્યાં છે, તેમ છતાં વાચકો અને રસિકો ખોજીના પાત્રને વધુ યાદ રાખશે કારણ કે તે પાત્ર દ્વારા તે યુગની કમજોરીઓ અને ક્ષતિઓનું ચિત્રણ જીવંત બને છે.

‘ફસાન-એ-આઝાદ’ ઉપર ‘ડૉન કિહોતે’ની છાપ એટલી બધી છે કે કેટલાક સમીક્ષકોએ તો તેને અનુવાદની કક્ષામાં મૂક્યું હતું. ડૉન કિહોતેની સાથે તુલના થઈ શકે તેવું પાત્ર તે ખોજીનું છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા