ખોજા : શિયા સંપ્રદાયની એક મુસલમાન કોમ. તેમના ધાર્મિક વડા આગાખાન છે. આ કોમ લોહાણામાંથી ધર્માંતર કરી ઇસ્લામ ધર્મ સ્વીકારવાથી બની હોવાનું મનાય છે. આ કોમ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વેપારી કોમ છે, જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મુખ્યત્વે ખેતી કરનાર કોમ છે. મુંબઈ જેવા શહેરમાં દૂધનો ધંધો કરે છે. ગુજરાત ઉપરાંત ટાંગાનિકા, ઝાંઝીબાર વગેરે પૂર્વ આફ્રિકામાં અને પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલા ખોજાઓની વસ્તી છે.

તેમને પ્રથમ ઇસ્લામમાં લાવનાર સૈયદ નૂરુદ્દીન કે ‘નૂર સતગર’ હતા. તેમની દરગાહ નવસારીમાં છે. ત્યાર પછી તેમના પીર સદરુદ્દીન હતા. આ શિયા પીરોની પ્રણાલિકા સુન્નીઓના પીરો કરતાં નીતિરીતિમાં અલગ પડે છે. આ પીરોએ મહમ્મદ પેગંબરની સાથે હિંદુ દેવદેવતા અને હિંદુ ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક વ્યક્તિઓને સાંકળી લીધાં હતાં. રામ, કૃષ્ણ, નકળંગ અવતારોને તેમણે સ્થાન આપ્યું છે. આમ તેમનો ધર્મ નથી પૂર્ણ ઇસ્લામી કે નથી સંપૂર્ણ હિંદુ. આ લોકોને પીરોએ ‘ખ્વાજા’ એટલે મહાનનું બિરુદ આપ્યું છે. ‘ખ્વાજા’નું અપભ્રંશ રૂપ ‘ખોજા’ છે. તેઓ તેમના ઇમામો અને પીરોને દેવવત્ પૂજે છે. તેમની પ્રાર્થના કરવાની માળા પણ આ ઇમામો અને પીરોનાં નામ જપવા પૂરતી હોય છે. કૅથલિક પંથના ખ્રિસ્તી ધર્મગુરુઓની માફક તેમના ધાર્મિક વડા આગાખાનને નક્કી કરેલા કરવેરા આપીને ધાર્મિક ફરજોમાંથી મુક્તિ મેળવતા હોય છે. આગાખાનને આપવાની રકમ તેમના નાયબો ઉઘરાવે છે. આ પૈસાનો ઉપયોગ આગાખાન શાળાઓ, દવાખાનાં વગેરે ચલાવવામાં કરે છે. તેમણે ઉદ્યોગો વગેરે માટે સહકારી બૅંકો સ્થાપી છે.

શિયા વહોરાની માફક ખોજાઓનો પોશાક એકસરખો, વિવિધ વિસ્તાર પ્રમાણે સમાન હોય છે. તેમની સ્ત્રીઓ વહોરાની માફક પડદો પાળતી નથી. ખેડૂતની સ્ત્રીઓ ખેતરમાં કામ પણ કરે છે. તેમની સ્વતંત્ર શાળા કે મદરેસા હોય છે, જ્યાં સામાન્ય શિક્ષણ ઉપરાંત ધાર્મિક શિક્ષણ અપાય છે. ધાર્મિક શિક્ષણ માટે અલગ શિક્ષક હોય છે. બાળકોનાં સ્વાસ્થ્ય માટે વધારે વસ્તીવાળાં ગામોમાં પરિચારિકા રખાય છે. વેપારી કોમના ખોજાઓ પૈકી ઘણા લોકોએ કોટ, પાટલૂન વગેરે અપનાવ્યાં છે. સામાન્ય લોકો પાયજામો, ખમીસ અને ટોપી પહેરે છે. પણ ઘરમાં લુંગી પહેરાય છે. કન્યાશિક્ષણ તરફ તેઓ લક્ષ આપી કન્યાઓને ભણાવે છે. મુંબઈમાં દુધાળાં ઢોરના તબેલા રાખી દૂધનો વેપાર કરે છે. કેટલાક ટૅક્સી રાખીને ભાડે ફેરવવાનો ધંધો પણ કરે છે.

શિવપ્રસાદ રાજગોર