ખેડાવાડાનું મંદિર : ગુજરાતમાં સોલંકીકાળમાં બંધાયેલાં મંદિરો પૈકી સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામમાં આવેલું પંચાયતન મંદિર. આ પ્રકારનાં મંદિરોમાં મધ્યના મુખ્ય મંદિરની જગતીના ચાર છેડે એક એક નાના મંદિરની રચના જોવામાં આવે છે.
ચાર ખૂણે અનુક્રમે શિવ, સૂર્ય, પાર્વતી અને વિષ્ણુનાં મંદિરો હોવાનું જણાય છે જ્યારે વચ્ચે દક્ષિણાભિમુખ મંદિર બ્રહ્માનું જણાય છે.
ચાર ખૂણાનાં મંદિરો તલમાન, ઊર્ધ્વમાન અને કદમાં સરખાં છે. તમામ મંદિર એક સાદી જગતી ઉપર છે. વચ્ચે આવેલા મંદિરનો થોડા સમય પૂર્વે જીર્ણોદ્ધાર થયેલો હોઈને તેનું અસલ સ્વરૂપ નષ્ટ થયું છે જ્યારે ખૂણે આવેલાં ચારેય મંદિરોનું અસલ સ્વરૂપ જળવાઈ રહ્યું છે. આ પૈકી કોઈ મંદિરને પીઠ નથી. ખૂણાનાં મંદિરોની જંઘાના ગવાક્ષમાં આવેલાં દેવોનાં શિલ્પ અલગ છે. ઈશાન ખૂણે આવેલા મંદિરની જંઘાના ગવાક્ષમાં ઉત્તરે નટેશ અને પશ્ચિમે ગજાસુરસંહારનું સુંદર શિલ્પ છે. અગ્નિખૂણાના મંદિરની જંઘાના ગવાક્ષમાં પાર્વતી અને સ્કંદ છે. ત્રીજા મંદિરની જંઘાના ગવાક્ષમાં બે સૂર્યમૂર્તિઓ છે અને છેલ્લા ચોથા મંદિરની જંઘાના ગવાક્ષમાં ભૈરવ, વિષ્ણુ અને ઇન્દ્રનાં શિલ્પો છે. જીર્ણોદ્ધાર થયેલ મધ્યસ્થ મંદિરની જંઘાના ગવાક્ષમાં બ્રહ્મા અને શિવ છે. ગર્ભગૃહની બારસાખ ઉપર નવ ગ્રહોનો પટ્ટ છે.
શિવપ્રસાદ રાજગોર