ખેડા વર્તમાન (સ્થાપના : 1 જાન્યુઆરી 1861) : ગુજરાતનું સૌથી જૂનું સાપ્તાહિક. કહાનદાસ શેઠ અને પાનાચંદ શેઠે ખેડા જેવા નાના ગામમાંથી જિલ્લાના વિકાસના સમાચાર પૂરા પાડવા માટે ‘ખેડા વર્તમાન’ શરૂ કરવાનું સાહસ કર્યું ત્યારે માત્ર બે-ત્રણ શહેરોમાં જ છાપાં વંચાતાં હતાં. પ્રારંભમાં ચાર પાનાંનું આ સાપ્તાહિક 20 વર્ષ પછી ‘ગુજરાતી’ શરૂ થતાં 8 પાનાંનું બન્યું. પહેલે પાને તંત્રીલેખ, એ પછી જાહેરખબર અને ત્યાર બાદ સમાચારો આપવામાં આવતા હતા. સતત એક જ પેઢીની માલિકીથી આ સાપ્તાહિક પ્રગટ થતું આવે છે. આઝાદી પૂર્વે અંગ્રેજ સરકારે ‘ખેડા વર્તમાન’ના કેટલાક લેખો સામે વાંધો ઉઠાવીને એનું પ્રકાશન બે માસ બંધ રખાવ્યું હતું. 1936માં એના લેખો સામે રોષે ભરાઈને એના તંત્રી મણિલાલ કહાનદાસ શેઠને પોલીસે સખત મારપીટ કરી હતી અને 1945માં એના તંત્રી બાબુભાઈ મણિલાલ શેઠને અંગ્રેજ રાજની પોલીસે મધરાતે ઉઠાડીને કેદમાં પૂરવાની ધમકી આપી હતી. તેમ છતાં એમણે આઝાદી અંગેના સમાચારોમાં નમતું જોખ્યું નહોતું. 1961માં ગુજરાતના મુખ્ય મંત્રી ડૉ. જીવરાજ મહેતાના પ્રમુખપદે તેનો શતાબ્દી મહોત્સવ ઊજવાયો ત્યારે ખાસ શતાબ્દી અંક પ્રગટ થયો હતો.

પ્રીતિ શાહ