ખેડા સત્યાગ્રહ : 1918માં ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં મહેસૂલ નહિ ભરવા માટે ચાલેલી અહિંસક લડત. સામાન્ય રીતે ખેડા જિલ્લામાં લગભગ 762 મિમી. જેટલો વરસાદ વરસતો તેને બદલે 1918માં 1,778 મિમી. જેટલો વરસાદ તૂટી પડ્યો. અતિવૃષ્ટિને કારણે પાક તથા ઢોરનો ઘાસચારો બિલકુલ નાશ પામ્યો એટલે કે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ. આવા કપરા કાળમાં પણ સરકારનું મહેસૂલ તો ઊભું હતું. સરકારી નિયમ પ્રમાણે જે વર્ષે પાક ચાર આનીથી ઓછો થતો તે વર્ષે જમીન-મહેસૂલ મુલતવી રાખવામાં આવે. ખેડા જિલ્લાના સ્થાનિક કાર્યકર્તાઓ મોહનલાલ પંડ્યા, શંકરલાલ પરીખ અને ગોકળદાસ પારેખ વગેરેએ આ બાબતે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલનું ધ્યાન દોર્યું. ગુજરાત પ્રાંતીય સભામાં પણ આ સંદર્ભે ચર્ચા થઈ. ગાંધીજી ખેડૂતોની વ્યક્તિગત મુલાકાત લેવા માટે 50 જેટલાં ગામડાંમાં જાતે ફર્યા જ્યારે તેમના સહકાર્યકર્તાઓએ 400 ગામડાંમાં ફરીને પાક ચાર આનીથી વધુ નથી થયો તેમ જાહેર કર્યું. હોમરૂલ લીગની નડિયાદ શાખા મારફતે પણ સહી ઝુંબેશ શરૂ થઈ. આગેવાનોએ ગામેગામ ફરી સભાઓ ભરી લોકમત લઈ સહી ઝુંબેશ શરૂ કરી. ગુજરાત પ્રાંતીય સભાએ જાતતપાસના આધારે પોતાનો અહેવાલ સરકારને મોકલી આપ્યો. મુંબઈ ધારાસભાના સભ્યો વિઠ્ઠલભાઈ પટેલ અને ગોકળદાસ પારેખે પણ પ્રજાની ન્યાયી માગણીઓનો પ્રશ્ન બુલંદ અવાજે રજૂ કર્યો પણ સરકારે તેનો સ્વીકાર કર્યો નહિ. આખરે ન્યાય માટે સત્યાગ્રહ કરવાનું નક્કી થયું. નડિયાદનો અનાથ-આશ્રમ આ લડત માટેની કાર્યવહીનું કેન્દ્ર બનતાં તેનું નામ ‘સત્યાગ્રહ મંદિર’ રાખવામાં આવ્યું. ગાંધીજીએ આ લડતનું સુકાન સંભાળ્યું. કમિશનર પ્રૅટ સાથે રૂબરૂ મુલાકાતો ગોઠવી અને પત્રવ્યવહાર કર્યો; પરંતુ તેની કોઈ અસર થઈ નહિ. બીજી બાજુ, ખેડૂતો પણ મહેસૂલ નહિ ભરવા મક્કમ બન્યા. ગાંધીજીના આદેશાનુસાર ખેડૂતોએ પ્રતિજ્ઞા લઈ અહિંસક સત્યાગ્રહની લડત ઉપાડી. સરકારે દમનનીતિ શરૂ કરી; પરંતુ અડગ ખેડૂતો આગળ એ નીતિ કારગત નીવડી નહિ. અંગ્રેજ સરકાર વિરુદ્ધ કોઈ પણ પ્રજાકીય ચળવળ થતી ત્યારે સરકારી અમલદારો અને તેમાંય ખાસ કરીને નીચલા વર્ગના અધિકારીઓ અને તલાટીઓ પ્રજા પર ત્રાસ અને જુલમ કરી ચળવળને દબાવી દેવામાં પોતાની સરકાર પ્રત્યેની નિષ્ઠા, વફાદારી અને કુશળતા સમજતા અને સરકાર પણ તેમની આવી વફાદારીની બક્ષિસો દ્વારા કદર કરતી; તેથી તેમને આવી પ્રવૃત્તિ કરવા ઉત્તેજન મળતું. સરકારે જપ્તીઓ, ખાલસાના હુકમો, ચોથાઈ દંડ કરવો, ઊભો પાક જપ્ત કરવો અને હરાજ કરવો તથા ખેડૂતોને જેલભેગા કરવા વગેરે ધમકી ઉચ્ચારી. જપ્તી કરનાર અમલદારોએ કડકાઈ અને ભારે ત્રાસ વર્તાવ્યાં. જપ્તીમાં દુધાળાં ઢોર પણ સરકારે ન છોડ્યાં. બીજી બાજુ ઇન્દુલાલ યાજ્ઞિક, ગોકળદાસ પારેખ, શંકરલાલ પરીખ, વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી વગેરેએ ઠેરઠેર સભાઓ, ભાષણો અને પત્રિકાઓ દ્વારા ખેડૂતોને હૈયાધારણ આપી તેથી લડતનો જુસ્સો ટકી રહ્યો. લડત પુરજોશમાં ચાલી. સત્યાગ્રહીઓની સંખ્યા 3,200 ઉપર પહોંચી હતી. સરકારે આખરે જમીનો ખાલસા કરવાના હુકમો પાછા ખેંચ્યા. ખેડા સત્યાગ્રહને પ્રસિદ્ધિ મળતાં મુંબઈના ગુજરાતી વેપારીઓએ પણ લડત માટે ફાળો મોકલી આપ્યો. 23મી એપ્રિલે મુંબઈમાં વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદે ખેડા સત્યાગ્રહને ટેકો આપવા માટે શાંતારામની ચાલીના ચોગાનમાં એક સભા પણ યોજાઈ હતી. આ સભામાં લોકમાન્ય ટિળક અને ગાંધીજી પણ હાજર રહ્યા હતા. સમગ્ર દેશની નજર આ લડત પર મંડાયેલી હતી. દેશપરદેશનાં વર્તમાનપત્રોમાં આ લડતને ટેકો આપતાં લખાણો રોજ છપાતાં. લંડનની બ્રિટિશ ઇન્ડિયા કાગ્રેસ કમિટીએ પણ આ લડતને પોતાનો હાર્દિક ટેકો જાહેર કર્યો.

આખરે ખેડા જિલ્લાના કલેક્ટર તરફથી લેખિત દરખાસ્ત આવી કે જો સુખી ખેડૂતો મહેસૂલ ચૂકવી દે તો ગરીબ ખેડૂતોનું મહેસૂલ મુલતવી રાખવામાં આવશે. ગાંધીજીએ આ સમાધાન સ્વીકાર્યું. છઠ્ઠી જૂનના રોજ વલ્લભભાઈ પટેલે પત્રિકા બહાર પાડી અને જાહેર કર્યું કે લડતનો અંત આવે છે. આમ ખેડા સત્યાગ્રહની આ લડત ન્યાયની, સ્વમાનની અને અહિંસાના આદર્શ સિદ્ધાંતોની હતી. ખેડાના ખેડૂતોનાં હિંમત, ત્યાગ અને સમર્પણ દાદ માગી લે તેવાં હતાં. ખેડૂતોના પ્રશ્નને પહેલી જ વખત રાષ્ટ્રીય પ્રશ્નમાં સ્થાન મળ્યું. સંયમ, સંગઠન અને ત્યાગને કારણે આ લડતનો હેતુ સિદ્ધ થયો.

રાષ્ટ્રીય સ્વાધીનતા સંગ્રામમાં અને સત્યાગ્રહની લડતમાં ખેડા સત્યાગ્રહે એક નૂતન કેડી પ્રસ્થાપિત કરી. ભારતના એક મર્યાદિત ભાગમાં થયેલા આ એક નૂતન સત્યાગ્રહે વિજય પ્રાપ્ત કરી ઘણી દૂરગામી તેમ તાત્કાલિક અસરો નિપજાવી. ખેડૂતોના મનમાંથી સરકારી તંત્રનો ભય દૂર થયો અને સામૂહિક સત્યાગ્રહના ફાયદાનો પ્રત્યક્ષ અનુભવ ખેડૂતોને થયો. અહિંસક લડત સફળ થઈ શકે છે તેનો પ્રત્યક્ષ દાખલો એટલે ખેડા સત્યાગ્રહ. આ સત્યાગ્રહની સ્થાનિક અસરો સ્પષ્ટ દેખાઈ. તે સાથે ગુજરાત સહિત સમગ્ર દેશ પર તેનો પ્રભાવ પડ્યો. આ ઉપરાંત સ્થાનિક નેતાગીરીમાં લોકોને વિશ્વાસ પેદા થયો. સરકારે પણ આ લડતની સફળતાની ગંભીર નોંધ લઈ આવી રહેલી આંધીની સૂચક નિશાની તેને ગણી હતી. આ લડતને પરિણામે 1918 સુધીમાં ખેડા જિલ્લો સમગ્ર દેશમાં સક્ષમ અને મજબૂત રાષ્ટ્રવાદી પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યો. જાગ્રત બનેલા ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને રાષ્ટ્રીય લડતોમાં પણ જોડવા જોઈએ તેવી ભૂમિકા બંધાઈ. આમ ખેડાની આ સફળ લડત ગાંધીયુગના રાષ્ટ્રીય જાગૃતિના ઉત્થાનનો પ્રથમ તબક્કો હતો. આ લડતની સફળતાએ ગુજરાતના જાહેર જીવનનો અને નવા આકાર લઈ રહેલા ઇતિહાસનો પાયો નાખ્યો. આ સત્યાગ્રહની વિશિષ્ટતા એ હતી કે માત્ર પુરુષો જ નહિ, સ્ત્રીઓ પણ પહેલી જ વખત આ લડતમાં સામેલ થઈ અને સરકારને સ્ત્રીશક્તિનો પરચો બતાવ્યો. આ લડતે આખા દેશને સત્ય, સ્વાર્પણ, નિર્ભયતા, એકતા અને ર્દઢતાનો સર્વોત્તમ દાખલો પૂરો પાડ્યો.

કિરીટકુમાર જે. પટેલ