ખિલાફત આંદોલન : ખલીફાનું સ્થાન અને ઇસ્લામનાં પવિત્ર સ્થળો સાચવવા ભારતના મુસ્લિમોએ કરેલું આંદોલન. તુર્કીના રાજવીઓ મુસ્લિમ જગતમાં ખલીફા તરીકે ઓળખાતા. 1914ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મની પક્ષે જોડાયેલું હતું અને જર્મની સાથે તુર્કી પણ ઇંગ્લૅન્ડ અને મિત્રરાષ્ટ્રો સામે હાર્યું. 1919માં યોજાયેલી પૅરિસ શાંતિ પરિષદે ગ્રીક લોકોને સ્મર્નામાં દાખલ થવાની પરવાનગી આપી. ગ્રીક પ્રજાએ સ્મર્નામાં પ્રવેશી પ્રજા પર સિતમો ગુજાર્યા. આમ, અંગ્રેજોએ તુર્કી પ્રજા સામે દુશ્મનાવટ ઊભી કરી. ઇસ્લામનાં પવિત્ર સ્થાનો પરની તુર્કીના સુલતાનની સત્તા દૂર થઈ. યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ મક્કા, મદીના અને જેરૂસલેમ જેવાં મુસલમાનોનાં પાક સ્થાનો પર ખલીફાની સત્તા કાયમ રાખવાના હિંદના મુસલમાનોને આપેલાં વચનોનો ભંગ કર્યો. આવા સંજોગોમાં ખલીફાનું સ્થાન નબળું પડે તો સામ્રાજ્યવાદી સત્તા હેઠળના દેશોમાં મુસ્લિમોના સ્થાન પર અવળી અસર પડે તેમ હતું અને એમાંથી જ ખિલાફત આંદોલનનો જન્મ થયો.

ભારતના મુસ્લિમોએ ઇંગ્લૅન્ડને તેની તુર્કી અંગેની નીતિ બદલવા માટે મક્કમ નિર્ધાર સાથે ખિલાફત આંદોલન ઉપાડ્યું. આ સમયે ગાંધીજી પંજાબની સમસ્યાઓમાં ગૂંથાયેલા હતા. તેમણે ખિલાફતના પ્રશ્નસંદર્ભે હિંદના મુસ્લિમોને રાજકીય અને નૈતિક ટેકો આપ્યો. ખિલાફત આંદોલન માટે અહિંસાની ભૂમિકા પર લડવાની રીત તેમણે મુસ્લિમ અગ્રેસરોને સમજાવી. એ રીતે ગાંધીજી ખિલાફતના સંરક્ષણ વિશે મુસલમાનોના માર્ગદર્શક અને મિત્ર બન્યા. 18મી સપ્ટેમ્બર, 1919ના રોજ મુંબઈ મુકામે, ખિલાફતની પ્રથમ સભા બોલાવવામાં આવી. ખિલાફત આંદોલન ચલાવવા લખનૌ મુકામે ઑક્ટોબરના બીજા અઠવાડિયામાં ખિલાફત સભા મળી. 16મી ઑક્ટોબરનો દિવસ ‘ખિલાફત દિન’ તરીકે સમગ્ર દેશમાં ઊજવાયો. તે દિવસે પ્રાર્થના ઉપવાસ અને સભાઓનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીએ પત્રિકા બહાર પાડી અને તેમાં જણાવ્યું કે, ‘આજનો દિવસ હિન્દુ-મુસ્લિમ એકતા માટે પવિત્ર ચિહનરૂપ ગણાશે.’ નવેમ્બર, 1919માં ગાંધીજીને ખિલાફત પરિષદના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. 20મી ફેબ્રુઆરી, 1920ના રોજ લૉઇડ જ્યૉર્જ ને ડૉ. અનસારીની આગેવાની નીચે મુસલમાનોનું ખિલાફત મંડળ મળ્યું; પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહિ. એ જ રીતે 1920ના માર્ચમાં ખિલાફત નેતા મહમદઅલીની આગેવાની નીચે એક પ્રતિનિધિમંડળ ઇંગ્લૅન્ડ ગયું; પરંતુ ત્યાં પણ નિરાશા મળી. 1920ના એપ્રિલ માસમાં સુલેહની શરતો પણ બહાર પડી ચૂકી હતી. આથી ખિલાફતના પ્રશ્ર્ને કરેલા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા.

ખિલાફતનો પ્રશ્ન હવે ખિલાફતનું આંદોલન બન્યો. 12મી મે, 1920ના રોજ મુંબઈ મુકામે અખિલ ભારતીય ખિલાફત સમિતિની તાકીદની સભા મળી. મદનમોહન માલવિયા અને ગાંધીજી સહિત 30 સભ્યો હાજર રહ્યા. ખિલાફત અંગે સરકાર સામે અસહકાર કરવો, ખિલાફત સ્વયંસેવક દળ ઊભું કરવું, ખિલાફત આંદોલનનો પ્રચાર કરવો અને ફંડ ઉઘરાવવું એમ સભામાં ઠરાવવામાં આવ્યું. મૌલાના આઝાદ, હકીમ અજમલખાન, હઝરત મોહાની અને અલીભાઈઓના નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં ખિલાફત આંદોલન શરૂ થયું. ગાંધીજીની ર્દષ્ટિએ ખિલાફત ચળવળ ‘‘હિન્દુ મુસલમાનોમાં એકતા લાવવાની સો વર્ષોમાંય ન સાંપડે એવી તક’ હતી. કૉંગ્રેસના કૉલકાતા, નાગપુર અને અમદાવાદ અધિવેશનમાં પણ ખિલાફત આંદોલનને ટેકો આપવામાં આવ્યો. કરાંચી ખાતે ખિલાફત-નેતા અલીભાઈઓએ સરકાર વિરુદ્ધ આપેલા ભાષણને પરિણામે સરકારમાં ખળભળાટ મચ્યો. સરકારે અલીભાઈઓ, ડૉ. કિચલુ અને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યની ધરપકડ કરી. ખિલાફત આંદોલનની સફળતા માટે કૉંગ્રેસનો સહકાર જરૂરી હતો. પણ તેમાં ઝંપલાવી દેવા માટે કૉંગ્રેસને સમજાવતાં ગાંધીજીને મુશ્કેલી પડી. ખિલાફત આંદોલનને ગાંધીજીએ આપેલા ટેકા વિશે ગુજરાત સહિત સમગ્ર દેશમાં તેમને માટે ટીકાઓ થયેલી; પરંતુ ગાંધીજીએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે તેમ, તેમને આ ટીકાઓને કારણે કોઈ જ પશ્ચાત્તાપ થયો ન હતો.

ખિલાફત આંદોલન એ અસહકારની ચળવળનો એક ભાગ બની ગયો. આ પ્રજાકીય આંદોલનનો પ્રધાન ઉદ્દેશ હિંદની બે મહાન કોમ હિન્દુ-મુસ્લિમ વચ્ચે અંતરની એકતા સ્થાપવાનો હતો; પરંતુ આ એકતા ક્ષણભંગુર નીવડી. તુર્કીના શાસક મુસ્તફા કમાલ પાશાએ ખુદ ખલીફાની જગ્યા દૂર કરી અને ચળવળ ધીરે ધીરે આપોઆપ સ્થગિત થઈ ગઈ. ત્યાર બાદ એકમાત્ર ગુજરાતને બાદ કરતાં દેશમાં કોમી તોફાનો 1924માં શરૂ થઈ ગયાં. ખિલાફત આંદોલન પૂર્વે મુસ્લિમ પ્રજામાં મોટે ભાગે ઉપલા વર્ગના લોકો જ બહુ અલ્પ સંખ્યામાં જાહેરજીવન અને રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેતા; પરંતુ આ આંદોલનને પરિણામે મુસલમાન કોમના સામાન્ય લોકો પણ રાષ્ટ્રીય ઉત્થાનના કાર્યમાં ઉત્સાહથી ભાગ લેતા થયા તે તેની પ્રત્યક્ષ અસર હતી.

કિરીટકુમાર જે. પટેલ