ખિલાણી, લખમી (જ. 2 ઑક્ટોબર 1935, સક્કર, સિંધ, હાલ પાકિસ્તાન) : જાણીતા સિંધી વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ગુફા જે હુન પાર’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

શાળાકીય શિક્ષણ સક્કરમાં લીધું. આઝાદી પછી ભારતમાં કૉલકાતા ખાતે સ્થાયી થયા. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એસસી.(ઇજનેરી)ની પદવી મેળવી. પછી મકાનોનાં બાંધકામના કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. હાલ તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સિંધૉલૉજી, આદિપુર (ગુજરાત) ખાતે કાર્યરત છે.

1960ના દશકામાં તેમણે ટૂંકી વાર્તાઓનું લેખનકાર્ય શરૂ કર્યું અને તેમની વાર્તાઓ સંખ્યાબંધ સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થવા લાગી. તે સામયિકોમાં ‘કુંજ’ માસિક (મુંબઈ), ‘રાબેલ’ માસિક (દિલ્હી); ‘સાહિત્યધારા’ (દિલ્હી); અને ‘અખાણી’ (દિલ્હી) મુખ્ય છે. તેમની પ્રથમ નવલકથા ‘હે મુન્હિજી દિલ’ (ઓ મારું હૃદય !) 1968માં પ્રકાશિત થઈ. ‘સાઝિશ’ (1974) અને ‘અમૃત અમૃત’ (1976) એ તેમની બીજી નવલકથાઓ છે.

લખમી ખિલાણી

તેમણે 4 વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમાં ‘રાતા જા ડાઘ’ (લોહીના ડાઘા, 1972); ‘અધૂરી રચના’ (1978); ‘બંધ દરવાજા’ (1981) અને ‘નાંગુ’(નાગ)નો સમાવેશ થાય છે. આ રચનાઓ પૈકી ‘બંધ દરવાજા’ માટે પુણેનો ‘એઆરએમઈસી’ પુરસ્કાર મળ્યો છે અને ‘નાંગુ’નો હિંદી, અંગ્રેજી, બંગાળી, ગુજરાતી, ઉર્દૂ અને તેલુગુમાં અનુવાદ થયો છે.

તેમણે લખેલાં 2 નાટકોમાંથી ‘ગુડા ગુડિયાં’(ઢીંગલીઓ, 1984)ને રાજસ્થાન સિંધી અકાદમી પુરસ્કાર મળ્યો છે અને ‘વારિ-અ સન્ડો કોટ’(રેતીનો કિલ્લો, 1987)ને પુણેનો ‘એઆરએમઈસી’ પુરસ્કાર મળ્યો છે. આ ઉપરાંત તેમણે ‘માના જા મહલ ખંડહર’ (1984) નામનું સચિત્ર પ્રવાસવર્ણન પ્રગટ કર્યું છે. 3 અનૂદિત કૃતિઓ ઉપરાંત તેમણે સત્યજિત રાયનું જીવનવૃત્તાંત 2 ખંડમાં પ્રકાશિત કર્યું છે. સાહિત્ય અને કલાને સમર્પિત સામયિક ‘રચના’નું છેલ્લાં 18 વર્ષથી તેઓ સંપાદન સંભાળે છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ગુફા જે હુન પાર’માં સમકાલીન સામાજિક અને સાંસ્કૃતિક આચારોનું અત્યંત લાક્ષણિક વિવરણ કરવામાં આવ્યું છે. અસ્તિત્વ સાથે સંકળાયેલા પ્રશ્નોને હિંમતપૂર્વક પડકારવાની વૃત્તિ, જોશીલો આશાવાદ અને રચનાવિધાનને લગતી તેની સહજ ગતિ અને પોતને કારણે આ કૃતિ વખણાઈ છે.

બળદેવભાઈ કનીજિયા