ખિલનાણી, કોડોમલ ચંદનમલ (જ. 5 ઑક્ટોબર 1844, ભિર્યા, સિંધ, પાકિસ્તાન; અ. 16 ડિસેમ્બર 1916) : અર્વાચીન સિંધી લેખક. વિદ્યોપાર્જનમાં અધિક રુચિ અને તીક્ષ્ણ બુદ્ધિને કારણે તેઓ શાળામાં બીજા વિદ્યાર્થીઓથી જુદા તરી આવતા હતા. મૅટ્રિક પાસ થયા પછી તેમણે શિક્ષક તરીકે અને પછી અનુવાદક તરીકે કાર્ય કર્યું. સિંધી ભાષા અને સાહિત્યનાં પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં. તેઓ વિશેષ રૂપે નિબંધકાર તરીકે જાણીતા છે. તેમણે વિભિન્ન વિષયો પર 44 પુસ્તકો લખ્યાં છે. દિલ્હીની સાહિત્ય અકાદમીએ તેમની ખાસ રચનાઓનું સંકલન ‘સાહિત્યિક પુષ્પ’ નામે પ્રગટ કર્યું છે. વેદાંતી સંત કવિ સામીના શ્લોકોને પ્રકટ કરી તેમણે સિંધી જગતને આ મહાન કવિનો પરિચય કરાવ્યો. અર્વાચીન સિંધી સાહિત્યના વિકાસમાં તેમનું પાયાનું યોગદાન છે. સિંધી માટે અરબી લિપિ નિર્ધારિત થતાં અને ગદ્યસાહિત્યનો પ્રારંભ થતાં તેમણે સંસ્કૃતપ્રચુર તળપદી સિંધીમાં અસંખ્ય વાર્તાઓ અને નિબંધો લખ્યાં. સિંધીમાં બાળવાર્તાઓનો પ્રારંભ કરવાનો યશ તેમને છે. 1881માં તેમણે પ્રથમ બાળવાર્તાસંગ્રહ આપ્યો. સામાજિક દૂષણોને આલેખતી આદર્શપ્રધાન વાર્તાઓ લખી તથા વિદ્યાર્થીઓ માટે એકાંકી નાટકો પણ રચ્યાં. હર્ષના સંસ્કૃત નાટક ‘રત્નાવલી’નો તથા બંકિમચંદ્ર, કેશવચંદ્ર, દેવેન્દ્રનાથ વગેરે લેખકોનાં બંગાળી પુસ્તકોનો તેમણે સિંધીમાં અનુવાદ કર્યો. 1862માં ‘પકો પહુ’ નિબંધસંગ્રહમાં તથા ‘આર્યનારી ચરિત્ર’ (1900) દ્વારા નારીજાગૃતિ અને નારીશિક્ષણની ઝુંબેશ શરૂ કરી. પ્રારંભિક સિંધી ગદ્યની ભાષાશૈલી સુધારનાર અને તેને સ્થિર રૂપ આપનાર ગદ્ય-લેખકોમાં તેઓ મુખ્ય છે. તેમના પ્રયાસોથી કેટલીક શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓની સ્થાપના થઈ.

કૃષ્ણવદન જેટલી