ખાલસા : શીખોનો સંપ્રદાય. ખાલસા એટલે શુદ્ધ માર્ગ. આ સંપ્રદાયની સ્થાપના દશમા અને છેલ્લા ગુરુ ગોવિંદસિંહે 1699માં કરી હતી. ખાલસા દ્વારા તેમણે શીખોને સંગઠિત બની ધાર્મિક તેમજ નૈતિક શૌર્ય દાખવવા આજ્ઞા કરી અને સિંહના જેવું મર્દાનગીભર્યું જીવન ગુજારવાનો આદેશ આપ્યો. આ બાબતની સ્મૃતિ સતત તાજી રહે એ માટે પુરુષોના નામના અંતે સિંહ અને સ્ત્રીઓના નામના અંતે કૌર (સિંહણ) શબ્દ મૂકવા અનુરોધ કર્યો. ખાલસાપદ્ધતિમાં ગુરુ ગોવિંદસિંહે શીખોને જન્મથી મૃત્યુ પર્યંત પાંચ કક્કા ધારણ કરવાનો આદેશ આપ્યો. આ પાંચ કક્કા તે – (1) કેશ – લાંબા વાળ, (2) કંગી – નાની કાંસકી, (3) કિરપાણ – શક્તિનું પ્રતીક, (4) કચ્છ – સંયમ અને બ્રહ્મચર્યનું પ્રતીક અને (5) કડું. શીખોએ સર્વ દેશકાળમાં આ પાંચ કક્કા ધારણ કરી રાખેલ છે.
ખાલસાપદ્ધતિમાં દીક્ષા વખતે શીખને અમૃતપાન કરાવી નીચેનાં વ્રતો ધારણ કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે : (1) આજથી ગુરુને ઘેર તમારો નવો જન્મ થયો છે એમ માનજો; (2) ગુરુ અને શીખો એકરૂપ જ છે; (3) તમે બધા આજથી ગુરુસાહેબના પુત્રવત્ થયા છો માટે પરસ્પર સગા ભાઈની જેમ આચારવ્યવહાર રાખો અને પ્રેમપૂર્વક સાથે જ ખાનપાન કરો; (4) અંદરોઅંદર કલહ-કંકાસ કરવો નહિ, જેમ રામ-લક્ષ્મણ-ભરત-શત્રુઘ્ન તથા પાંચ પાંડવો પ્રીતિપૂર્વક રહેતા હતા તેવી જ રીતે રહો; (5) આજથી તમે સોઢીવંશી ક્ષત્રિય થયા છો એટલા માટે કીડી-મંકોડીની જેમ ઘરમાં ગોંધાઈ રહીને મરવાને બદલે સમરાંગણમાં યુદ્ધ કરીને વીરગતિએ મરવું એ જ તમારો પરમ ધર્મ છે; (6) સત્ય શ્રી અકાલપુરુષ, ગુરુગ્રંથસાહેબ અને ગુરુ ખાલસા એ ત્રણેની ઉપાસના કરવી અને તેમનો સાક્ષાત્કાર કરવો. આ સિવાય જગતમાં કોઈની પણ આગળ માથું નમાવવું નહિ; (7) પાંચ કક્કા જન્મથી મૃત્યુ પર્યંત ધારણ કરવા; (8) સર્વદા ર્દઢતાપૂર્વક સત્ય વાણી બોલવી, મિથ્યા ભાષણ કરવું નહિ; (9) કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરનો ત્યાગ કરવો; (10) મીણા, મસંદી, ધીરમલ્લી અને સમરાઈ એ ચાર જાતિના લોકો ગુરુવંશના વિરોધી હોવાથી તેમનાથી સાવધાન રહેશો; (11) આજથી તમે ખરા શૂરવીર ક્ષત્રિય બન્યા છો તેથી હુક્કો પીનાર, કન્યાઘાતક, પક્ષીઓનો શિકાર કરનાર અને સંન્યાસીઓની સોબત કદી પણ કરશો નહિ; (12) સ્ત્રીઓના સોહાગનો વેશ રક્તવર્ણનો છે, તો તમે શૂરવીર માણસો ખાલસા પંથમાં એનો પ્રચાર કરશો નહિ; (13) તમે આ સંસ્કાર પછી સિંહ થયા છો તેથી દરેકને તેના નામની પાછળ સિંહ લગાડીને સંબોધન કરજો; (14) સ્નાન સિવાય બીજા કોઈ પણ સમયે માથું ઉઘાડું રાખશો નહિ; (15) જુગાર ખેલશો નહિ; (16) શરીરના કોઈ પણ ભાગના કેશ મુંડાવવા નહિ તથા દાન, ધ્યાન વગેરે ક્રિયાનો ત્યાગ કરવો નહિ; (17) યવન સ્ત્રીની સાથે મૈથુન કરવું નહિ. જે કોઈ મ્લેચ્છોનું ઉચ્છિષ્ટ ભોજન કરે, ગાંજો, તમાકુ કે ચરસ પીએ, કેશ મૂંડાવી નાખે અને અભક્ષ્ય પદાર્થ ખાય એને ખાલસા પંથમાંથી બહિષ્કૃત કરવો; (18) ખાલસા પંથમાં કોઈ પુરુષ ઘોડે ચડવાની, તલવાર ચલાવવાની અને મલ્લયુદ્ધની વિદ્યાથી બાકાત ન રહે; (19) દુ:ખીઓનાં દુ:ખ દૂર કરવા તથા ધર્મ અને દેશના સંરક્ષણ માટે જ ખાલસા પંથના પ્રત્યેક મનુષ્યનો જન્મ થયો છે એમ સમજજો; (20) મિથ્યા આડંબર, છળકપટ વ્યભિચાર અને જૂઠી નિંદાસ્તુતિ કરવાથી કે કરાવવાથી શૂરવીર ખાલસા જાતિએ અવશ્ય દૂર રહેવું; (21) યથાસાધ્ય ભજન સાધન અને ગુરુવાણી દ્વારા અકાલપુરુષની ઉપાસના કરવી તથા ધર્મમાર્ગે દ્રવ્યોપાર્જન કરી સંત મહાત્મા અને અતિથિની યોગ્યતા પ્રમાણે સેવા કરવી એને તમારા બધાનો હંમેશનો ધર્મ માનો.
ખાલસા પંથનો સ્વીકાર કરનાર દરેક શિષ્યે ગુરુએ ઉપદેશેલાં ઉપરનાં વ્રતોનું પાલન કરવું પડે છે.
ચીનુભાઈ નાયક