ખારિજી (બહુવચન ખ્વારિજ = વિખૂટા પડનારા)

January, 2010

ખારિજી (બહુવચન ખ્વારિજ = વિખૂટા પડનારા) : ઇસ્લામના સૌથી જૂના સંપ્રદાયના અનુયાયી. તેમણે માત્ર શ્રદ્ધા અથવા કર્મ પર આધારિત રાજ્ય વિશે પ્રશ્નો પ્રસ્તુત કર્યા. ઇસ્લામના રાજકીય ઇતિહાસમાં તેમના સતત બળવાની માહિતી મળે છે; પરિણામે કેટલાક પ્રાંતો થોડા વખત માટે તેમના કબજા હેઠળ આવેલા તેથી હજરત અલીની ખિલાફતનાં છેલ્લાં બે વર્ષોમાં ઇસ્લામી સામ્રાજ્યના પૂર્વ વિભાગની શાંતિમાં ખલેલ પહોંચાડેલી અને હજરત અલીની વિરુદ્ધમાં અમીર મુઆવિયાને અનાયાસે વિજય અપાવેલો; એવી જ રીતે અબ્બાસી વંશને ઉમય્યા વંશ ઉપર જીત મેળવવામાં ખારિજીઓ સહાયક નીવડ્યા હતા.

અમીર મુઆવિયાએ હજરત અલીની સમક્ષ સિફ્ફીનની લડાઈમાં જે લવાદનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેના કારણે ખ્વારિજના એક નવા સંપ્રદાયની શરૂઆત થઈ. આ પ્રસ્તાવનો મુદ્દો એવો હતો કે યુદ્ધના કારણરૂપ બનતી ત્રીજા ખલીફા હજરત ઉસ્માનની શહાદતને લવાદના બે સદસ્યોને સુપરત કરવામાં આવે અને તે પવિત્ર કુરાન પ્રમાણે ફેંસલો કરે. હજરત અલીના સૈન્યની તમીમ કબીલાની ટુકડીએ આનો સખત વિરોધ કરતાં કહ્યું ‘‘અલ્લાહ સિવાય બીજો કોઈ લવાદ હોઈ શકે નહિ.’’ તે હજરત અલીના સૈન્યમાંથી જુદા પડી ગયા અને (જુફા શહેર નજીક) હરરા ગામ જઈ અબ્દુલ્લાહ બિન વહ્બ અરાસિબીને પોતાનો સરદાર બનાવીને રહ્યા. જુદા પડ્યા હોવાથી તેમજ કુફા શહેરની બહાર નીકળવાના કારણે તેમને ‘ખ્વારિજ’ કહેવામાં આવ્યા અને ધીરે ધીરે તેમની સંખ્યામાં વધારો થતો ગયો. અંતિમવાદી મનોદશાના કારણે તેમણે ટૂંક સમયમાં જ અત્યંત કઠોર જાહેર નિવેદનો અને ભયંકર કૃત્યો કર્યાં. પોતાનાં મંતવ્યોની અવગણના કરનારને કાફર ગણી એનું ખૂન કરવાના કાર્યને પુણ્ય ગણ્યું. તે પછી તેમણે અસંખ્ય લોકોનો વધ કર્યો. ધીરે ધીરે ખારિજી સૈન્યની શક્તિ અને સત્તામાં વધારો થતો ગયો. પરિસ્થિતિનો લાભ ઉઠાવી ઘણા બિનઆરબ લોકો તેમાં જોડાઈ ગયા. નાછૂટકે હજરત અલીએ ખારિજી છાવણી પર આક્રમણ કરી તેને સખત પરાજય આપ્યો. નેહરવાનની લડાઈ(17 જુલાઈ 658)માં ઘણા ખારિજીઓ માર્યા ગયા; પરંતુ હજરત અલીની વિરુદ્ધમાં ખારિજીઓ લડાઈઓ કરતા જ રહ્યા અને છેવટે એક ખારિજી અબ્દુરહમાન ઇબ્ન મુલ્જિમ અલમુરાદીની વિષયુક્ત કટારથી હજરત અલી શહીદ થયા. તે પછી અમીર મુઆવિયા પણ કુફા અને બસરાની ખારિજી ચળવળોનું નિકંદન કાઢી શક્યા નહિ. તે પછી ખારિજીઓએ થોડા સમય માટે કિશ્માન, ફાર્સ અને પૂર્વના બીજા પ્રાંતો પર કબજો મેળવી લીધો. ગવર્નર હજાજ બિન યુસુફ સકફીએ ઈ.સ. 700માં તેમનો ખાત્મો બોલાવ્યો; પરંતુ ઉમય્યા વંશના અંતમાં ખારિજીઓએ સલ્તનતના પૂર્વ વિભાગમાં મોટા પાયા પર ચળવળ શરૂ કરી હતી તેને પરિણામે અબ્બાસીઓને ઉમય્યા વંશનો અંત લાવવામાં સરળતા રહી.

બગદાદના અબ્બાસી ખલીફાઓના સમયમાં ખારિજી ચળવળનું અસ્તિત્વ માત્ર એક સંપ્રદાય તરીકે જ રહ્યું અને તેમની અંતિમવાદી અને લશ્કરી પ્રવૃત્તિઓનો અંત આવ્યો.

ખારિજીઓ શિયા લોકોના ખિલાફતમાં વારસાગત અધિકારના સખત વિરોધી; પરંતુ મુસ્લિમ સમાનતાની તરફેણ કરનારા હતા. ખારિજીઓ માનતા કે માત્ર શ્રદ્ધાને કારણે મોક્ષ કે સ્વર્ગ મળતું નથી, તેના માટે સત્કર્મો અને સદાચાર અનિવાર્ય છે. ખ્વારિજ આરબો અને વિદેશી મુસ્લિમો વચ્ચે સમાન અધિકારને પુષ્ટિ આપતા તેમજ શારીરિક સ્વચ્છતાની સાથે હૃદયની નિખાલસતા અને વિચારોની પવિત્રતા ઉપર વિશેષ ભાર મૂકતા.

મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ