ખારાવાલા, અમરદાસબાપુ (રામાયણી) (જ. ઈ. સ. 1923, કુંભણ, તા. પાલિતાણા, જિ. ભાવનગર) : રામાયણના પ્રખ્યાત કથાકાર. અમરદાસજીનો જન્મ સંસ્કારી અને ભાવિક કુટુંબમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કુંભણમાં. ઘૂંટી દામનગર પાસેના ખારા ગામે મોસાળમાં પરબની જગાની ગાદી મળતાં ત્યાં ગયા. પછી ‘ખારાવાલા’ તરીકે પ્રખ્યાત થયા. અભ્યાસ સાત ચોપડી. લોકજીવનની શાળામાં – લોકસંસ્કૃતિમાં પારંગત. બાળપણથી રામાયણ, મહાભારત, ભાગવત, ભગવદગીતા આદિ ગ્રંથો તરફ પ્રીતિ હોવાથી સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કર્યો. કવિશ્રી દુલાભાઈ કાગ તથા શ્રી મેરુભાઈ ગઢવીના સંસ્કાર અને સથવારે લોકસંસ્કૃતિના પ્રસારનો આરંભ કર્યો. અયોધ્યાની ‘રામાયણરત્ન’ની ડિગ્રી મેળવી. સંગીતની સાધના કરી ‘સંગીતવિશારદ’ થયા. તેમને ભજનોનો વારસો દાદા નારણદાસ અને પિતા પરસોત્તમદાસજી તરફથી મળ્યો હતો. તેઓ સારા ભજનિક થયા. મહંત શ્રી ત્રિકમદાસજી બાપુ અને લાઠીના ભગવાનદાસજી શર્માનાં પ્રેરણા અને માર્ગદર્શનથી શાસ્ત્રીય સંગીત દ્વારા તેમણે દુનિયાના ખૂણે ખૂણે રામકથાને પહોંચાડી છે.

અમરદાસબાપુ ખારાવાલા (રામાયણી)

1942ના સ્વાતંત્ર્યસંગ્રામથી તેમના જીવનમાં વળાંક આવ્યો. કૉંગ્રેસના સભ્ય બન્યા. તેમણે આજીવન ખાદી અપનાવી. તેમની કથામાં પણ નવાં પરિમાણ ઉમેરાયાં છે. 1951થી એકધારા કાર્યક્રમો આપ્યા છે. 1955થી સૌરાષ્ટ્ર પછાત વર્ગ બોર્ડ તરફથી અસ્પૃશ્યતાનિવારણના કાર્યક્રમો પણ આપ્યા છે. ગુજરાત રાજ્ય નશાબંધી અમલીકરણના સભ્ય છે. તેમનો રચનાત્મક સંસ્થાઓ સાથે ગાઢ સંબંધ છે. રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ અને વિનોબાજીએ રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલી તેમની કથા સાંભળી છે. શ્રોતાઓ ઉપરની તેમની ભારે પકડમાં, તેમની કથનશૈલીમાં નવા અને જૂના યુગોની સંગતિ જ કારણરૂપ છે. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ, કૉલકાતા વગેરે સ્થળોએ તેમણે કથાઓ કરી છે. શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ, શ્રી રાઘવજી લેઉઆ, શ્રી બાબુભાઈ શાહ વગેરેએ તેમની કથાઓનાં આયોજન કર્યાં છે. સર્વવિમિત્રાનંદજી, પૂ. મુનિજી, અયોધ્યાના રામચંદ્રદાસજી, પૂ. પ્રમુખસ્વામી, સંતરામ મંદિરના નારણદાસજી, આણદા બાપા આશ્રમ(જામનગર)ના મહંતશ્રી દેવીપ્રસાદજી વગેરેએ પણ તેમનો લાભ લીધો છે.

આકાશવાણીનાં ઘણાં કેન્દ્રો ઉપરથી તેમણે રામકથા, ભાગવતકથા, લોકગીતો, ભજનો વગેરેના કાર્યક્રમો આપ્યા છે. અમરસિંહ ચૌધરીએ ગુજરાત સરકાર તરફથી 1987-88નો ગૌરવ પુરસ્કાર તેમને આપ્યો છે. તેમના પુત્ર ડૉ. માધવદાસજી રામાયણી પણ ઊગતા કલાકાર છે. તેઓ આર્ટ્સ કૉલેજ, અમરેલીમાં સંસ્કૃતના પ્રાધ્યાપક છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા