ખારાઘોડા : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં મીઠાના ઉત્પાદન માટે જાણીતું મથક અને કચ્છના રણના કાંઠે આવેલું શહેર. ‘ખારાઘોડા’ નામનો અર્થ ‘ખારાપાટમાં આવેલાં ઘરોનું ઝૂમખું’ (ખાર=ક્ષાર, ઘોડા=ઘરોનું ઝૂમખું) થાય છે. આ શહેર 23°-11´ ઉ. અ. અને 71°-44´ પૂ. રે. ઉપર અમદાવાદ-વીરમગામ-ખારાઘોડા રેલમાર્ગ ઉપર છે. ઝુંડ-કંડલા બ્રૉડગેજ રેલ માર્ગ થતાં તે પાટડી દ્વારા કંડલા સાથે જોડાયેલું છે.
અહીં 10 મી. ઊંડા કૂવા ખોદી ઢીંકવા કે મશીન વડે તેમાંથી ખારું પાણી ખેંચી અગરોમાં ભરવામાં આવે છે. સૂર્યના તાપથી પાણી સુકાઈને પાસાદાર ‘વડાગરું’ (વડા + અગર) મીઠું તૈયાર થાય છે. હિન્દુસ્તાન સૉલ્ટ વર્ક્સ કંપનીના અગરો 23,000 એકરમાં પથરાયેલા છે. આ મીઠું રેલવે તથા ખટારા મારફત ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, પંજાબ, આસામ અને નેપાળ ખાતે નિકાસ થાય છે.
મીઠાની આડપેદાશ તરીકે ચિરોડી, મૅગ્નેશિયમ સલ્ફેટ, બ્રોમીન, પોટૅશિયમ ક્લોરાઇડ વગેરે રસાયણો મળે છે. તેનાં કારખાનાં અહીં છે. સહકારી ધોરણે પણ મંડળી રચીને મીઠું તૈયાર થાય છે. શહેરમાં બાલમંદિરો, પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલ અને સાર્વજનિક છાત્રાલય આવેલાં છે. આ વિસ્તારમા ઘુડખર, શાહૂડી, સાપ, ગરોળી જેવી પ્રાણીસૃષ્ટિ જોવા મળે છે. ચોમાસા પછી નાના તળાવોમાં સ્થાનિક અને યાયાવર પક્ષીઓ જોવા મળે છે. જેમાં સુરખાબનું પ્રમાણ અધિક હોય છે. આ વિસ્તારમાં સરકાર તરફથી ફરતી શાળાઓ (Bus) પણ કાર્યરત છે.
શિવપ્રસાદ રાજગોર