ખાનસાહેબ (ડૉ.) (જ. 1883, ઉતમાનઝાઈ, પેશાવર; અ. 9 મે 1958, લાહોર) : ભારતના વાયવ્ય સરહદ પ્રદેશના પઠાણ નેતા અને સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનના મોટા ભાઈ. તેમના પિતા ખાન બહેરામખાન ગામના મુખી અને મોટા જમીનદાર હતા. 1857ના વિપ્લવ વખતે મદદ કરવા બદલ બ્રિટિશ સરકારે તેમને જાગીરો બક્ષી હતી; પરંતુ પાછલી વયમાં બહેરામખાન બ્રિટિશ સરકારના વિરોધી બન્યા અને રૉલેટ બિલ વિરોધી આંદોલન માટે તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

(ડૉ.) ખાનસાહેબ

ખાનસાહેબે પેશાવરની મિશન સ્કૂલમાં શિક્ષણ લીધું હતું અને ત્યાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ત્યાર પછી તે મુંબઈની મેડિકલ કૉલેજમાં જોડાયા; પરંતુ થોડા સમય બાદ – 1909માં તેઓ તબીબી અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા અને એમ.આર.સી.પી.એસ.ની ડિગ્રી મેળવી. 1920માં ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા અને હિંદી તબીબી સેવામાં જોડાયા; પરંતુ વઝીરિસ્તાનના પઠાણોને કચડવા માટે બ્રિટિશ સરકારે લીધેલાં પગલાંના વિરોધમાં તેમણે સરકારી તબીબી સેવામાંથી રાજીનામું આપ્યું.

ખાનસાહેબ ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને બીજા રાષ્ટ્રીય નેતાઓના ગાઢ સંપર્કમાં આવ્યા. શુદ્ધ ચારિત્ર્ય, પ્રામાણિકતા અને નિષ્પક્ષપાતી વલણને લીધે સરહદ પ્રાંતમાં કૉંગ્રેસ પક્ષની સરકારના વડા તરીકે તેમણે સમાજના બધા વર્ગોનાં હૃદય જીત્યાં હતાં. તેમની પુત્રીએ બિનમુસ્લિમ સાથે લગ્ન કર્યાં. પ્રાંતના લોકોએ તેનો મોટા પ્રમાણમાં વિરોધ કર્યો; પરંતુ બિનસંપ્રદાયી અને ઉદારમતવાદી પિતા તરીકે ખાનસાહેબે તેને ટેકો આપ્યો હતો.

23 એપ્રિલ 1930ના દિવસે સરકારે પેશાવરની કિસ્સા ખ્વાની બઝારમાં લોકો પર કરેલા નિર્દય ગોળીબારના બનાવ પછી તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં વધારે સક્રિય થયા. તેમને ત્રણ વર્ષની સખત કેદની સજા થઈ. 1934માં તેમને જેલમાંથી મુક્ત કર્યા; પરંતુ સરહદી વિસ્તાર અને પંજાબમાં પણ પ્રવેશવાની તેમને મનાઈ કરવામાં આવી હતી. થોડો સમય તેઓ વર્ધામાં રહ્યા અને ત્યાં તેમણે તબીબી સેવાનું કાર્ય કર્યું. પોતાની ગેરહાજરીમાં પણ તે કૉંગ્રેસના ઉમેદવાર તરીકે સરહદ પ્રાંતમાંથી કેન્દ્રીય ધારાસભામાં ચૂંટાયા હતા. 1937માં તેઓ સરહદ પ્રાંતની ધારાસભામાં ચૂંટાયા અને પ્રાંતના પ્રથમ કૉંગ્રેસ પ્રધાનમંડળના વડા બન્યા.

1942ના ‘હિંદ છોડો’ આંદોલન વખતે તેમણે રાજીનામું આપ્યું. થોડા સમય પછી ફરીથી તેઓ પ્રાંતમાં કૉંગ્રેસ સરકારના વડા બન્યા. 1945ની સામાન્ય ચૂંટણીમાં સરહદ પ્રાંતમાં કૉંગ્રેસને બહુમતી મળતાં તેઓ વડા પ્રધાન તરીકે ચાલુ રહ્યા, પરંતુ ભાગલા પછી તરત જ આ પ્રધાનમંડળને ઝીણાએ બરખાસ્ત કર્યું.

રાષ્ટ્રવાદી મુસ્લિમ તરીકે હિંદના ભાગલાથી અબ્દુલ ગફારખાનની માફક ડૉ. ખાનસાહેબને નિરાશા અને ઊંડી વ્યથા થઈ. તેમની ર્દષ્ટિએ કૉંગ્રેસે રાષ્ટ્રવાદી પઠાણોને છેહ દીધો હતો. ભાગલાની યોજના હેઠળ વાયવ્ય સરહદ પ્રાંતમાં લોકાદેશની જોગવાઈ મુજબ ત્યાં લોકમત લેવામાં આવ્યો; પરંતુ કોમી ઝેરના વાતાવરણમાં ખાનબંધુઓએ તેનો બહિષ્કાર કર્યો. પાકિસ્તાનની રચના પછી ત્યાંની સરકારે બંને ભાઈઓને જેલમાં રાખ્યા. ખાનસાહેબ છ વર્ષ સુધી જેલમાં રહ્યા. જેલમાંથી છૂટ્યા બાદ 1954માં એક વર્ષ સુધી તેઓ સંદેશા-વાહનવ્યવહારના પ્રધાન તરીકે રહ્યા. 1955માં તેઓ પશ્ચિમ પાકિસ્તાનના મુખ્ય પ્રધાન બન્યા. તેમણે રિપબ્લિકન પક્ષની સ્થાપના કરી. 9 મે, 1958ને દિવસે લાહોરમાં તેમનું ખૂન થયું.

ર. લ. રાવળ