ખાનદેશ : ઉત્તર મહારાષ્ટ્રના ધૂળિયા (ધુળે) અને જળગાંવ જિલ્લાનો બનેલો પ્રદેશ. ખાનદેશમાં સમાવિષ્ટ થતા ધૂળે તથા જળગાંવનો વિસ્તાર તેમજ વસ્તી અનુક્રમે 8061 અને 11757 ચોકિમી. તથા 22 લાખ (2011) અને 40 લાખ (2011) જેટલી છે.

આ પ્રદેશ 21°-22° ઉ.અ. અને 75°-76° પૂ.રે. વચ્ચે આવેલો છે. ખાનદેશની પૂર્વ દિશાએ પ્રાચીન વિદર્ભ, ઉત્તર તરફ માળવા, દક્ષિણ તરફ મરાઠાવાડા (અશ્મક દેશ) અને પશ્ચિમે ગુજરાતના સૂરત અને નર્મદા જિલ્લા આવેલા છે. પૂર્વમાં બુરહાનપુરથી પશ્ચિમમાં નવાગામ સુધી તે વિસ્તરેલો છે. તેનું ક્ષેત્રફળ 24,915 ચોકિમી. અને તેની વસ્તી 67 લાખ છે (2011).

આ પ્રદેશ સમુદ્રથી દૂર હોવાથી આબોહવા ખંડીય છે. ઉનાળો અને શિયાળો આકરા છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન મુખ્ય પાક કપાસ, મગફળી, જુવાર, બાજરી તથા કઠોળ છે. આ પ્રદેશનાં મોટા ભાગનાં જંગલો કપાઈ ગયાં છે. કાપડની મિલો, તેલમિલો, જિન પ્રેસ વગેરે કારખાનાં છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. અહીં ભીલ, આહીર, લેઉઆ, કણબી વગેરે વસે છે. લોકોની ભાષા મરાઠી છે. પશ્ચિમ ખાનદેશના ગુજરાતની સરહદે આવેલા ભાગમાં ગુજરાતી બોલાય છે. શામળ ભટ આ પ્રદેશમાં કથા કરવા આવતા હતા એટલે તેને ગુજરાત સાથે જૂના વખતથી સાંસ્કૃતિક અને વેપારી સંબંધો છે.

આ પ્રદેશમાંથી સૂરતથી ભુસાવળ-નાગપુર જતી ‘ટાપ્ટી વૅલી રેલવે’ પસાર થાય છે. મુંબઈથી ધૂળિયા સુધી રાષ્ટ્રીય માર્ગ છે, જ્યારે સૂરતથી ખાનદેશને જોડતો રસ્તો સોનગઢ તાલુકામાંથી પસાર થાય છે. આ પ્રદેશમાં ધૂળિયા (વડાભોકર) અને જળગાંવ ખાતે હવાઈપટ્ટી છે. ખાનદેશમાં જવાના માર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે.

પારોલા કિલ્લો – ખાનદેશ

ઇતિહાસ : રામાયણ અને મહાભારતમાં તેનું પ્રાચીન નામ ઋચીક દેશ હતું. યાદવકાલીન શિલાલેખોમાં તેનું ‘સેઉલ’ નામ મળે છે. અકબરના વખતમાં તે દાનદેશ કહેવાતો. આ પ્રદેશના તત્કાલીન રાજકર્તા ‘ખાન’નું બિરુદ ધરાવતા હોવાથી તેને ‘ખાનદેશ’ નામ મળ્યું એવું એક મંતવ્ય છે. ટૂંકમાં, ‘ખાનદેશ’ નામ મુઘલકાળ દરમિયાન પ્રચલિત થયું હશે એમ મનાય છે.

આ પ્રદેશના ધૂળિયા જિલ્લાના શહાદે તાલુકાના પ્રકાશામાં ઉત્ખનન કરતાં ઈ. પૂ. 4500-4000ના તામ્ર યુગના અવશેષો મળ્યા છે. આ ભાગમાં આદ્ય ઐતિહાસિક યુગનો આદિમાનવ વસતો હશે.

આ પ્રદેશમાં જળગાંવથી 30 કિમી. દૂર આવેલ એરંડોલમાં પાંડવોનો વાડો હતો એમ અનુશ્રુતિ છે. પાંડવોના સમયની એકચક્રા નગરી આ સ્થળે હતી. આ શહેરમાં અનેક મંદિરો અને મસ્જિદો છે. એરંડોલથી 10 કિમી. દૂર કરકાંડેમાં અમદાવાદમાં છે તેવા હાલતા મિનારા છે. ચાલીસગાંવ તાલુકાના પિત્તળખોરે ગામમાં ઈ. પૂ. બીજી શતાબ્દી જેટલો જૂનો બૌદ્ધકાલીન ચૈત્ય અને વિહાર છે. પિત્તળખોરે નજીકના પાટણ નામના ઉજ્જડ સ્થળે પ્રસિદ્ધ ભાસ્કરાચાર્યની જ્યોતિષ વિદ્યાપીઠ હતી. ખાનદેશમાં ઘણે સ્થળે હેમાડપંતી મંદિરોના અવશેષો જોવા મળે છે.

ઈ. પૂ. બીજા શતકથી અહીં સાતવાહન વંશનું અને ત્યાર બાદ ઈ. સ.ના પહેલા શતકમાં શકો(ક્ષત્રપ)નું રાજ્ય હતું. શકો પાસેથી ફરીથી ગૌતમીપુત્ર શાતકર્ણીએ આ પ્રદેશ ઈ. સ.ની બીજી શતાબ્દી દરમિયાન જીતી લીધો હતો. ઈ. સ. 400 આસપાસથી અહીં આભીરોનું રાજ્ય હતું. તેમની બોલી આભીરાણી કે આહીરાણી ગુજરાતીની ઉપભાષા માનવામાં આવે છે. ત્યાર બાદ અહીં ચાલુક્ય, રાષ્ટ્રકૂટ અને યાદવવંશી રાજાઓનું શાસન હતું. ખલજી વંશના સુલતાન અલ્લાઉદ્દીને 1396 આસપાસ દેવગિરિના યાદવો પાસેથી આ પ્રદેશ જીતી લીધો હતો. ગુજરાતના સુલતાનોના સમયમાં ખાનજહાં ફારૂકીના પુત્રે તેનો વંશ અહીં સ્થાપ્યો હતો અને તેમણે ગુજરાતના સુલતાનોનું સ્વામિત્વ સ્વીકાર્યું હતું. ગુજરાતના સુલતાનોની સત્તા 1572માં અસ્ત થતાં આ પ્રદેશ મુઘલ શાસન નીચે આવ્યો હતો. શિવાજી, શંભાજી તથા ઔરંગઝેબે આ પ્રદેશ ઉપર ચડાઈ કરતાં ખૂબ ખાનાખરાબી થઈ હતી. 1760માં પેશ્વા બાલાજી બાજીરાવે અમીરગઢનો કિલ્લો જીતી લીધો હતો.

ર. ના. મહેતા

શિવપ્રસાદ રાજગોર