ખાન, આરિફ મહમ્મદખાન (જ. 18 નવેમ્બર 1951; બુલંદ શહેર) : શાહબાનુ કેસમાં મુસ્લિમ સ્ત્રીઓ માટેનું પ્રત્યાઘાતી તલ્લાક બિલ લોકસભામાં પસાર થતાં તેના વિરોધમાં રાજીનામું આપનાર ઉદારમતવાદી પ્રધાન અને મુસ્લિમ નેતા. પિતાનું નામ આશિક મહમ્મદખાન, માતા જનાબ બેગમ. વિદ્યાર્થી-અવસ્થામાં 1971-72 દરમિયાન અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થી-મંડળના તેઓ સેક્રેટરી તથા 1972-73 દરમિયાન તેના પ્રમુખ હતા. બી.એ. અને એલએલ.બી.ની ડિગ્રી મેળવી વકીલાત કરતા હતા. વારસામાં મળેલી જમીનની ખેતી પણ કરાવતા હતા.
1977-80 દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશની વિધાનસભાના સભ્ય હતા. 1977માં તેઓ જનતાપાર્ટી સાથે સંકળાયેલા હતા અને જકાત, દારૂ-નિષેધ અને વકફ ખાતાના નાયબ પ્રધાન હતા.
1984માં તેઓ ઊર્જા-મંત્રી હતા. 1985ના જાન્યુઆરીથી 1985ના સપ્ટેમ્બર દરમિયાન ઉદ્યોગ અને કંપની બાબતના રાજ્યકક્ષાના પ્રધાન હતા. આ અગાઉ તેઓ રાજ્યકક્ષાના ખેતીવાડી-ખાતાના મંત્રી અને માહિતી અને પ્રસારણ ખાતાના નાયબ મંત્રી હતા. જનતાપક્ષ સાથે મતભેદ પડતાં તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને શાહબાનુ કેસ બાદ આ પક્ષનો પણ ત્યાગ કર્યો.
શિવપ્રસાદ રાજગોર