ખાન, અલી મુહમ્મદ (જ. 1700, બુરહાનપુર; અ. 1762) : ગુજરાતના છેલ્લા દીવાન અને સુપ્રસિદ્ધ ઇતિહાસગ્રંથ ‘મિરાતે અહમદી’ના લેખક. મૂળ નામ મીરજા મુહમ્મદ હસન. ઈરાનથી દક્ષિણ ભારતમાં આવી વસેલા તેમના પિતા ઔરંગઝેબની ફોજમાં બુરહાનપુરમાં દીવાની અમલદાર હતા. 1708માં તેઓ ગુજરાતના ખબરપત્રી (વકાઈ-એ નિગાર) નિમાતાં, પિતાની સાથે તે 8 વર્ષની ઉંમરે ગુજરાત આવ્યા. તેમના પિતાની બાદશાહી સેવા ધ્યાનમાં લઈ 1000 મનસબ, 300 સવાર તથા અલી મુહમ્મદખાનનો ખિતાબ બક્ષવામાં આવ્યો હતો. પિતાના અવસાન પછી, પિતાનો અમીન તરીકેનો હોદ્દો તથા જાગીર અને અલીખાનનો ખિતાબ અલી મુહમ્મદને નામે કરી આપવામાં આવ્યાં.

ખંભાતથી મળી આવેલી ‘મિરાતે અહમદી’ની નકલ મુહમ્મદ મુકર્રમના હાથે 1762માં લખાયેલી છે અને તેના પર લેખકની મહોર છે એટલે ત્યાં સુધી તે હયાત હોવા જોઈએ. તે ખાનદાની વંશના હોવાથી તેમને તે સમયે પ્રચલિત ઊંચા પ્રકારની કેળવણી પ્રાપ્ત થઈ હતી. તેઓ અરબી તથા ફારસી સાહિત્યના ઊંડા અભ્યાસી હતા તથા ફારસી ભાષામાં કાવ્ય રચવાની આવડત અને શક્તિ ધરાવતા હતા. તેઓ ગણિતશાસ્ત્રમાં પણ પારંગત હતા.

ઔરંગઝેબના અવસાન પછી આખા સામ્રાજ્યમાં અરાજકતા વ્યાપી ગઈ હતી અને ગુજરાત પણ તેનાથી વંચિત રહ્યું ન હતું. 1747-48માં દિલ્હીના શહેનશાહ એહમદ બહાદુર બાદશાહે ગાઝીના અમલમાં અલી મુહંમદને દીવાન નીમવામાં આવ્યા ત્યારે તેમણે જોયું કે દીવાનની કચેરીમાં કોઈ કામ કરવાનું જ ન હતું. એટલે તેમણે વિચાર કર્યો કે સૂબાના કારભારને લગતી મુલકી વસૂલાત વગેરે માહિતી જુદાં જુદાં શહેર, પરગણાં, સરકાર (જિલ્લા) અને ગામડાંમાંથી મેળવવી તથા ગામડાંની જમીનનાં પત્રકો બનાવવાં, તેની ઊપજ, સરકારમાં ભરવાની થતી રકમ વગેરે બાબતોની નોંધ કરવી જોઈએ. આ કામમાં તેમને મીઠાલાલ કાયસ્થની પૂરતી મદદ મળી. પછી તેમણે આ સઘળી સામગ્રીના આધારે એક પુસ્તક તૈયાર કર્યું અને ‘મિરાતે અહમદીયે સૂબયે ગુજરાત’ એવું નામ આપ્યું. પાછળથી મિત્રોના સૂચનથી તવારીખ અને દીવાની એવા બે ભાગ પાડ્યા અને ઐતિહાસિક હકીકતને પ્રધાનતા આપી ગુજરાતમાં મુસલમાનોની સત્તા શરૂ થઈ ત્યારથી તેમના સમય સુધીની તવારીખનું પુસ્તક ‘મિરાતે અહમદી’ નામે તૈયાર કર્યું. મિરાત એટલે આરસી અને આખા શીર્ષકનો અર્થ થાય અહમદની આરસી. ‘મિરાતે અહમદી’માં ગુજરાત, કાઠિયાવાડ તથા કચ્છની કેટલીક તવારીખનો સમાવેશ કરાયો છે. આમાં વર્ણવેલી કેટલીક હકીકત લેખકની પોતાની નજર સમક્ષ બનેલી હોવાથી તેનું ઐતિહાસિક મૂલ્ય ઘણું ઊંચું છે.

લેખકની નસોમાં પરદેશી એટલે કે ઈરાની લોહી વહેતું હતું. ગુજરાતમાં એમના કુટુંબના વસવાટને માત્ર વીસ-પચીસ વર્ષ થયાં હતાં છતાં આખું કુટુંબ જાણે વર્ષોથી ગુજરાતનું વતની હોય એવી એમની લાગણી હતી. તેમણે ગુજરાત વિશે જે કાંઈ લખ્યું છે તે ત્રાહિત પરદેશી તરીકે નહિ; પરંતુ ગુજરાતમાં વસીને ગુજરાતના બની ગયેલા લેખક તરીકે લખ્યું છે. ટૂંકમાં, ‘મિરાતે અહમદી’ ગુજરાતનો સળંગ ઇતિહાસ છે. દીવાન તરીકેના અનુભવના આધારે દફતરસંગ્રહ જેવી પ્રમાણભૂત સામગ્રી પરથી લગભગ 14 વર્ષની મહેનતના અંતે તૈયાર કરાયેલો આ એક વિશિષ્ટ ઇતિહાસ-ગ્રંથ છે. (જુઓ : ‘મિરાતે અહમદી’.)

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ