ખાન, અબ્દુસ્ સમદ (જ. 1895, ગુલિસ્તાન, બલૂચિસ્તાન) : ‘બલૂચ ગાંધી’ તરીકે જાણીતા બનેલા બલૂચિસ્તાનના રાષ્ટ્રવાદી નેતા. પિતા ખાન નૂરમહંમદખાન અગ્રણી જમીનદાર તથા ગુલિસ્તાનના અચકઝાઈ કબીલાના મુખી હતા. તેમનું શિક્ષણ તેમના વતન મુક્તાબ ખાતે પરંપરાગત પદ્ધતિ મુજબ થયું હતું. ગુલિસ્તાન ખાતેની એક માધ્યમિક શાળામાં પણ તેઓ ભણ્યા. 1958-68ના ગાળામાં પાકિસ્તાનમાં કારાવાસ દરમિયાન તેમણે ડિસ્ટિંક્શન સાથે બી.એ. સુધીનો અભ્યાસ કરેલો. 1920થી તેમણે સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવાનું શરૂ કર્યું તથા બલૂચિસ્તાનના પછાત કબીલાઓની સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટે ‘અંજુમન-એ-વતન’ નામની સંસ્થા તથા ઠેરઠેર શાળાઓની સ્થાપના કરી. બલૂચિસ્તાનની પ્રજાને નાગરિક અને રાજકીય અધિકારો મળે તે માટે પણ તેમણે ઝુંબેશ ચલાવી તેને પરિણામે લોકોમાં રાજકીય જાગૃતિ ફેલાઈ. યુવાવસ્થાથી જ તેઓ મહાત્મા ગાંધીની વિચારસરણી અને તેમના વ્યક્તિત્વ તરફ આકર્ષાયા હતા. તેમણે તેમની સામાજિક સુધારણા ઝુંબેશનું રાષ્ટ્રીય લડત સાથે એકીકરણ કર્યું. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાઈને તેમણે ‘અંજુમન-એ-વતન’નું કૉંગ્રેસ સાથે જોડાણ કર્યું. 1929માં રાષ્ટ્રીય કૉંગ્રેસના લાહોર ખાતે યોજાયેલા અધિવેશનમાં તેમણે બલૂચિસ્તાનની પ્રજા પર સરકાર દ્વારા ગુજારવામાં આવતા અત્યાચારો અંગે બયાન કર્યું. 1930માં સરકારવિરોધી પ્રવૃત્તિઓ બદલ તેમના વિસ્તારના જિર્ગાએ તેમને બે વર્ષના કારાવાસની શિક્ષા કરી. 1933માં સિંધ-હૈદરાબાદ ખાતે ભરાયેલ બલૂચ કૉન્ફરન્સમાં તેમણે બલૂચિસ્તાનની કંગાળ પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો, તેમાં સુધારો કરવાની ઝુંબેશમાં અન્ય પ્રાંતોનો જાહેર સહકાર માગ્યો તથા બલૂચિસ્તાનના અલગ પ્રાંતની માગણી રજૂ કરી અને 1934માં કરાંચી ખાતેની પરિષદમાં બલૂચ પ્રજા માટે રાજકીય અધિકારોની માગણી કરી. પાછા ફર્યા બાદ તેમની ધરપકડ થઈ. તેમને ત્રણ વર્ષની સજા થઈ. 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લેવા માટે પણ તેમને પકડવામાં આવ્યા. 1945માં મુક્ત થયા બાદ તેમણે રાજકીય પ્રવૃત્તિ ફરી શરૂ કરી. તેમણે ભારતના ભાગલાનો સખત વિરોધ કર્યો. પાકિસ્તાનની સ્થાપના થતાં પઠાણ અને બલૂચ પ્રજા માટે તેમણે પાકિસ્તાનથી અલગ સ્વતંત્ર રાજ્યની માગણી કરી. 1947-54 દરમિયાન તેઓ પાકિસ્તાનના કારાવાસમાં રહ્યા. 1957માં તેમણે નૅશનલ અવામી પક્ષની સ્થાપના કરી. 1958માં ફરી તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને ચૌદ વર્ષની સજા ફરમાવવામાં આવી. 1968માં તેમને મુક્ત કરવામાં આવ્યા.

પોતાની સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓને વેગ મળે તે હેતુથી 1934માં તેમણે પુશ્તો ભાષામાં ‘ઇસ્તિકલાલ’ નામનું વૃત્તપત્ર શરૂ કર્યું હતું. 1947માં પાકિસ્તાન સરકારે આ વૃત્તપત્ર તથા તેમણે સ્થાપેલ ‘અંજુમન-એ-વતન’ સંસ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે