ખાન, અબ્દુલ ગફારખાન (જ. 3 જૂન 1890, ઉતમાનઝાઈ, જિ. પેશાવર; અ. 20 જાન્યુઆરી 1988, પેશાવર) : મહાત્મા ગાંધીના સંનિષ્ઠ અનુયાયી, ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી નેતા તથા સ્વાયત્ત પખ્તુનિસ્તાનના હિમાયતી. મોહમદઝાઈ પઠાણ કબીલાના અગ્રણી કુટુંબમાં જન્મ. પિતા ખાનસાહેબ બહેરામખાન ગામડાના મુખી હતા. માતા અને પિતા ઊંડી ધાર્મિક વૃત્તિવાળાં હતાં. 1857ના સ્વાધીનતાસંગ્રામ દરમિયાન વિદેશી શાસકોની તરફેણ કરવા બદલ બહેરામખાનને મોટી જાગીર બક્ષવામાં આવી હતી. પાછળથી તેમણે બ્રિટિશવિરોધી વલણ અખત્યાર કર્યું હતું. ગફારખાનનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેશાવરની શાળામાં પરંપરાગત પદ્ધતિ દ્વારા

અબ્દુલ ગફારખાન ખાન

થયું હતું. મૅટ્રિકની પરીક્ષામાં નપાસ થયા પછી લશ્કરની ‘ગાર્ડ્ઝ’ પાંખમાં નોકરીમાં જોડાયા. ત્યાં હિંદી અધિકારીઓ સાથે થતા અપમાનજનક વ્યવહારના વિરોધમાં તેમણે લશ્કરમાંથી રાજીનામું આપ્યું. ત્યારપછી ઉચ્ચ શિક્ષણ માટે તેમને અલીગઢ મોકલવામાં આવ્યા. ત્યાં તેમણે ઇસ્લામી ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. પઠાણોમાં જાગૃતિ લાવવા તથા તેમનામાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવાના હેતુથી 1910માં તેમણે પોતાના વિસ્તારમાં રાષ્ટ્રીય શાળાઓની સ્થાપના કરી. રૉલેટ ઍક્ટ સામેના ગાંધીજીના આંદોલનમાં સક્રિય રીતે જોડાયા અને સરહદ પ્રાંતમાં ચેતના જગાડી. 1920માં કૉંગ્રેસના નાગપુર અધિવેશનમાં હાજરી આપી તથા પોતાના વિસ્તારમાં ખિલાફત ચળવળની આગેવાની લીધી. 1921માં ઉતમાનઝાઈ ખાતે રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરવા બદલ કારાવાસ ભોગવ્યો. 1924માં સામાજિક સુધારણાનાં કાર્યોનું આયોજન અને સંચાલન કર્યું. પઠાણ કબાયલીઓમાં સત્ય, અહિંસા, અનુશાસન અને રાષ્ટ્રપ્રેમના ગુણો કેળવાય તે હેતુથી 1929માં ‘ખુદાઈ ખિદમતગાર’ નામના સંગઠનની સ્થાપના કરી. બ્રિટિશ સરકારે આ સંગઠન ગેરકાયદેસર જાહેર કર્યું. 1930માં અસહકારની ચળવળ દરમિયાન સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ ફરી કારાવાસ ભોગવ્યો. બ્રિટિશ શાસકોએ સરહદ પ્રાંતમાં કૉંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરી. 1931માં કરાંચી ખાતેના કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી. બીજા વિશ્વયુદ્ધ પ્રત્યે કૉંગ્રેસની ભૂમિકાના વિરોધમાં 1939માં કૉંગ્રેસનો ત્યાગ કર્યો, પરંતુ કૉંગ્રેસે પોતાની નીતિમાં ફેરફાર કર્યો ત્યારે 1940માં ગફારખાન ફરી કૉંગ્રેસમાં જોડાયા. 1947માં મહાસમિતિમાં દેશના ભાગલા પાડવા અંગે ઠરાવ રજૂ થયો ત્યારે આ રાષ્ટ્રવાદી નેતાએ તેનો જોરદાર વિરોધ કર્યો. કૉંગ્રેસે દેશના ભાગલાના ઠરાવ પર બહુમતી દ્વારા મહોર મારી ત્યારે ર્દઢ મનોબળ ધરાવતા ગફારખાન અત્યંત વ્યથિત થયા અને ગાંધીજીના આદેશથી ભારે હૈયે પોતાના લોકોની સેવા કરવાના હેતુથી સરહદ પ્રાંત પાછા ગયા. પાકિસ્તાનની સ્થાપના થતાં નવોદિત રાષ્ટ્ર પ્રત્યે વફાદારીના સોગંદ લીધા પરંતુ સાથોસાથ સ્વાયત્ત પખ્તુનિસ્તાનની માગણી કરી જે માટે પાકિસ્તાનના શાસકોએ તેમને કારાવાસમાં ધકેલ્યા. ખુદાઈ ખિદમતગાર સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 1947થી 64ના ગાળામાં પાકિસ્તાનની જેલમાં અનેક યાતનાઓ સહન કરી, તેથી તેમની તબિયત કથળતી રહી. 1964માં તબીબી સારવાર માટે ઇંગ્લૅન્ડ જવાની તેમને પરવાનગી આપવામાં આવી, જ્યાંથી તે અફઘાનિસ્તાન જતા રહ્યા. પ્રાંતીય સ્વાયત્તતાની લડતનું નેતૃત્વ ફરી સ્વીકારવા માટે 1972ના અંતમાં તે પેશાવર પાછા ફર્યા, પરંતુ સ્વાયત્ત પખ્તુનિસ્તાનનું તેમનું સ્વપ્ન સાકાર થઈ શક્યું નહિ.

1928માં તેમણે પશ્તો ભાષામાં ‘પખ્તૂન’ નામનું સામયિક શરૂ કર્યું. 1928-47ના ગાળામાં તે અવારનવાર પ્રકાશિત થતું રહ્યું. 1947માં તે સદંતર બંધ કરવામાં આવ્યું.

ઑક્ટોબર 1969માં ભારત સરકારના આમંત્રણથી ગાંધી શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે તેમણે ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. ‘બાદશાહખાન’ અને ‘સરહદના ગાંધી’ જેવા હુલામણા નામથી જાણીતા બનેલા આ પ્રખર રાષ્ટ્રવાદી નેતાને તેમના આ પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય સદભાવનાના પ્રસાર માટે દર વર્ષે એનાયત કરવામાં આવતો વિખ્યાત ‘નેહરુ એવૉર્ડ’ અર્પણ કરવામાં આવ્યો હતો. ભારતની આઝાદીની લડતમાં તેમણે બતાવેલ ધૈર્ય, ભોગવેલ યાતનાઓ અને કરેલા અપાર ત્યાગની કદર કરવા માટે ભારત સરકારે 1987માં ખાન અબ્દુલ ગફારખાનને ‘ભારતરત્ન’નો ખિતાબ એનાયત કર્યો હતો. સરહદ પ્રાંતના વિખ્યાત રાષ્ટ્રવાદી નેતા ડૉ. ખાનસાહેબ (1883-1958) તેમના મોટાભાઈ હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે