ખાનેખાનાન બહેરામખાન (અ. 1560, પાટણ, ગુજરાત) : હુમાયૂંના દરબારનો એક મહત્વનો કવિ અને હુમાયૂંનો વફાદાર સેનાની. બદખ્શાંમાં કરાકૂમલૂ કબીલામાં તે જન્મેલ. તેમની માતા જમાલખાન મેવાતીનાં પુત્રી હતાં. તેમણે બલ્ખમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સોળ વર્ષની નાની વયે તે હુમાયૂંની સાથે જોડાયા અને તેના એક અતિ વફાદાર મિત્ર બની ગયા.

કનોજમાં શેરખાન સામેની લડાઈમાં તે હુમાયૂંની પડખે બહાદુરીપૂર્વક લડ્યા હતા, પરંતુ દુર્ભાગ્યે હુમાયૂંનો પરાજય થતાં તે તેનાથી વિખૂટા પડી ગયા. હુમાયૂંની મદદ માટે તેઓ સંભલના રાજા મિત્રસેનને મળ્યા. શેરશાહને આ વાતની જાણ થઈ ત્યારે તેણે બહેરામખાનને પોતાની પાસે બોલાવીને તેનો આદર કર્યો અને પોતાની સાથે રહેવા વિનવણી કરી; પરંતુ તેઓ હુમાયૂંને જ વફાદાર રહેવા માગતા હતા. આથી તેમણે શેરશાહની વિનંતીનો અસ્વીકાર કર્યો. સુલતાન મહેમૂદ ગુજરાતીએ પણ તેમને પોતાના સાથી બનાવવા પ્રયત્ન કર્યો હતો. બહેરામખાને તેનો પણ અસ્વીકાર કર્યો હતો, કારણ કે તેઓ સંપૂર્ણપણે હુમાયૂંને જ વફાદાર રહેવા માગતા હતા. તેઓ સિંધ જઈને હુમાયૂંની સાથે થઈ ગયા. જ્યારે હુમાયૂં હિન્દુસ્તાન છોડીને ઈરાન જઈ વસ્યો ત્યાં પણ તેમણે હુમાયૂંને સાથ આપ્યો. ઈરાનના શાહે તેની કદર કરી તેમને ‘ખાન’ના ઇલકાબથી નવાજ્યા.

હુમાયૂં ફરીથી હિન્દુસ્તાનનો સત્તાધીશ બન્યો ત્યારે તેણે મીરજા કામરાનને પોતાનું આધિપત્ય સ્વીકારવા બે ફરમાનો બહેરામખાન દ્વારા મોકલ્યાં હતાં. બહેરામખાને એવી યુક્તિ કરી કે મીરજા કામરાનને ઊભા થઈને તે સ્વીકારવાં પડ્યાં. બહેરામખાને મીરજા કામરાનને પ્રથમ કુરાને શરીફનો હદિયો પેશ કર્યો જે સ્વીકારવા માટે મીરજા કામરાન ઊભો થયો તે જ વખતે આ બંને ફરમાનો પણ તેના હાથમાં મૂકી દીધાં.

કંદહાર જીતીને વફાદારીના બદલામાં હુમાયૂંએ તે બહેરામખાનને અર્પણ કરી દીધું. અફઘાનોને તાબે કરાવવામાં પણ બહેરામખાને મહત્વનો ભાગ ભજવ્યો હતો. આથી ખુશ થઈને હુમાયૂંએ તેમને સરહિંદનો પ્રદેશ જાગીરમાં આપી દીધો અને ‘યારે વફાદાર’, ‘બિરાદરે નેકૂસિયર’ અને ‘ફરજંદે સઆદતમંદ’ના ખિતાબથી તેમને નવાજ્યા.

1555માં તેઓ શાહજાદા અકબરના અતાલીક મુકરર થયા. 1556માં અકબર કલાનૂરમાં તખ્તનશીન થયો ત્યારે તેણે બહેરામખાનને ‘વકીલે સલ્તનત’ બનાવીને તેમને ‘ખાનેખાનાન’ના ખિતાબથી નવાજ્યા અને ખુદ અકબર તેમને આદરપૂર્વક ‘ખાનબાબા’ કહીને સંબોધતો.

હુમાયૂંની ભાણેજ સલીમા સુલતાન બેગમ સાથે બહેરામખાનનાં લગ્ન થયાં હતાં. તેમની સૂઝબૂઝ અને બુદ્ધિચાતુર્યને લઈને અકબર તેમનાથી ઘણો પ્રભાવિત હતો, પરંતુ ઈર્ષ્યાળુઓની કાનભંભેરણીથી અકબર સાથે તેમના સંબંધો બગડ્યા અને ગુસ્સામાં તેમણે અકબરે અર્પણ કરેલી વસ્તુઓ (તમનતુગ, નક્કારા અને ઇમારત) તેને પરત કરી દીધી અને પવિત્ર સ્થળોની ઝિયારતની ઇચ્છા કરી; પરંતુ તેમના પર બગાવતનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. તેથી શાહી ફોજો સાથે જલંધરમાં લડાઈ થઈ જેમાં તે કેદ પકડાયા. તલ્વારાના કિલ્લામાં તેમને કેદ કરવામાં આવ્યા. તેમને અકબર સમક્ષ પેશ કરવામાં આવ્યા ત્યારે તે રડી પડ્યા અને અકબરની માફી માગી. અકબરે તેમને છાતીસરસા ચાંપ્યા અને તેમને માફી બક્ષી પવિત્ર સ્થળોની ઝિયારતની તેમની માગણી માન્ય રાખી. પવિત્ર સ્થાનોની ઝિયારતના ઇરાદે તેઓ નીકળ્યા અને પાટણ (ગુજરાત) પહોંચ્યા ત્યાં એક પઠાણ મુબારકખાન લોદીએ 1560માં તેમનો વધ કર્યો. પ્રથમ તેમને પાટણમાં સરસ્વતી નદીના કિનારે દફનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ અકબરની આજ્ઞાથી તેમનું શબ દિલ્હી લાવવામાં આવ્યું અને તેમને પવિત્ર મશ્હદ(ઈરાન)માં ફરીથી દફનાવવામાં આવ્યા. આજે પણ સરસ્વતી નદીને કિનારે તેમની પ્રથમ દફનગાહની સાક્ષી પૂરતો મકબરો મોજૂદ છે.

એક બહાદુર લડવૈયા ઉપરાંત બહેરામખાનમાં વિદ્વત્તા અને પરહેજગારીના ગુણો હતા. તેઓ ઉચ્ચ અભિલાષી અને અદ્વિતીય કોઠાસૂઝ ધરાવનારા હતા. તેઓ પોતે સારા કવિ હતા અને કવિઓને ઉત્તેજન અને પ્રોત્સાહન આપતા હતા. તેમના ઉદાર પ્રોત્સાહનથી પ્રેરાઈને દૂર દૂરથી કવિઓ આવીને તેમના દરબારમાં જોડાતા હતા. કવિ હાશ્મી કંદહારી અને રામદાસ લખનવીને તેમના કાવ્યની કદર રૂપે તેમણે પ્રત્યેકને એક એક લાખનાં ઇનામો આપ્યાના ઐતિહાસિક પુરાવા છે.

બહેરામખાન પોતે ફારસી અને તુર્કી ભાષામાં કાવ્યો રચતા હતા. તેમના પોતાના કાવ્યસંગ્રહમાં ફારસી અને તુર્કી ગઝલો, કસીદા, રુબાઈ વગેરે જોવા મળે છે. કાવ્યકળામાં તેમને ઘણો રસ હતો. તેમણે કસીદા કાવ્યોનો એક સંગ્રહ પણ તૈયાર કર્યો હતો જે ‘દખ્લિયહ’ નામથી પ્રસિદ્ધ છે. બાદશાહ હુમાયૂં પણ તેમની સાથે કાવ્યમાં પત્રવ્યવહાર કરતો હતો.

નસીરમિયાં મહેમૂદમિયાં કાઝી