ખાનેખાનાન (જ. 17 ડિસેમ્બર ઈ. સ. 1556, દિલ્હી; અ. 1 ઑક્ટોબર ઈ. સ. 1627, આગ્રા) : મુઘલ સમ્રાટ અકબરના સામ્રાજ્યના પ્રથમ વકીલ (વડા પ્રધાન) બહેરામખાનનો પુત્ર અને તુર્કમાન લોકોની બહારલૂ શાખાનો વંશજ. સમ્રાટ હુમાયૂંએ તેનું નામ અબ્દુર્રહીમ રાખ્યું હતું. પિતાના અવસાન સમયે ચાર વર્ષનો હોવાથી અકબરની છત્રછાયા હેઠળ તે મોટો થયો.

ખાનેખાનાન

ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી અકબરે તેને મીરજાખાનનો ઇલકાબ આપ્યો. ઈ. સ. 1572માં તે અકબર સાથે ગુજરાત આવ્યો. ઈ. સ. 1573માં બંડખોર મીરજાઓ સામેના સરનાલના યુદ્ધમાં તે સેનાપતિ તરીકે હતો. ઈ. સ. 1576માં તેને ગુજરાતના સૂબાની પદવી મળી. ઈ. સ. 1582માં સમ્રાટ અકબરના પુત્ર સલીમનો અતાલીક (શસ્ત્રવિદ્યાગુરુ) નિમાયો. ઈ. સ. 1583માં મુઝફ્ફરશાહ ગુજરાતીના બળવાને ડામવા સરસેનાપતિ તરીકે ગુજરાત ગયો. મુઝફ્ફરશાહ ત્રીજા પર વિજય પ્રાપ્ત કરવા બદલ તેને ‘ખાનેખાનાન’(અમીરોનો અમીર)નો ઇલકાબ અને પાંચ હજારીનો ઉચ્ચતમ હોદ્દો પ્રાપ્ત થયા. ઈ. સ. 1589માં શહેનશાહ અકબરનો વકીલ નીમવામાં આવ્યો, તે સાથે તેને જોનપુરની જાગીર પણ મળી. તે જ વર્ષે ખાનેખાનાને ‘તુઝુકે બાબરી’(બાબરનામા)નું તુર્કીમાંથી ફારસીમાં ‘વાકેઆતે બાબરી’ના નામથી ભાષાંતર કર્યું. ઈ. સ. 1590-91માં તે મુઘલ સેનાનો સરસેનાપતિ નિમાયો, સિંધ પર વિજય પ્રાપ્ત કર્યો, પછી દખ્ખણ પર વિજય માટે મોકલવામાં આવ્યો. સમ્રાટ જહાંગીરના સમયમાં ખાનેખાનાન દખ્ખણમાં જ રહ્યો.

ઈ. સ. 1622માં શાહજાદા શાહજહાંએ કંદહાર જીતવા જવા માટે ના પાડી બંડ કર્યું. ખાનેખાનાને તેને સાથ આપ્યો તેથી તેને ઘણું સહન કરવું પડ્યું, પરંતુ જહાંગીરે માફી આપી. ઈ. સ. 1627માં 71 વર્ષની ઉંમરે તે દિલ્હીમાં અવસાન પામ્યો. તેનો ભવ્ય મકબરો નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પાસે દિલ્હીમાં છે.

મુઘલ સમ્રાટ અકબરનાં નવ રત્નોમાંનું એક રત્ન તે અબ્દુર્રહીમ ખાનેખાનાન એક પ્રખર વિદ્વાન, કવિ અને સાહિત્યનો આશ્રયદાતા હતો. અરબી, ફારસી, તુર્કી, હિન્દી અને સિંધી ભાષાઓનો જાણકાર, તેમજ અનેક ભાષાઓમાં કાવ્યરચનામાં નિપુણ હતો. તે હિંદી કાવ્યરચનાઓ, દોહા અને ભક્તિભાવના માટે ખૂબ પ્રખ્યાત છે. તેનું કવિનામ ‘રહીમન’ છે. આમ તો તે ‘રહીમ’ તખલ્લુસનો ઉપયોગ કરતો. અબ્દુલ બાકી નિહાંવદીએ લખેલા તેના જીવનચરિત્ર ‘મઆસિરે રહીમી’માં તેના આશ્રય હેઠળના ઘણા કવિઓ, સાહિત્યકારો અને વિદ્વાનો વિશે માહિતી મળે છે. સાહિત્યકારો પ્રત્યે તેની ઉદારતા અને દાનવીરતા અજોડ ગણાય છે. તેનું નામ હિંદમાં જ નહિ પણ ઈરાન અને તુર્કસ્તાનમાં પણ પ્રસિદ્ધ થયું હતું. મહાન આશ્રયદાતા તરીકે તેની સરખામણી 15મી સદીના હેરાતના અંતિમ તિમૂરી સમ્રાટ હુસેન મીરજાના વજીર મીર અલીશેરનવાજ સાથે થઈ શકે.

‘રામચરિતમાનસ’ના સર્જક ગોસ્વામી તુલસીદાસજીને પણ તેણે આશ્રય આપેલો. તેના રાજદરબારમાં ઊર્ફી શીરાઝી, નઝીરી નૈશાપુરી, મુલ્લા શકેબી વગેરે એકસો સાત કવિઓ હતા.

ખાનેખાનાનના આશ્રય હેઠળ ભારતમાં ફારસી અને હિંદી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન મળ્યું. તેણે અમદાવાદમાં ‘દારૂલ હિકમત’(વિદ્યા-જ્ઞાનકેન્દ્ર)ની સ્થાપના કરી હતી. ઈ. સ. 1584માં ‘ફતેહબાગ’(ફતેહવાડી, સરખેજ)માં સ્થાપિત પુસ્તકાલયમાં ઘણા વિષયનાં અજોડ પુસ્તકો હતાં. ત્યાં કેટલીક હસ્તપ્રતો પણ હતી. ખાનેખાનાનના સાહિત્યવર્તુળમાં ગણાતા તમામ કવિઓ, સાહિત્યકારો, વિદ્વાનો ત્યાં સાહિત્યગોષ્ઠીમાં ભાગ લેતા, કાવ્યવાચન કરતા અર્થાત્ મુશાયરાની પ્રારંભિક પ્રવૃત્તિઓની શરૂઆત અહીંથી જ થઈ હતી.

તે ઇન્ડો-ઈરાની સંસ્કૃતિમાં જન્મેલ અને હિન્દુ-મુસ્લિમ બંને કોમોના સંયુક્ત સંસ્કારોનો સાચો પ્રતિનિધિ હતો.

વિદ્યા-જ્ઞાન, સાહિત્ય અને સૂફીમતમાં તેને ખૂબ રસ હતો. તેણે ઘણી ઇમારતો, બગીચાઓ, ધર્મશાળાઓ અને તળાવો બંધાવેલાં. કાવ્યરચના અને પત્રવ્યવહાર તેના પ્રિય વિષયો હતા.

મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ