ખાનગી ક્ષેત્ર : મુક્ત બજારતંત્રના નિયમોને અધીન આર્થિક પ્રવૃત્તિઓનું સ્વયંસંચાલિત ક્ષેત્ર. બીજી રીતે કહીએ તો જાહેર ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રના સીધા અંકુશ હેઠળ ન હોય તેવી ઔદ્યોગિક, આર્થિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓનો ખાનગી ક્ષેત્રમાં સમાવેશ થાય છે. સરકારી હસ્તક્ષેપથી મુક્ત સ્વૈરવિહાર (laissez-faire) વિચારસરણી ઉપર ખાનગી ક્ષેત્રની રચના થયેલી છે, જે આર્થિક વ્યક્તિવાદ(economic individualism)ની તરફેણ કરે છે. બ્રિટિશ, ફ્રેન્ચ અને અમેરિકન ક્રાંતિઓએ વિશ્વને માત્ર રાજકીય લોકશાહી જ નહિ, પરંતુ આર્થિક સ્વાતંત્ર્યનો ઢાંચો પણ બક્ષ્યો છે. રાજકીય લોકશાહી અને આધુનિક ખાનગી આર્થિક સાહસ આ બંને એક જ ઐતિહાસિક પ્રક્રિયા કે ઘટનાની ઊપજ છે. સ્વૈરવિહારની વિચારસરણીમાં બે તાત્વિક ઘટકો સ્વીકારવામાં આવ્યા છે : એક, આર્થિક સ્વાતંત્ર્ય અને બીજું, વ્યક્તિગત હિત. આર્થિક વ્યવહારમાં આ બંને બે રીતે પ્રગટ થાય છે : (1) પોતાનું હિત સાધવા માટે દરેકને મળતી મોકળાશ, એટલે પોતાની ઇચ્છા મુજબ વ્યવસાય કરવાનું સ્વાતંત્ર્ય અને (2) મહત્તમ તુષ્ટિગુણ મેળવવા માટે આવક ખર્ચવાનું સ્વાતંત્ર્ય. સ્વૈરવિહારની વિચારસરણી એમ પણ માને છે કે પોતાનું હિત સાધવાની મોકળાશ અને વ્યક્તિગત પહેલ કરવાનું સ્વાતંત્ર્ય જ્યાં હોય ત્યાં જ સામાજિક કલ્યાણ આપોઆપ સાધી શકાય છે. આ વિચારસરણી મુજબ સામાજિક કલ્યાણ એ વ્યક્તિગત કલ્યાણનો માત્ર ગાણિતિક સરવાળો છે. જેમ રાજકીય મતભેદોનો સમન્વય મતપેટીની પદ્ધતિ દ્વારા હાંસલ કરી શકાય છે, તેમ આર્થિક મતભેદોનો સમન્વય મુક્ત બજારતંત્રની પદ્ધતિ દ્વારા હાંસલ કરી શકાય છે અને તેમાં ખાનગી ક્ષેત્ર મહત્વનો ભાગ ભજવે છે.

સ્વૈરવિહારની વિચારસરણી આર્થિક વ્યવહારોમાં રાજ્યની ભૂમિકાને સંપૂર્ણ નિષિદ્ધ માનતી નથી; પરંતુ તેને શક્ય તેટલી લઘુતમ કરવાની તરફેણ કરે છે. સર્વસામાન્ય ધારાધોરણો ઘડવાં અને તેનો અમલ કરાવવો એટલી જ ભૂમિકા રાજ્યને અદા કરવાની હોય છે અને તેમ કરતી વેળાએ આર્થિક સ્વાતંત્ર્યમાં રાજ્યની ઓછામાં ઓછી દખલગીરી હોય તે ઇષ્ટ ગણાય છે. રાજ્ય નિર્ણાયક (umpire) ભલે બને; પરંતુ તેણે ખેલાડી બનવું જોઈએ નહિ.

અમર્યાદિત અને દિનપ્રતિદિન વધતી જતી જરૂરિયાતોને સંતોષવા માટે સમાજે પ્રાપ્ત સ્રોતોનો અસરકારક ઉપયોગ કરીને અથવા તેમનો પુરવઠો વધારીને ઉત્પાદન કરવું પડે છે. જુદા જુદા સમાજો પોતપોતાની આર્થિક, સામાજિક અને રાજકીય વિચારસરણીઓને અનુરૂપ ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર અથવા બંને ક્ષેત્રોના સહઅસ્તિત્વ દ્વારા (mixed economy) ઉત્પાદનપ્રવૃત્તિઓ વિકસાવે છે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં મહદંશે ખાનગી ક્ષેત્રનું વર્ચસ્ હોય છે. આ વ્યવસ્થામાં દરેક ઉત્પાદક, મૂડીરોકાણકાર અને ઉપભોક્તા આર્થિક તર્કસંગતતા અને બજારતંત્રને અનુરૂપ વર્તન કરે છે. ઉત્પાદક જુદા જુદા વ્યવસાયોમાં કેટલી કમાણી થશે તેના આધારે, મૂડીરોકાણકાર જુદાં જુદાં રોકાણોમાં કેટલો નફો થશે તેના આધારે અને ઉપભોક્તા જુદી જુદી ખરીદીમાં કેટલો તુષ્ટિગુણ મળશે તેના આધારે નિર્ણય લે છે. આ વ્યવસ્થામાં રાજ્યની ભૂમિકા લગભગ નહિવત્ હોય છે. તેથી ઊલટું, સામાજિક ધોરણે આયોજિત અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનું લગભગ સંપૂર્ણ વર્ચસ્ જોવામાં આવે છે. તેમાં બજારતંત્રની ભૂમિકા સીમાંત હોય છે, વ્યાપારી નફાનું મહત્વ ઘટી જાય છે અને રાજ્ય પોતાના સમગ્ર હેતુ તરફ લક્ષ કેન્દ્રિત કરે છે. મિશ્ર અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે; એટલું જ નહિ, પરંતુ તે બંને એકબીજાંનાં પૂરક હોય છે.

કોઈ પણ દેશનું અર્થતંત્ર સંપૂર્ણ રીતે ખાનગી ક્ષેત્રને અધીન હોઈ શકે નહિ. કેટલીક વસ્તુઓ કે સેવાના ઉત્પાદનમાં નફાનું તત્વ દાખલ કરવું ઇષ્ટ ગણાય નહિ; દા.ત., સંરક્ષણ, શિક્ષણ, જાહેર સ્વાસ્થ્ય, પાણી કે વિદ્યુતશક્તિનો પુરવઠો તથા રેલવે જેવી વાહનવ્યવહારની સેવા, તાર-ટપાલ, જીવનરક્ષક દવાઓ વગેરે. ઉપરાંત, કેટલાંક ક્ષેત્રો એવાં હોય છે કે જેમાં શરૂઆતના તબક્કામાં મોટા પાયા પર જોખમ ખેડવું પડે છે, વિશાળ પાયા પર મૂડીરોકાણ કરવું પડે છે તથા તેનો પરિપક્વતાનો ગાળો (gestation period) ઘણો લાંબો હોય છે તેથી તેનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા કરવું ઇષ્ટ ગણાય છે. ભારતની 1948 અને 1956ની ઔદ્યોગિક નીતિ ઘડવામાં આ વિચારસરણી લક્ષમાં લેવાઈ છે. આ નીતિને અનુરૂપ પોલાદ, અન્ય ધાતુઓ, પેટ્રોલિયમ, કોલસો, રસાયણો તથા ભારે ઇજનેરી સામાનના ઉદ્યોગો જાહેર ક્ષેત્રમાં સ્થાપવામાં આવ્યા છે અને તેમની સંખ્યા માર્ચ 1951માં ફક્ત 5 હતી તે માર્ચ, 1991માં વધીને 244 થઈ છે. આમ ભારતીય અર્થતંત્રમાં (1) કેન્દ્ર, રાજ્ય તથા સ્થાનિક કક્ષાએ સંચાલિત ખાતાં તથા (2) સરકાર દ્વારા નિર્દેશિત અને સંચાલિત જાહેર સાહસોનાં ઔદ્યોગિક એકમો, નિગમો અને કારખાનાંનો જાહેર ક્ષેત્રમાં સમાવેશ થાય છે. આ સિવાયની પ્રવૃત્તિઓનો સમાવેશ ખાનગી ક્ષેત્રમાં થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જયન્તિલાલ પો. જાની