ખાનગી કંપની : કંપની ધારા, 1956ની કલમ 3 મુજબની કંપની. તેના આર્ટિકલ્સથી તેમાં (1) શૅરના હસ્તાંતર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય; (2) સભ્યસંખ્યા વધુમાં વધુ 50 ઠરાવવામાં આવી હોય; અને (3) શૅર ખરીદવાનું જાહેર જનતાને આમંત્રણ આપવાની મનાઈ હોય.

ખાનગી કંપની સ્થાપવા માટે ઓછામાં ઓછા બે સભ્યો હોવા જોઈએ. આવી ખાનગી કંપનીઓની પ્રથા 1913ના કંપની ધારાથી શરૂ થઈ. સામાન્ય રીતે ખાનગી કંપનીઓની કાર્યવહી, કંપની ધારા 1956ના નિયમો અનુસાર, સાર્વજનિક કંપનીઓની કાર્યવહી પ્રમાણે જ થાય છે; પરંતુ કેટલીક પરિસ્થિતિમાં ખાનગી કંપનીના અધિકારો, સાર્વજનિક કંપની કરતાં વિશિષ્ટ છે. આવા વિશિષ્ટાધિકારો નીચે મુજબ છે :

(1) ખાનગી કંપનીની રચના તથા નોંધણી થઈ જતાં તે તુરત જ ધંધો કે ઉત્પાદનકાર્ય શરૂ કરી શકે છે. સાર્વજનિક કંપનીની માફક કંપની-સંસ્થાપન પ્રમાણપત્ર (certificate of incorporation) મળ્યા પછી વ્યવસાય-પ્રારંભ માટેના પ્રમાણપત્ર(certificate to commence business)ની રાહ જોવાની જરૂર રહેતી નથી.

(2) ડિરેક્ટર તરીકે કામ કરવાની સંમતિ કે સંમતિપત્ર તથા ડિરેક્ટર થવા માટે જરૂરી શૅરસંખ્યા ખરીદવાનો કરાર કંપની રજિસ્ટ્રાર પાસે રજૂ કરવાની જરૂર રહેતી નથી.

(3) ડિરેક્ટરોએ લાયકાત પ્રાપ્ત કરવા પૂરતા શૅરો ખરીદવા બાબતની નોંધ કરી તેમાં સહી કરવાની જરૂર રહેતી નથી.

(4) કંપની ધારા, 1956ની કલમ 165 પ્રમાણે કાયદાકીય (statutory) સભા કે નિવેદન કરવાની જરૂર રહેતી નથી.

(5) ડિરેક્ટરોને કંપની સાથે કરાર કરવાનો તથા આવો કરાર જાહેર કરવાનો પ્રતિબંધ નડતો નથી. વધુમાં ડિરેક્ટરો જે કંપનીઓ કે પેઢીઓમાં હિત ધરાવતા હોય તે કંપનીઓ કે પેઢીઓ સાથેના કરારો બાબત ચર્ચા ચાલતી હોય ત્યારે તે ડિરેક્ટરો હાજર રહી શકે છે. સાર્વજનિક કંપનીમાં તેવા ડિરેક્ટરો હાજર રહી શકતા નથી.

કોઈ ખાનગી કંપની કાયદામાં દર્શાવેલી મર્યાદા બહાર જઈ સાર્વજનિક કંપની જેવું કાર્ય કરે અને જો અદાલતને સંતોષપૂર્વક એમ લાગે કે મર્યાદાનું ઉલ્લંઘન આકસ્મિક હતું અથવા તે વાજબી કારણસર હતું તો એ ઉલ્લંઘનને ક્ષમ્ય ગણી તેના વિશિષ્ટાધિકારો ભોગવવાનું ચાલુ રાખવાની છૂટ આપે છે.

કંપની ધારામાં થયેલા છેલ્લા સુધારા મુજબ, જો કોઈ ખાનગી કંપની મોટા પ્રમાણમાં સાર્વજનિક નાણાંનો ઉપયોગ કરતી હોય છતાં ખાનગી કંપની તરીકે સાર્વજનિક કંપનીને લાગુ પડતાં નિયંત્રણો, પ્રતિબંધો અને મર્યાદામાંથી છટકી જતી હોય તો તેવા સંજોગોમાં, અમુક શરતો અનુસાર, ખાનગી કંપની, આપોઆપ સાર્વજનિક કંપની ગણાય અને તેને સાર્વજનિક કંપનીનાં નિયંત્રણો વગેરે લાગુ પડે.

આથી, શૅરમૂડી ધરાવનાર પ્રત્યેક ખાનગી કંપનીએ, પોતાના વાર્ષિક પત્રક સાથે એવું પ્રમાણપત્ર આપવું પડે છે કે છેલ્લા વાર્ષિક નિવેદન પછી એવી કોઈ શરતોનો ભંગ તેણે કર્યો નથી કે જેથી ખાનગી કંપની આપોઆપ સાર્વજનિક કંપની બને.

ઈન્દુભાઈ દોશી