ખાનગીકરણ, અર્થતંત્રનું (privatisation) : સરકારની સીધી માલિકી હેઠળનાં અથવા સરકાર દ્વારા સંચાલિત/ નિર્દેશિત સાહસોને ખાનગી માલિકી કે સંચાલન હેઠળ મૂકવાની આર્થિક નીતિ. આ નીતિ વિરાષ્ટ્રીયકરણ (denationalisation) નામથી પણ ઓળખાય છે.

ઑક્ટોબર, 1917માં રશિયામાં રાજકીય ક્રાંતિ થતાં ત્યાં બૉલ્શેવિક પક્ષની સામ્યવાદી સરકાર સત્તા પર આવી ત્યારથી તબક્કાવાર સમાજવાદી આયોજનના યુગની શરૂઆત થઈ. અર્થતંત્રનાં મહત્વનાં બધાં જ ક્ષેત્રોનું રાષ્ટ્રીયકરણ કરવાનો સિલસિલો ત્યાં શરૂ થયો. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના જે દેશોમાં સામ્યવાદી સરકારો સ્થપાઈ ત્યાં સોવિયેત સંઘના આર્થિક ઢાંચાનું અનુકરણ કરવામાં આવ્યું; એટલું જ નહિ, પરંતુ તે અરસામાં એશિયા અને આફ્રિકાના રાજકીય સ્વાધીનતા પ્રાપ્ત કરનાર મોટા ભાગના દેશોએ ગરીબી અને બેકારીના નિવારણના પાયાના ઉદ્દેશો હાંસલ કરવા માટે આર્થિક આયોજનની પદ્ધતિ અંગીકાર કરી અને તેના ભાગરૂપે અર્થતંત્રનાં હાર્દરૂપ ક્ષેત્રો(core sectors)નું રાષ્ટ્રીયકરણ કરવાની નીતિ અપનાવી. ભારતે આઝાદી પછી મિશ્ર અર્થતંત્રના નેજા હેઠળ જાહેર ક્ષેત્રના વ્યાપક વિસ્તરણની નીતિ અમલમાં મૂકી. 1948 અને 1956ની ઔદ્યોગિક નીતિ દ્વારા રાજ્યના સીધા અંકુશ હેઠળના ઉદ્યોગોની સંખ્યા વધારવામાં આવી. 1954માં જીવનવીમાનું રાષ્ટ્રીયકરણ અને 1969માં ચૌદ મોટી વ્યાપારી બૅંકોનું રાષ્ટ્રીયકરણ જેવાં પગલાં ભારત સરકારની આ અંગેની એકધારી નીતિનો પરિપાક ગણાય. જે ભારતમાં બન્યું લગભગ તે જ વિશ્વના અન્ય વિકાસશીલ દેશોમાં પણ બનતું ગયું. 1949માં ચીનની મુખ્ય ભૂમિ પર સામ્યવાદી સરકાર સ્થપાતાં ત્યાં પણ અર્થતંત્રના રાષ્ટ્રીયકરણનો આ જ પ્રકારનો અભિગમ દાખલ કરવામાં આવ્યો.

પરંતુ સમય જતાં આ એકપક્ષીય (monolithic) આર્થિક નીતિની મર્યાદાઓ અને અનિષ્ટ પરિણામો છતાં થતાં ગયાં. રાજ્યની આર્થિક સત્તાનું ક્ષેત્ર વિસ્તરતું ગયું ત્યાં ત્યાં ખાનગી સાહસ, પહેલવૃત્તિ અને ટાંચાં આર્થિક સાધનોના કાર્યક્ષમ ઉપયોગની પ્રક્રિયાઓનો અસ્ત થતો ગયો અને તેની જગ્યાએ શિથિલતા, બિનકાર્યક્ષમતા, બેજવાબદારી, સાધનોનો બગાડ વગેરે દૂષણો દાખલ થતાં ગયાં. રાજ્ય-હસ્તકના મોટા ભાગના એકમો ખોટ કરતા થયા જેનું ભારણ ઊંચા કરવેરા દ્વારા અથવા ખાધપૂરક નાણાનીતિ જેવા ‘પરોક્ષ કરવેરા’ દ્વારા પ્રજા પર લદાતું ગયું.

વિશ્વના ફલક પર નજર નાખતાં જણાશે કે શીતયુદ્ધ દરમિયાન (1945-89) પશ્ચિમના લોકશાહીને વરેલા દેશો અને સામ્યવાદી દેશો વચ્ચે જે ગળાકાપ રાજકીય સ્પર્ધા થઈ તેને લીધે સોવિયેત સંઘ અને તેના અંકુશ હેઠળના સામ્યવાદી દેશોની અર્થવ્યવસ્થા પાયમાલ થતી ગઈ અને સામાજિક આર્થિક કલ્યાણને વરેલા આ દેશમાં જીવનની સર્વસામાન્ય જરૂરિયાતોની ચીજવસ્તુઓની તીવ્ર અછત વર્તાઈ. ભયંકર આર્થિક સંકટમાં સપડાયેલા સોવિયેત સંઘનું 1990માં વિઘટન થયું, તેના પડઘા અન્ય સામ્યવાદી દેશોમાં પણ પડ્યા. વિશ્વના સ્તર પર જાણે કે માકર્સવાદની વિચારસરણીનો અંત આવી રહ્યો હોય તેવાં ચિહનો દેખાયાં. તેની તુલનાએ પશ્ચિમના દેશોની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ તરફ આગેકૂચ કરતી ગઈ. સામ્યવાદી દેશોમાં તીવ્ર આર્થિક સંકટ, તો મુક્ત બજારતંત્ર પર આધારિત પશ્ચિમના દેશોમાં વધતી જતી આર્થિક સમૃદ્ધિ  બંને વચ્ચેની આ વિષમતાએ આર્થિક પદ્ધતિઓ(economic systems)નું પુનર્મૂલ્યાંકન કરવાની જરૂરિયાત અનિવાર્ય બનાવી. આર્થિક સમૃદ્ધિ હાંસલ કરવામાં રાજ્ય-હસ્તકની આર્થિક આયોજનની પદ્ધતિ કરતાં મુક્ત બજારની પદ્ધતિ વૈશ્વિક સ્તર પર હવે વધુ ચડિયાતી સાબિત થયેલી હોવાથી દુનિયાના મોટા ભાગના દેશો જાહેર સાહસોના ખાનગીકરણ તરફ વળ્યા છે.

ખરી રીતે જોતાં ખાનગીકરણની પ્રક્રિયા ઘણી જૂની છે; દા.ત., માર્શલ ટીટો(1892-1980)ના શાસનકાળ દરમિયાન યુગોસ્લાવિયામાં ખેતીક્ષેત્રે ‘કિચન ફાર્મ્સ’ દાખલ કરવામાં આવ્યાં હતાં અને તે દ્વારા ફરી ખાનગી જમીનમાલિકીની પ્રથા અંશત: દાખલ કરવામાં આવી હતી. ચીનમાં સામ્યવાદી સરકાર હોવા છતાં (1978-1993 દરમિયાન) દેશની અર્થવ્યવસ્થાનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં ખાનગી સાહસ અને બજારતંત્રને ઓછાવત્તા પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. 1973માં ચિલીની સરકારે 350 ઉપરાંત સાહસોના શૅરો પ્રજાને વેચ્યા હતા તો 1985માં મેક્સિકોએ 236 જેટલાં સરકારી સાહસોના શૅરોનું ખુલ્લા બજારમાં વેચાણ કર્યું હતું. તે જ વર્ષે બ્રાઝિલની સરકારે 12 જેટલાં જાહેર સાહસો પ્રજાને વેચી ઉત્પાદન અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો મેળવ્યો હતો. બાંગ્લાદેશે સરકારની માલિકીના ખોટ કરતા 600 જેટલા એકમોનું ખાનગીકરણ કરી બે જ વર્ષમાં તે બધાને નફો કરતા બનાવી દીધા હતા. તુર્કીએ 200 જેટલાં સરકારી સાહસોનું વિરાષ્ટ્રીયકરણ કરવાની જાહેરાત કરી હતી. માર્ગારેટ થેચરના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન (1979-91) બ્રિટનમાં સરકાર-હસ્તકનાં સંખ્યાબંધ સાહસો ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવ્યાં હતાં, તો ફ્રાન્સની સરકારે 1987 સુધીમાં દસ મોટી સરકારી કંપનીઓનું વિરાષ્ટ્રીયકરણ કર્યું હતું. અમેરિકામાં શિક્ષણ અને સ્વાસ્થ્યક્ષેત્રે ખાનગીકરણની પ્રક્રિયા દાખલ થઈ ગઈ છે.

ભારતમાં જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતા સુધારવા તથા ખોટ કરતાં જાહેર સાહસોને સધ્ધર પાયા પર ફરી બેઠાં કરવા ભારત સરકારે પણ ખાનગીકરણની વ્યૂહરચના સ્વીકારી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે