ખાખરો (કેસૂડો, પલાશ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોઝી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Butea monosperma Taub. (સં. પલાશ; મ. પળસ; હિં. ખાખર, પલાસ, ઢાક; ક. મુટ્ટુગા; ત. પારસ, પીલાસુ; તે. મૂડ્ડુગા; અં. બસ્ટાર્ડ ટીક, બગાલ કીનો ટ્રી, ફ્લેમ ઑવ્ ફૉરેસ્ટ) છે.

સ્વરૂપ : તે વાંકુંચૂકું થડ ધરાવતું, 15.0 મી. સુધી ઊંચું અને 1.6  કે 2.0 મી. (કેટલીક વાર 3.8 મી.)ના ઘેરાવાવાળું પર્ણપાતી (deciduous) વૃક્ષ છે. શુષ્ક પ્રદેશો બાદ કરતાં ભારતમાં તે સર્વત્ર થાય છે. તેની છાલ વાદળી-ભૂખરી અથવા આછી બદામી હોય છે. પર્ણો લાંબા પર્ણદંડવાળાં ત્રિપંજાકાર (trifoliate) સંયુક્ત હોય છે. પર્ણિકાઓ ચર્મિલ (coriaceous), પહોળી પ્રતિઅંડાકાર-(obovate)થી માંડી સ્ફાનાકાર (cuneate) હોય છે. તેમની ઉપરની સપાટી અરોમિલ અને નીચેની સપાટી રેશમી રોમો વડે સઘનપણે આવરિત હોય છે. પુષ્પો ચકચકિત નારંગીરાતા રંગનાં, કેટલીક વાર પીળાં, 15 સેમી. જેટલી લાંબી કલગી(raceme)ના સ્વરૂપે ગોઠવાયેલાં, મોટાં અને સુંદર હોય છે. પાનખર ઋતુમાં પર્ણો ખરી પડતાં ફેબ્રુઆરી-માર્ચમાં આખું વૃક્ષ કેસરી-ગુલાબી પુષ્પોથી લચી પડે છે. ફળ લટકતાં શિંબી પ્રકારનાં, રેશમી ઘનરોમિલ (tomentose), 10-13 સેમી. લાંબાં હોય છે. બીજ ચપટાં, રાતા રંગનાં વૃક્કાકાર, 3.3-3.8 સેમી. લાંબાં અને 2.2-2.5 સેમી. પહોળાં હોય છે. તેમને પલાશપાપડો કે પિત્તપાપડો (મ. પળસપાવડી) કહે છે.

આકૃતિ 1 : ખાખરો : પુષ્પ અને ફળસહિતની શાખા

ઓછામાં ઓછી કાળજી માગતું આ વૃક્ષ ખડકાળ જગામાં ઊગે છે. ગુજરાતમાં પાવાગઢ, પંચમહાલ જિલ્લો, શામળાજી અને ડાંગ જિલ્લામાં તે વિશેષ પ્રમાણમાં મળે છે.

વનસંવર્ધન(silviculture)ની ર્દષ્ટિએ આ વૃક્ષ ઘણું મહત્વનું છે, કારણ કે ભારતનાં મેદાનોમાં તે સૌથી સામાન્ય જાતિઓ પૈકી એક છે અને જ્યાં મોટાભાગની જાતિઓ થતી નથી, ત્યાં તે ઊગી શકે છે. તે હિમાલયમાં 900 મી.ની ઊંચાઈએ અને ભારતીય દ્વીપકલ્પમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. ખુલ્લા તૃણપ્રદેશોમાં તે પુષ્પનિર્માણ સમયે અત્યંત સુંદર દેખાય છે. ઉત્તર ભારતમાં તેરાઈમાં તે ઘણી વાર સમૂહોમાં થાય છે. તે જલાક્રાન્ત (waterlogged) પરિસ્થિતિમાં કાળી કપાસ મૃદા(soil)માં, કે લવણીય (saline), આલ્કલીય અને કાદવયુક્ત ખરાબ નિતારવાળી મૃદાઓમાં તેમજ ખુલ્લી ભૂમિમાં થાય છે. તેના નૈસર્ગિક આવાસમાં મહત્તમ છાયા-તાપમાન 37.8° સે.થી 48.9° સે. અને લઘુતમ છાયા-તાપમાન 3.9° સે.થી 15.6° સે. હોય છે અને સામાન્ય વાર્ષિક વરસાદ 62.5 સેમી.થી 450 સેમી. થાય છે.

પ્રસર્જન : કુદરતી પ્રસર્જન બીજ દ્વારા અને અંત:ભૂસ્તારી (sucker) દ્વારા તે વિપુલ પ્રમાણમાં થાય છે. જો ભેજ પુષ્કળ હોય અને તે ટકી રહે તો મુશ્કેલી સિવાય બીજાંકુરણ થાય છે. બીજાંકુરો સહિષ્ણુ (hardy) હોય છે. તેઓ ચારાથી થતા નુકસાનનો પ્રતિકાર કરે છે અને ઈજા સામે પુનર્પ્રાપ્તિ(recovery)ની ક્ષમતા ધરાવે છે.

કૃત્રિમ પ્રસર્જન સીધેસીધી વાવણી કે ધરુવાડિયામાંથી આરોપણ દ્વારા થાય છે. તૃણભૂમિમાં નાના રોપાઓનું સૂવર, શાહુડી અને ઉંદરોથી રક્ષણ આપવું જરૂરી છે.

ઉપયોગો : કુદરતી તિરાડો દ્વારા કે છાલમાં કાપ મૂકતાં લાલ રસનો સ્રાવ થાય છે. તે સુકાતાં ગુંદર બને છે. તેને ‘બ્યુટિયા ગુંદર’ કે ‘બૅંગાલ કિનારો’ કહે છે. તે નાના લાંબા ગાંગડાઓના સ્વરૂપે કે જવના દાણાની જેમ નાના અનિયમિત, લાંબા દાણાઓના સ્વરૂપે જોવા મળે છે અને દેખીતી રીતે કાળા અને અપારદર્શક હોવા છતાં ખરેખર લાલ માણેક જેવા અને પારભાસક (translucent) હોય છે. ગાંગડાઓ ખૂબ બરડ હોય છે અને દળીને તેનો લાલ પાઉડર બનાવી શકાય છે. તે જલદ્રાવ્ય હોય છે. ગુંદર રાખી મૂકતાં તે લગભગ કાળો, અપારદર્શક અને સખત બની જાય છે. તાજો રસ વ્રણ ઉપર અને ગળાના વ્રણદાહ (sore) ઉપર લગાડવામાં આવે છે. ગુંદર શક્તિશાળી સંકોચક (astringent) છે અને અતિસાર (diarrhoea) અને મરડામાં, ક્ષય (phthisis) અને જઠર તથા મૂત્રાશયના રક્તસ્રાવમાં આપવામાં આવે છે. તેનો આસવ (infusion) કેટલીક વાર શ્વેતપ્રદર(leucorrhoea)માં લગાડવામાં આવે છે. ગુંદરનું દ્રાવણ ઉઝરડો (bruise), વિસર્પી (erysipelatous) શોથ અને દાદર ઉપર લગાડવામાં આવે છે. આ ગુંદરનો બિયા(Pterocarpus marsupium)ના ગુંદરની અવેજીમાં કે તેના અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગ થાય છે.

ગુંદરમાં લ્યુકોસાયનિડિન, તેનો ચતુર્લક (tetramer) પ્રોસાયનિડિન, ગૅલિક ઍસિડ અને શ્લેષ્મી દ્રવ્ય હોય છે. તે ખાદ્ય છે અને સારા પ્રમાણમાં રાઇબૉફ્લેવિન (138.8 માઇક્રોગ્રા./ગ્રા.) અને થાયેમિન (4.3 માઇક્રોગ્રા./ગ્રા.) ધરાવે છે. શુષ્ક નિસ્યંદન દ્વારા તે પાયરોકૅટેચિન ઉત્પન્ન કરે છે. પહેલાં તેનો ઉપયોગ સાયનિડિન ક્લોરાઇડ બનાવવામાં અને ગળી અલગ કરવામાં થતો હતો. તેનાથી ગળીના ઉત્પાદનમાં 30-40  % જેટલો વધારો થાય છે. ગુંદરનો ઉપયોગ રંગ અને ચર્મશોધન(tanning)માં કરવામાં આવે છે.

છાલ સંકોચક, કડવી, તીખી, રૂપાંતરક (alterative), વાજીકર (aphrodisiac) અને કૃમિઘ્ન (anthelmintic) હોય છે. તે અર્બુદ (tumor), દૂઝતા હરસ અને વ્રણમાં ઉપયોગી છે. તેનો કાઢો શરદી, કફ, વિવિધ પ્રકારના રક્તસ્રાવો (haemorrhages) અને ઋતુસ્રાવ સંબંધી રોગોમાં ઉપયોગી છે. તેમાંથી શક્તિવર્ધકો અને આસવ બનાવવામાં આવે છે. છાલનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Escherichia coli અને Micrococcus pyogenes var. aureusની સક્રિયતાને અવરોધે છે. છાલમાંથી અલગ કરેલ ફિનૉલીય ઘટકોનું સોડિયમ સૉલ્ટ દમરોધી (anti-asthmatic) પ્રક્રિયક તરીકેની ક્ષમતા દર્શાવે છે.

મૂળનો હાથીપગામાં, રતાંધળાપણામાં અને ર્દષ્ટિની અન્ય ત્રુટિઓમાં ઉપયોગ કરવામાં આવે છે. તે સ્ત્રીઓમાં અસ્થાયી વંધ્યતા ઉત્પન્ન કરે છે. મૂળની છાલ વાજીકર, વેદનાહર (analgesic) અને કૃમિઘ્ન ગુણધર્મો ધરાવે છે. તે સંગ્રહણી, મસા, વ્રણ, અર્બુદ અને જલશોફ(dropsy)માં લગાડવામાં આવે છે. તે જાડો રેસો ઉત્પન્ન કરે છે, જેનો ઉપયોગ બ્રશ અને દોરડાં બનાવવામાં અને હોડીની તરડ પૂરવામાં થાય છે.

લીલાં પર્ણોનો ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભેંસમાં દૂધનું ઉત્પાદન સુધારવા તેનાં પર્ણો ખવડાવવામાં આવે છે. તેની પાચ્યતા (digestibility) ઘાસ સાથે તુલનીય (comparable) છે. તેનું કૅલરી-દ્રવ્ય 3,761 કૅલરી/ગ્રા. શુષ્ક વજન છે. પર્ણોમાં 14.79 % પ્રોટીન, 21.74 % રેસો, 2.80 % ઈથર-નિષ્કર્ષ, 53.99 % નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ, 6.68 % ખનિજો, 2.54 % કૅલ્શિયમ અને 0.24 % ફૉસ્ફરસ હોય છે. પર્ણોમાં આલ્કેલૉઇડો હોવાનું જણાયું છે. તેનો ઉપયોગ દાઝ્યા ઉપર, ખીલ અને ગાંઠવાળા મસાઓમાં થાય છે. પર્ણો વાયુવિકારી (flatulent) શૂલ (colic), કૃમિઓ અને મસામાં ઉપયોગી છે. કેરળની ‘કાની’ જાતિની સ્ત્રીઓ પર્ણોનો ઉપયોગ ગર્ભધારણની ક્રિયા રોકવામાં કરે છે. પર્ણોમાંથી પતરાળાં, પડિયા, પ્યાલા, છત્રી વગેરે બનાવવામાં આવે છે. તેઓનો વીંટાળવામાં ઉપયોગ થાય છે.

પુષ્પો સંકોચક, મૂત્રલ (diuretic), વિશોધક (depurative) વાજીકર અને શક્તિવર્ધક ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ આર્તવજનક (emmenagogue) તરીકે અને વૃષણશોથ (orchitis)માં પોટિસ તરીકે, ઉઝરડાઓમાં અને મચકોડમાં થાય છે. તે રક્તપિત્ત (leprosy), શ્વેતપ્રદર અને ગાઉટમાં ઉપયોગી છે. તેનાં દલપત્રો ઘેટાંઓને હીમેટિનમેહ(haematuria)માં આપવામાં આવે છે. તે Helminthosporium sativum નામની ફૂગ સામે સક્રિયતા દાખવે છે. દલપત્રોનું આલ્કોહૉલીય સાંદ્રિત દ્રવ્ય ઉંદરોમાં પ્રતિ-ઈસ્ટ્રોજનીય (anti-estrogenic) હોય છે. પુષ્પોનો કાઢો અતિસારમાં અને સ્ત્રીઓને પ્રસૂતિકાળમાં આપવામાં આવે છે. પુષ્પોનો જલીય નિષ્કર્ષ ઉંદરોમાં પ્રતિ-ગર્ભસ્થાપન (anti-implantation) ક્રિયાશીલતા દાખવે છે.

પુષ્પોમાંથી ચમકતો, પરંતુ અસ્થાયી (fugitative) પીળો રંગ મળે છે. તે રસમાં હોય છે અને શુષ્ક પુષ્પોમાંથી કાઢા કે આસવના સ્વરૂપમાં મેળવી શકાય છે. ફટકડી, ચૂનો અથવા આલ્કલી ઉમેરતાં ઓછો અસ્થાયી નારંગી રંગ બને છે. કાઢાનો ઉપયોગ સુતરાઉ કાપડ, ઊનની શેતરંજીઓ અને સોલાની વસ્તુઓ રંગવામાં અને ખેતરમાં ઊધઈનું નિયંત્રણ કરવા માટે થાય છે. પુષ્પોનો પાઉડર હોળીના ઉત્સવ દરમિયાન વાપરવામાં આવે છે. પુષ્પમાં મુખ્ય ગ્લાયકોસાઇડ બ્યુટ્રિન હોય છે. પુષ્પોનો ઝગારા મારતો રંગ ચાલ્કોન અને ઓરોનને આભારી છે. ડામરના સાંશ્લેષિક રંગોને બદલે તેનો ખાદ્ય પદાર્થો પીળા-નારંગી રંગે રંગવામાં ઉપયોગ થાય છે. ક્લૉરોફૉર્મ અને પેટ્રોલિયમ-ઈથર વડે પુષ્પોનું નિષ્કર્ષણ કરતાં અનુક્રમે 0.35 % અને 0.75 % મીણ ઉત્પન્ન થાય છે.

બીજ મંદ વાસ ધરાવે છે અને તીક્ષ્ણ (acrid) અને કડવાં હોય છે. તે મંદ રેચક (aperient) અને રક્તિમાકર (nubefacient) ગુણધર્મો ધરાવે છે. કેટલીક વાર સેન્ટોનિનના બદલે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. ખાખરો, કપિલો (Mallotus philipinensis) અને વાવડિંગ(Embelia ribes)નાં સૂકાં બીજનું મિશ્ર ચૂર્ણ માનવ-આંતરડામાં રહેતા સૂત્રકૃમિ(Hymenolepis nana)નું અસરકારક નિયંત્રણ કરે છે. જોકે બીજનો કૃમિઘ્ન તરીકેનો ઉપયોગ માનવમાં સલામત નથી, કારણ કે તે મૂત્રપિંડ-વિષાક્તતા (nephrotoxicity) ઉત્પન્ન કરી શકે છે. પશુ-ઔષધવિદ્યામાં બીજનો કૃમિઘ્ન તરીકે ઉપયોગ થાય છે. તાજાં બીજનું ચૂર્ણ કરમિયા સામે સારાં પરિણામો આપે છે. બીજના પાઉડરનો લીંબુના રસ સાથે મલમ બનાવી દાદર અને હર્પિસ ઉપર લગાડવામાં આવે છે.

બીજમાં પેલેસોનિન (0.025-0.030 %) નામનું કૃમિહર ઘટક આવેલું હોય છે. કરમિયા સામે પેલેસોનિનની પાઇપરેઝિન કે સેન્ટોનિન કરતાં વધારે સારી અસર હોય છે. તે વિવિધ પ્રકારના અરેખિત સ્નાયુઓ ઉપર તેની ઉત્તેજક ક્ષમતા દર્શાવે છે.

બીજનો ગરમ આલ્કોહૉલીય નિષ્કર્ષ ઉંદર અને સસલામાં પ્રતિ-ગર્ભસ્થાપન અને અંડપાતરોધી (anti-ovulatory) સક્રિયતા દાખવે છે. બીજનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Escherichia coli અને Micrococcus pyogenes var. aureusની વૃદ્ધિ અવરોધે છે. પ્રાણીઓની કેટલીક જાતિઓમાં અશુદ્ધ લવણીય નિષ્કર્ષ (0.9 %) રક્તકણોનું સામૂહિકીકરણ કરે છે.

બીજમાં પાણી 5.7 %, પ્રોટીન 20.1 %, પેન્ટોસન 11.4 % અને જલ-દ્રાવ્ય શ્લેષ્મ 4.4 % હોય છે. બીજ 20 % જેટલું આછા પીળા રંગનું મેદીય તેલ ધરાવે છે. તેને ‘મૂડૂગા તેલ’ કે ‘કિનો-ટ્રી ઑઈલ’ કહે છે. તેલનો ઉપયોગ સાબુ બનાવવામાં થાય છે. તેલ વિનાનું ખાણ પ્રોટીન-સભર હોય છે. બીજના ખાણને ટેનિન-યુરિયા-ફૉર્મેલિન સાથે મિશ્ર કરતાં પ્લાયવૂડ બનાવવા માટેનો ટેનિન-આસંજક (adhesive) બને છે.

તાજું કાપેલું કાષ્ઠ સફેદ હોય છે અને સમય જતાં તે પીળું-બદામી અને ખુલ્લું રાખતાં ભૂખરું-બદામી થાય છે. પહેલી વાર ખુલ્લું થાય ત્યારે તેની અરીય (radial) સપાટી ચમકીલી હોય છે; પરંતુ તરત તે ફિક્કા રંગનું બને છે. તેની સપાટી બરછટ હોય છે. તે પોચું, હલકું (વજન 545 કિગ્રા./મી.3), સુરેખ કે કેટલેક અંશે તિર્યક્-કણિકામય (cross-grained) અને બરછટ ગઠનવાળું હોય છે. તે મજબૂત કાષ્ઠ નથી. તેના પર હાથ કે યંત્ર દ્વારા ખરાદીકામ થઈ શકે છે. તેનું વાયુ-સંશોષણ (seasoning) સરળતાથી થાય છે, પરંતુ એ પ્રક્રિયા દરમિયાન નોંધપાત્ર પ્રમાણમાં તે સંકોચાય છે. ખુલ્લી સ્થિતિમાં તે બગડી જાય છે. આવરણ હેઠળ તે મધ્યમસરનું ટકાઉ હોય છે. પાણીમાં સંપૂર્ણ ડુબાડી રાખવાથી તે ટકાઉ રહે છે. પ્રતિરોધી (antiseptic) વડે તેની સહેલાઈથી ચિકિત્સા થાય છે. તેનું કુદરતી ટકાઉપણું સરેરાશ 10 માસ સુધીનું હોય છે. તેનો મુખ્ય ઉપયોગ કૂવાની પગથી, કડછા કે પાવડા, સસ્તાં બોર્ડ અને ખોખાં બનાવવામાં થાય છે. તે કોલસો દારૂગોળો બનાવવામાં વપરાય છે. તેના પાટડા ટૂંકા અને વાંકાચૂકા હોવાથી તેનો બહોળો ઉપયોગ થઈ શકતો નથી. તે મધ્યમસરનું બળતણ છે.

ખાખરાનું કાષ્ઠ ધરાવતા કઠિન કાષ્ઠ(hardwood)ના મિશ્રણમાંથી પ્રાપ્ત થતા માવામાંથી બ્રેઇલ મુદ્રણના અને વીંટાળવાના કાગળ બનાવી શકાય છે. ખાખરાના કાષ્ઠનો માવો છાપાના કાગળ બનાવવામાં વપરાય છે.

આયુર્વેદ અનુસાર ખાખરો ઉષ્ણ, તૂરો, વૃષ્ય, અગ્નિદીપક, સારક, કડવો, સ્નિગ્ધ, ગ્રાહક અને ભગ્નસંધાનકારક હોય છે. તે વ્રણ, ગુલ્મ, પ્લીહા (બરોળ), સંગ્રહણી, અર્શ, વાયુ, કફ, યોનિરોગ અને પિત્તરોગનો નાશ કરે છે. તે રાતો, પીળો, સફેદ અને કાળો (વાદળી)  એમ પુષ્પના ભેદ વડે ચાર પ્રકારનો થાય છે. તેનાં પુષ્પ (કેસૂડાં) સ્વાદુ, કડવાં, ઉષ્ણ, તૂરાં, વાતુલ, ગ્રાહક, શીતળ અને તીખાં હોય છે. તેઓ તૃષા, પિત્ત, કફ, રક્તદોષ, કોઢ અને મૂત્રકૃચ્છ્નો નાશ કરે છે. તેનાં ફળ રુક્ષ, લઘુ, ઉષ્ણ અને પાકકાળે તીખાં હોય છે. તેઓ કફ, વાયુ, ઉદર, કૃમિ, કોઢ, ગુલ્મ, પ્રમેહ, અર્શ અને શૂળનો નાશ કરે છે. તેનાં બીજ સ્નિગ્ધ, ઉષ્ણ અને તીખાં હોય છે તથા કફ અને કૃમિમાં ઉપયોગી છે. તેનાં કુમળાં પાન કૃમિ અને વાયુનો નાશ કરે છે. તેનાં મૂળ સ્તંભક હોય છે.

બીજનું તેલ એકેક માસો લઈ ઘી અને મધ સાથે સાત, ચૌદ અને એકવીસ દિવસ સુધી ખાવાથી અને દૂધ ઉપર રહેવાથી આંખોનું તેજ ઘણું વધે છે અને આરોગ્ય, બળ, આયુષ્ય, કાંતિ, વીર્ય, બુદ્ધિ, યાદશક્તિ અને ભૂખમાં વધારો થાય છે.

ખાખરાનો ઉપયોગ કૃમિ, ગલગંડ, દાદર અને ખરજવા પર; ઋતુસ્રાવ બંધ થવા માટે; પુરુષત્વ લાવવા માટે; પગના સાંધા પકડાઈ ગયા હોય તે ઉપર; બરોળ રોગ, ઓરી, વાળો અને મૂત્રરેચન માટે, મૂત્રાઘાત અને યોનિકંદ ઉપર; અતિસાર, ઉધરસ અને મુખરોગ ઉપર થાય છે.

Butea parviflora syn. Spatholobus roxburghii (પલાશવેલ) મહાકાય કઠલતા છે. તેની લંબાઈ 24.0 મી. જેટલી અને ઘેરાવો 0.90 સેમી. હોય છે. જંગલોમાં જે વૃક્ષો પર થાય છે તેને ખૂબ નુકસાન પહોંચાડે છે. B. superba Roxb. (વેલ ખાખરો) મોટી, પર્ણપાતી, 90 સેમી.ના ઘેરાવાવાળી કઠલતા છે. તે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઓરિસા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળનાં જંગલોમાં થાય છે. B. buteiformis syn. B. minor મોટો ક્ષુપ કે વેલ છે. તે કુમાઉ, મધ્ય ભારત, બિહાર અને પૂર્વ ભારતમાં થાય છે.

મ. ઝ. શાહ

પ્રાગજી મો. રાઠોડ

અંજના સુખડિયા

બળદેવભાઈ પટેલ