ખાકસાર ચળવળ : ભારતના ભાગલા પૂર્વે લાહોરમાં સ્થપાયેલું મુસ્લિમ લશ્કરી સંગઠન. ઇનાયતુલ્લાખાન ઉર્ફે અલ્લામા મશરકીએ આ સંગઠનની 26 ઑગસ્ટ 1930ના રોજ સ્થાપના કરી હતી. અફઘાનિસ્તાન, તુર્કસ્તાન અને વાયવ્ય સરહદ પ્રાંતની જેમ બલૂચિસ્તાન, પંજાબ, સંયુક્ત પ્રાંતો (ઉત્તરપ્રદેશ) અને બંગાળમાં મુસ્લિમ સત્તા સ્થાપી એક ઇસ્લામી સામ્રાજ્ય ઊભું કરી સમગ્ર ભારતમાં મુસ્લિમ વર્ચસ સ્થાપવાનો તેનો ઇરાદો હતો.
મશરકી ભારતના શિક્ષણખાતાના કર્મચારી હતા. તે વિદ્વાન અને કુરાને શરીફના ઊંડા અભ્યાસી હતા. મુસ્લિમ સમાજના ઉદ્ધાર ખાતર તેમણે સરકારી નોકરી છોડી આ ચળવળ શરૂ કરી હતી. તેમણે ખાકસાર ચળવળના પ્રચારાર્થે ‘અલ્ ઇસ્લાહ’ સાપ્તાહિક શરૂ કર્યું હતું અને ‘ઇશારત’ નામનું પુસ્તક પણ લખ્યું હતું. મુસ્લિમોની ઉન્નતિ માટે યુદ્ધ આવશ્યક છે અને તે વિના શાંતિ થાય તેમ નથી તેવું તેમનું મંતવ્ય હતું.
ખાકસાર ચળવળનો પ્રચાર ગુપ્ત રીતે ચાલતો હતો. શરૂઆતમાં લાહોર અને પેશાવર વગેરે સ્થળોએ તેની શાખાઓ શરૂ કરી હતી. સભ્યોની સંખ્યા આશરે પાંચસોથી છસો હતી. પંજાબ સરકારે સંસ્થાની વધતી જતી શક્તિ પિછાનીને પંદરથી વધુ લોકોનાં મિલન અને એક જ ગામમાંથી 250થી વધુ સભ્યો નોંધવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો; પણ આનાથી તેનો પ્રચાર ઊલટો વધ્યો હતો અને તેની લોકપ્રિયતામાં ઉમેરો થયો હતો. વાયવ્ય સરહદ પ્રાંતના કૉંગ્રેસી શાસને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો છતાં તેનું જોર વધતું ગયું હતું.
1934માં તેની 80 શાખાઓ અને 1700 સભ્યો હતાં. 1939માં ‘ખાકસાર સિપાઈ’, ‘ખાકસાર સાપ્તાહિક’ અને ‘અલ્ ઇસ્લાહ’ વગેરે વર્તમાનપત્રોનું પ્રકાશન થયું હતું.
ખાકસાર સંસ્થાનું મધ્યવર્તી કેન્દ્ર દિલ્હીમાં હતું અને 1935માં ત્યાં 270 સંચાલકો લશ્કરી શિક્ષણ આપતા હતા. 1936માં તેનાં 1,000 કેન્દ્રો હતાં અને 200 શૈક્ષણિક શિબિરો યોજાઈ હતી. 1937માં સિંધના અમીર મીર નૂર મહમદે રૂપિયા નવથી દસ લાખનો ફાળો આ સંસ્થાને આપ્યો હતો. ત્યારબાદ અનેક લોકોએ તેની ઝોળી દાનથી છલકાવી દીધી હતી. તેની લોકપ્રિયતા વધી જતાં પંજાબ સરકારે તેની ઉપર પ્રતિબંધ મૂકી તેને ગેરકાયદેસર સંસ્થા જાહેર કરી હતી. 1938માં તેના 1,64,000 સભ્યો હતા. સંસ્થાના હુકમના ભંગને શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવતો હતો. દરેક સભ્યે લોહીથી લખીને સંસ્થાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લેવાની હતી. સમય આવ્યે પ્રાણાર્પણ કરવાની દરેક સભ્યે તૈયારી રાખવી પડતી હતી. તેના સ્વયંસેવકો સિનેમા, નાટક અને તમાશાથી દૂર રહેતા હતા. કોઈ પણ નિયમનો કોઈ ભંગ કરે તો ઉપવાસ કે ફટકા વગેરેની સજા કરાતી હતી. સર્વાધિકારીનો હુકમ અંતિમ ગણાતો હતો. 1947માં પાકિસ્તાનની રચના થતાં આ ચળવળનો મુખ્ય હેતુ સધાયો અને ત્યારબાદ તે લુપ્ત થઈ ગઈ.
શિવપ્રસાદ રાજગોર