ખાઈ : મેદાની યુદ્ધમાં શત્રુપક્ષ તરફથી થતા ગોળીબાર કે તોપમારા સામે પોતાના સૈનિકોને રક્ષણ પૂરું પાડવા જમીનમાં ખોદવામાં આવતા ખાસ પ્રકારના ખાડા. ખાઈઓ લાંબી, સાંકડી તથા સૈનિક શત્રુની નજરે ન પડે તેટલી ઊંડી તથા જમીનને લગભગ સમાંતર હોય છે. તે સીધી કે વાંકીચૂકી હોઈ શકે. ખાઈઓ ખોદતી વેળાએ જમીનમાંથી નીકળતી માટીનો ઉપયોગ કરી દરેક ખાઈની આસપાસ સામાન્ય ઊંચાણવાળી દીવાલ ઊભી કરવામાં આવે છે જેથી શત્રુના મારાથી પોતાના સૈનિકોને અપાતા સંરક્ષણ ઉપરાંત આવી દીવાલોનો સહારો લઈ તેના પર બંદૂક કે મશીનગન જેવાં શસ્ત્રો ગોઠવીને સામા પક્ષ પર મારો કરી શકાય. કોઈ એક વિસ્તારનું રક્ષણ કરવાના હેતુથી એક કરતાં વધુ ખાઈઓ તૈયાર કરવામાં આવે છે અને તેમાંથી શત્રુપક્ષ પર ગોળીબાર કે તોપમારો ચાલુ રાખી સામા પક્ષની ખુલ્લા મેદાનમાંની સંભવિત હિલચાલને અટકાવી કે અવરોધી શકાય છે.

ખાઈમાં સૈનિકો

યુદ્ધવિસ્તારોમાં રક્ષણાત્મક ખાઈઓ ખોદવાની પ્રથા પ્રાચીન કાળમાં પણ હતી. ઉપરાંત, કિલ્લાની ચારે બાજુ પાણીથી ભરેલી ખાઈઓ દ્વારા દુર્ગોને રક્ષણ પૂરું પાડવામાં આવતું. પરંતુ ગોળાબારૂદની આક્રમક ક્ષમતા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ યુદ્ધમાં તેની અસરકારકતા ઓછી થતી ગઈ. અલબત્ત, ઓગણીસમી સદીથી મશીનગન જેવાં શસ્ત્રો દ્વારા શત્રુપક્ષ પર આકરા પ્રહારો કરવાની સુગમતાને લીધે મેદાની યુદ્ધમાં અશ્વદળ અને પાયદળની ગતિશીલતા અને ઝડપી હિલચાલમાં ઘટાડો થયો અને તેને લીધે આધુનિક જમાનામાં ખાઈનું મહત્વ પુન: વધ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)માં પશ્ચિમી રાષ્ટ્રોના સૈનિકોને રક્ષણ પૂરું પાડવા માટે જમીનમાં ખોદેલા બંકરો ઉપરાંત આદેશ-ચોકીઓ (command posts) તથા વહીવટી ચોકીઓની વ્યાપક જાળ ભૂગર્ભમાં ઉત્તર સમુદ્રથી સ્વિટ્ઝર્લૅન્ડ સુધી ઊભી કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન પણ રક્ષણાત્મક ખાઈઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1991ના ખાડીયુદ્ધમાં ખાસ કરીને ઇરાકના સૈનિકોએ ખાઈનો ઉપયોગ કર્યો હતો.

ખાઈઓનું વર્ગીકરણ તેમના ઉપયોગના વિશિષ્ટ હેતુઓ અથવા તેમની લંબાઈ-પહોળાઈને આધારે કરવામાં આવે છે; દા.ત., લાંબી ફાટ જેવી ખાઈઓ (slit trenches), શસ્ત્રાગાર માટેની ખાઈઓ (weapon pits), ગોળીબાર માટેની ખાઈઓ (fire trenches), સંદેશા-વ્યવહાર માટેની ખાઈઓ (communication trenches) વગેરે. જે ખાઈ પર આચ્છાદન હોય છે તેને બંકર કહેવામાં આવે છે. હિટલર તથા તેના પ્રચારમંત્રી ગૉબલ્સે આવા જ બંકરમાં કુટુંબના સભ્યો સાથે આત્મહત્યા કરી હતી.

1950માં અમેરિકાના અણુશક્તિ કમિશને નેવાડા ખાતેની પ્રયોગભૂમિ પર અણુવિસ્ફોટનો જે પ્રયોગ કર્યો હતો તે દરમિયાન હાજર રહેલા વૈજ્ઞાનિકો અને લશ્કરી અધિકારીઓના રક્ષણ માટે તે વિસ્તારમાં ખાઈઓ ખોદવામાં આવી હતી. આ હકીકત બતાવે છે કે આજના અણુયુદ્ધના જમાનામાં પણ ખાઈનું મહત્વ અને તેની ઉપયોગિતા યથાવત્ રહ્યાં છે.

ખાઈઓમાંથી થતા ગોળીબારને લીધે લશ્કરની મેદાની હિલચાલમાં બાધા ઉત્પન્ન થતી હોવાથી ખાઈયુદ્ધને ‘સ્થિરયુદ્ધ પ્રકાર’ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રકાશચંદ્ર ચતુર્વેદી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે