ખાંડવવન : ભારતનાં પ્રસિદ્ધ વનોમાંનું એક. આ વન મત્સ્યદેશની ઉત્તરમાં હસ્તિનાપુરની નજીક આવેલું હતું. પ્રાચીન કુરુક્ષેત્રમાં આનો સમાવેશ થાય છે. અર્જુને આ વન અગ્નિને ભસ્મ કરવા આપ્યું હતું. તેમાં તક્ષક કુળના નાગલોકો રહેતા હતા. આ વન બળતું હતું ત્યારે મયદાનવ તેમાંથી બચવા નાઠો અને અર્જુનને શરણે જઈ બચ્યો. ખાંડવ-વનમાં મૂળ ખાંડવપ્રસ્થ નગર હતું જેમાં કૌરવ-પાંડવોના પૂર્વજો પુરુરવા આદિનો વાસ હતો. કાળે કરી તે નગર નાશ પામેલું. તે સ્થાને પાંડવો ઇન્દ્રપ્રસ્થ વસાવી રહેવા લાગ્યા. આ વન હાલના મુઝફ્ફરપુરથી થોડે દૂર હતું.
ભારતી શેલત