ખાંડેકર, વિષ્ણુ સખારામ (જ. 11 જાન્યુઆરી 1898, સાંગલી; અ. 2 સપ્ટેમ્બર 1976) : પ્રસિદ્ધ મરાઠી નવલકથાકાર. એમની નવલકથા ‘યયાતિ’ માટે 1961માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો તથા 1967માં એ જ પુસ્તક માટે ભારતનો સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરેલો. સાંગલીમાં જ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લઈને ઉચ્ચ અભ્યાસ અર્થે પૂણેની ફર્ગ્યુસન કૉલેજમાં જોડાયા અને ત્યાંથી 1920માં બી.એ. તથા એમ.એ.ની પરીક્ષા પાસ કરી. એમને નાનપણથી સાહિત્ય પ્રત્યે અભિરુચિ હતી. સોળ વર્ષની ઉંમરથી એમણે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તે વાર્તાઓ કૉલેજના સામયિકમાં છપાતી. બી.એ.ના વર્ગમાં હતા ત્યારથી અગ્રગણ્ય મરાઠી સામયિક ‘કિર્લોસ્કર’ તથા ‘જ્યોત્સ્ના’માં પણ છપાવા માંડી. એમની પ્રથમ નવલકથા ‘કાંચનમૃગ’ 1930માં પ્રગટ થઈ. એ હપતાવાર ‘જ્યોત્સ્ના’ માસિકમાં પૂર્વે છપાઈ હતી. ગામડાના જીવનની સમસ્યાઓ પર એ આધારિત છે. કૉલેજમાં પ્રાધ્યાપકની નોકરી મળતી હોવા છતાં એમણે શહેર છોડ્યું અને શિરોડા નામના ગામમાં વસ્યા અને ત્યાં જ ગ્રામજીવનમાં સમરસ થતાં, એમને કથાવસ્તુ મળતી ગઈ અને સતત નવલકથાસર્જન કરતા રહ્યા.

વિષ્ણુ સખારામ ખાંડેકર

એમની મુખ્ય નવલકથાઓ છે : ‘કાંચનમૃગ (1930); ‘ઉલ્કા’ (1934); ‘દોન ધ્રુવ’ (1934); ‘હિરવા આંપા’ (1938); ‘દોન મને’ (1939); ‘રિકામા દેવારા’ (1939); ‘સુખાચા શોધ’ (1939); ‘પાંઢરે ઢગ’ (1939); ‘પહિલે પ્રેમ’ (1940); ‘ક્રૌંચવધ’ (1952); ‘યયાતિ’ (1961). ‘યયાતિ’ એમની શ્રેષ્ઠ નવલકથા છે, જે ભારતની બધી ભાષાઓમાં અનુવાદિત થઈ છે. એ નવલકથામાં મહાભારતમાંનું પૌરાણિક કથાનક લઈને નવી ર્દષ્ટિએ, સાંપ્રતકાળની સમસ્યાઓ એમાં ગૂંથી છે. આપણા દેશમાં જે ભૌતિક પ્રગતિ થઈ, અને તેની સાથે જે નૈતિક અધોગતિ થતી ગઈ એથી એમનું મન કકળી ઊઠ્યું. પૌરાણિક પાત્ર યયાતિ દ્વારા એમણે સાંપ્રતકાલીન ભોગલિપ્સા માટે આંધળી દોટ મૂકનાર માનવીનો પ્રતિનિધિ યયાતિને બનાવ્યો છે. અને તેની સામે ઉદાત્ત પ્રેમ અને માનવ-આત્માનું ઉત્થાન કચ દ્વારા દર્શાવ્યું છે. એમાં એમની સર્જનકલા પૂર્ણ રૂપે પ્રગટી છે. એ કારણે જ એમને જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો.

નવલકથા ઉપરાંત એમની વાર્તાઓના પાંચ સંગ્રહ પ્રગટ થયા છે. રામગણેશ ગડકરી તથા ગોપાળ ગણેશ અગરકરનાં જીવનચરિત્રો પણ એમણે લખ્યાં છે; છતાં એમનું શ્રેષ્ઠ પ્રદાન તો નવલકથાક્ષેત્રે છે. એમના વિવેચનગ્રંથોનો વ્યાપ પણ ઘણો વિશાળ છે, જેમાં દેશવિદેશની કવિતા, ભારતની નવી કવિતાધારા, આધુનિક વિવેચન-સાહિત્યની મીમાંસા વગેરેની વિસ્તારથી અને મૌલિક ર્દષ્ટિએ વિચારણા કરેલી છે.

ચન્દ્રકાન્ત મહેતા