ખસ (scabies)  : સાર્કોપ્ટીસ સ્કેબિઆઈ (Sarcoptes scabiei) નામના ખૂજલી-જંતુ(itchmite)થી થતો ચામડીનો રોગ. તેને ખૂજલી રોગ પણ કહે છે. તે યુદ્ધ, સામાજિક ઊથલપાથલ તથા ગરીબી સાથે સંકળાયેલો રોગ છે અને તેથી પશ્ચિમી જગતમાં દર 12થી 15 વર્ષે તેનો વાવર અથવા વસ્તીવ્યાપી ઉપદ્રવ (epidemics) ફેલાય છે. રોજ સ્નાન ન કરનારાને તે વધુ થાય છે અને તે કોઈ પણ સામાજિક કે આર્થિક સ્તરની વ્યક્તિને થઈ શકે છે.

તેના જંતુને અંગ્રેજીમાં mite કહે છે. તે નાના, સફેદ અને અર્ધગોળાકાર હોય છે. તેનો ફેલાવો અત્યંત નજીકના સંસર્ગથી થાય છે. ક્યારેક ચેપગ્રસ્ત વ્યક્તિના રૂમાલ, તકિયા, કપડાં વગેરેથી પણ ફેલાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સંભોગ કરવાથી કે હાથ મિલાવવાથી પણ તેનો ચેપ ફેલાય છે. તેથી તેનો વાવર શાળા, હૉસ્ટેલ વગેરેમાં ફેલાય છે. વ્યક્તિની ઉંમર અને જાતિ પ્રમાણે તે તેના શરીર પર પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે. 85 % યુવાન પુરુષોમાં તે આંગળીઓની વચ્ચેની ચામડી, હાથ અને કાંડાના ભાગમાં હોય છે. 30 %થી 40 % પુરુષોમાં તે કોણી, પગના તળિયે તથા ગુપ્તાંગો (બાહ્ય જનનાંગો) પર હોય છે. યુવાન સ્ત્રીઓના આ ભાગો તથા સ્તન પર તે જોવા મળે છે. બાળકોની હથેળી તથા પગના તળિયે તે જોવા મળે છે. ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરમાં ખૂબ જ ઓછા જંતુ રોગ કરે છે. મોટા ભાગના માણસોમાં 50થી પણ ઓછા ગર્ભધારક માદા જંતુ હોય છે. તેમની સંખ્યા યુવાનોમાં સામાન્ય રીતે 11થી 12 અને બાળકોમાં 20 હોય છે.

ખસનાં જંતુ

ખસનાં જંતુને પગની 4 જોડ હોય છે. અપૂર્ણવિકસિત જંતુમાં પગની 3 જોડ હોય છે. પુખ્ત માદા 350 મ્યુ લાંબી અને 250 મ્યુ પહોળી હોય છે. નર જંતુ નાનો હોય છે (250 X 170 મ્યુ). માદા જંતુના પગની આગલી બે જોડમાં તથા નર જંતુના પગની ચોથી જોડમાં ચૂષકો (suckers) હોય છે. જંતુની પૃષ્ઠસપાટી (dorsum) પર પાછળ તરફના કંટકો હોય છે. તેના જીવનચક્રમાં 4 તબક્કા હોય છે – ઈંડું, ઇયળ, કોશેટો (nymph) તથા પુખ્ત જંતુ. પુખ્ત માદા ચામડીમાં કોથળી (pouch) જેવું દર કરીને રહે છે અને ત્યાં નરજંતુ તેને ફલિત કરે છે. ત્યાર બાદ તે રાત્રે તેનું દર લંબાવે છે અને તેમાં ઈંડાં મૂકે છે. પથારીમાંની ગરમીમાં જંતુનું જીવનચક્ર ઝડપથી વધે છે. ઈંડામાંથી 6 પગવાળી ઇયળ (larva) નીકળે છે જે ચામડી પર ફરે છે અને ચામડીમાં નાની કોથળી કરીને કોશેટાના રૂપમાં ફેરવાય છે. કોશેટામાંથી ઉદભવતા નર અને માદા જંતુ તેમનું જીવનચક્ર આગળ ચલાવે છે. તેમનું જીવનચક્ર 10થી 14 દિવસનું હોય છે. માદા જંતુ દર્દીના શરીર પર 9 મહિના જેટલું અને તેનાથી દૂર 10 દિવસ જેટલું જીવે છે. માદા જંતુ તથા ઈંડાં દ્વારા ચેપ ફેલાય છે. ગીચ વસ્તી તથા ચામડીની અપૂરતી સંભાળ અને અસ્વચ્છતા ચેપ ફેલાવવામાં મહત્વનો ફાળો આપે છે.

જંતુ તથા તેના દ્વારા ઉત્પન્ન થતાં દ્રવ્યો તરફની ઍલર્જીને કારણે ખંજવાળ આવે છે તથા ફોલ્લીઓ (papules) થાય છે. ખાસ કરીને રાત્રે ખૂજલી આવે છે. તે ખૂબ જ તકલીફ કરે છે. ખસનો ચેપ લાગવાથી લોહીમાં lgG અને lgM પ્રકારના પ્રતિરક્ષાગ્લૉબ્યુલિન (immuno-globulins) વધે છે અને lgA ઘટે છે. નિદાન માટે જંતુ દર્શાવવાં જરૂરી ગણાય છે; પરંતુ ખૂજલી, ફોલ્લીઓ, પ્રવાહી ભરેલી નાની ફોલ્લી (vesicles) તથા ચામડી પર સર્પાકાર દર (serpentine burrows) હોય તો નિદાન કરાય છે. દરમાં જંતુનાં મળદ્રવ્ય હોય છે. ‘S’ આકારના દરના છેડે નાના મોતી જેવું માદા જંતુ હોય છે જેનો એક છેડો તેના મુખ-ભાગને કારણે ગાઢો (dark) હોય છે. ટાંકણી કે સોયની મદદથી માદાને સહેલાઈથી કાઢી શકાય છે. દર 5થી 15 મિમી. લાંબું હોય છે. દરના છેડે પ્રવાહી ભરેલી ફોલ્લી (vesicle) હોય છે જે ક્યારેક પાકે છે. માદા જંતુ તેનું દર બનાવવા પાતળી અને કરચલીવાળી ચામડી પસંદ કરે છે અને તેથી તે આંગળીઓની વચ્ચેનો ભાગ, કાંડાની હથેળી તરફની સપાટી, કોણીનો પાછળનો ભાગ, બગલ, પેટ પર પટ્ટો પહેરવાની જગ્યા, જાંઘ, પુરુષોની જનનેન્દ્રિય, સ્તનની નીચેનો ભાગ તથા ડીંટડી તથા નિતંબનો નીચલો ભાગ ખાસ પસંદ કરે છે.

સારવાર : ખસના જંતુને મારવા માટે બેન્ઝાયલ બેન્ઝોએટનું 25 % ઇમ્લ્શન, ગામા બેન્ઝિન હેક્સાક્લોરાઇડ ગૅમેક્સિન (0.1 %) તથા 4 ગણા પાણીમાં મંદ કરેલ આલ્કોહૉલ બેઝવાળું 25 % મૉનોસલ્ફીરામ ઉપયોગી દવાઓ છે. એક વર્ષથી નીચેનાં બાળકોમાં ગૅમેક્સિનનું 2 કલાક માટેનું લેપન ઉપયોગી થાય છે. અન્યથા કોઈ પણ એક દવાનો દાઢી(chin)ની નીચે સમગ્ર શરીર પરનો લેપ લાભકારક રહે છે. દવાનો લેપ કરતાં પહેલાં દર્દીએ ગરમ પાણીથી સ્નાન કરીને શરીરને પૂરતું ઘસવું જરૂરી છે. 48 કલાક સુધી અથવા 2 રાત્રિ લેપ રાખવામાં આવે છે. ત્યાર બાદ દર્દીનાં બધાં જ કપડાં તથા દર્દીની પથારી, ગલેફ તથા ચાદરને ઊકળતા પાણીમાં ધોઈ નખાય છે. ઘરની તથા સંપર્કમાં આવતી બધી જ ચેપગ્રસ્ત વ્યક્તિઓની એકસાથે સારવાર કરવી આવશ્યક ગણાય છે. તે માટે જેમને પણ ખૂજલી આવતી હોય તે બધાંને લેપની સારવાર કરાય છે. ઉપર જણાવેલ ખસ-જંતુઘ્ન દવાઓની વધુ પડતી સારવાર થાય તો ત્વચાશોથ (dermatitis) થાય છે. દવા લગાવ્યા પછી એક કે બે અઠવાડિયાં સુધી બળતરા રહે છે. તેથી ખસના જંતુનો ચેપ બાકી રહી ગયો હોય તો જ ફરીથી લેપ લગાવવાની સારવાર કરાય છે. ખૂજલીને કારણે ચામડી પર જીવાણુજન્ય ચેપ અને ગૂમડાં થયાં હોય તો ઍન્ટિબાયૉટિક અપાય છે. 80 % દર્દીઓમાં ખસનો ચેપ કાંડાથી નીચે હાથ પર હોય છે. તેથી જો તેનો વાવર ફેલાય તો ઝડપથી સારવારકેન્દ્રો ખોલીને બધે ઝડપથી સારવાર પહોંચાડવી જરૂરી ગણાય છે.

દીપા ભટ્ટ

શિલીન નં. શુક્લ