ખસખસ (white poppy) : વર્ગ દ્વિદલાના કુળ Papaveraceae-ની વનસ્પતિ. સં. खसा; હિં. कशकश; શાસ્ત્રીય નામ Papaver somniferum L.

ખસખસનો છોડ 1 મીટર જેટલી ઊંચાઈ ધરાવતો હોય છે. તેનાં મૂળ કુમળાં અને નાનાં હોય છે. થડ પર આછી ડાળીઓ જોવા મળે છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનાં હોય છે. પ્રાવર પાકીને ફાટે ત્યારે હજારોની સંખ્યામાં બારીક બીજ નીકળે છે જે ચપટાં, ગોળ અને પીળાશ પડતા રંગનાં તથા વિશિષ્ટ સુગંધ અને સ્વાદવાળાં હોય છે. બજારમાં ખસખસ મળે છે તે સૂકવેલ અને સાફ કરેલ બીજ જ છે. ખસખસમાં પાણીનો ભાગ 6.8 %, પ્રોટીન 18.0 %, તૈલી દ્રવ્યો 44.7 %, કાર્બોદિત 23.7 %, રેસા 6.38 % અને રાખ 6.8 % જોવા મળે છે.

ખસખસ આર્થિક ર્દષ્ટિએ અગત્યની છે. વાનગી અને દવા બંને રીતે તે ઉપયોગી છે. તે લાડુ ઉપર લગાડવામાં, મીઠાઈના ચકતા ઉપર ભભરાવવામાં, કેક જેવાને સુશોભિત કરવામાં તેમજ પાઉડર દૂધની બનાવટોમાં વપરાય છે. ખસખસ, ચારોળી અને બદામ સમભાગે લઈ, બારીક વાટીને ગાયના દૂધમાં ભેળવી ઉકાળી ખીર બનાવવામાં આવે છે. તેમાં ઘી અને સાકર નાખવામાં આવે છે. અશક્ત માનવી, અને ખાસ કરીને બાળકો માટે તે એક શક્તિવર્ધક ખોરાક છે.

સાંધાનો દુખાવો, સોજો અથવા શરીરમાં વાયુ ભરાયો હોય ત્યારે ખસખસનાં ફૂલ અને જીંડવાં પાણીમાં ઉકાળી શેક કરવાથી દર્દી રોગમુક્ત થાય છે. અર્ધાંગવાયુથી પીડાતા દર્દીઓને ખસખસના તેલને કોપરાના તેલ સાથે ભેળવી શરીર પર ચોળવાથી તે આરામ અનુભવે છે. કપાળરોગથી પીડાતા દર્દીને દૂધમાં ખસખસ વાટીને તેનો લેપ કરવાથી તે રાહત અનુભવે છે. ખસખસ દહીંમાં વાટી પાવાથી તે આમાતિસારને મટાડે છે. બાળકોને આમ પડે ત્યારે ખસખસનો કંસાર કે થૂલું કરી ખવરાવાય છે.

મોટા ભાગના poppy-ના છોડમાંથી અફીણ મળે છે, જ્યારે બગીચામાં આકર્ષક ફૂલ ધરાવતી જાત californian poppy-માંથી અફીણ મળતું નથી.

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા