ખવાસ, મેરુ (જ. અ. 1800) : રજવાડી વહીવટનું દંતકથારૂપ પાત્ર. હળવદના ઝાલા કુળની કુંવરી દીપાબાઈનાં લગ્ન જામ લાખાજી સાથે થયાં ત્યારે તેની સાથે 1743 આસપાસ જામનગર આવેલો ખવાસ. તેની બુદ્ધિ, કાર્યકુશળતા તથા વ્યક્તિત્વથી તે જામસાહેબનો કૃપાપાત્ર થયો. તેનું બળ વધતું ગયું. જામ લાખાજી ગુજરી જતાં જામ જસાજી ગાદીએ બેઠા. મા દીપાબાઈએ મેરુનો ઘાત કરાવવા પ્રયાસ કર્યો પણ તે બચી ગયો. તેણે રાજમાતાનું ખૂન કરાવ્યું. જામ જસાજીને અટકમાં રાખી તેણે 1768માં સમગ્ર સત્તા પચાવી પાડી. તેણે રાજપૂત સરદારોને પોતાના અંકુશમાં લીધા અને સૌરાષ્ટ્રના રાજાઓ ઉપર પણ એવી ધાક જમાવી કે તેના સામું બોલવા કોઈ હિંમત કરતું નહિ. મેરુની સામે દીવાન અમરજી, ભા કુંભાજી, જમાદાર ફતેહ મહંમદ જેવા યોદ્ધાઓએ તલવાર ચલાવી હતી પણ મેરુ પ્રત્યેક પ્રસંગે વિજયી રહ્યો હતો.

શંભુપ્રસાદ દેસાઈ