ખરે, પં. નારાયણ મોરેશ્વર (જ. 1889, તાસગાંવ, જિ. સતારા; અ. 6 ફેબ્રુઆરી 1938, હરિપુરા) : ગાંધીજીના અંતેવાસી અને જાણીતા શાસ્ત્રીય સંગીતકાર. પિતા સાધારણ સ્થિતિના ગૃહસ્થ બ્રાહ્મણ હતા અને તેમને કુલ ચાર સંતાન હતાં.
નારાયણના નાના એક પ્રસિદ્ધ ગાયક હતા. તેમની માતા પણ મધુર કંઠ ધરાવતાં હતાં. તેમનામાં બાળપણથી જ સંગીતના સંસ્કાર દૃઢ થયા હતા. ભજન તથા ગીત ગાવાનો તેમને સ્વાભાવિક શોખ હતો. નાની વયે તેઓ મંદિરમાં ભજન-કીર્તન કરવા જતા ને ભક્તિ-સંગીતમાં લીન થતા હતા.
દસમા ધોરણમાં ભણતા હતા ત્યારે પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરના મિરજ ખાતેના એક જલસામાં નારાયણે પણ પોતાનાં બે-ત્રણ ભજન સંભળાવ્યાં. તેમનો મધુર કંઠ સાંભળીને પલુસ્કરે તેમને સંગીતની વધુ તાલીમ પ્રાપ્ત કરવા પોતાની પાસે રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. થોડીક આનાકાની પછી તેમને ઘરમાંથી આ માટે છૂટ આપવામાં આવી. ત્યાર પછી તેઓ પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસે સંગીતનું શિક્ષણ લેતા થયા.
સન 1907માં ખરે લાહોર ગયા અને પલુસ્કરના વિધિવત્ શિષ્ય થયા. ગુરુની સાથે આખા દેશનું ભ્રમણ કરીને તેમણે બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો. સન 1908માં પલુસ્કરે મુંબઈમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કરી. આ વિદ્યાલયનું કાર્ય ટૂંક સમયમાં ખૂબ વધી જવાથી વિષ્ણુ દિગંબરે ખરેને 1912માં તેનું વ્યવસ્થાપન સોંપ્યું. નારાયણનાં પત્ની શ્રીમતી લક્ષ્મીબાઈ પણ તેમને આ કાર્યમાં મદદરૂપ થતાં.
મહાત્મા ગાંધીએ સન 1915માં અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. આશ્રમમાં રોજ સમૂહપ્રાર્થના થતી. ગાંધીજીએ વિષ્ણુ દિગંબરને કોઈ સંગીતજ્ઞ મોકલી આપવા વિનંતી કરી. પલુસ્કરે પોતાના શિષ્યવર્ગમાંથી ખરેને પસંદ કરીને 1918માં અમદાવાદ મોકલી આપ્યા.
ખરેએ આશ્રમમાં થતી પ્રાર્થના માટે સુયોગ્ય એવાં અનેક ભજનોને શાસ્ત્રીય રાગોમાં સ્વરબદ્ધ કર્યાં. આ ભજનોનો સંગ્રહ ‘આશ્રમ-ભજનાવલિ’ નામથી પ્રકાશિત થયેલ છે.
1920માં અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. તેમાં સંગીત વિષયની પરીક્ષાઓનું કાર્ય પં. ખરેને સોંપાયું. આ પછીના સમયમાં ખરેજીએ ગુજરાતભરમાં ભમ્રણ કરીને ભક્તિસંગીતના અનેક કાર્યક્રમો દ્વારા સંગીતનો બહોળો પ્રચાર કર્યો. 1922માં અમદાવાદમાં તેમણે સંગીતપ્રચારાર્થે ‘સંગીત મંડળ’ની સ્થાપના કરી.
ગાંધીજીની પ્રસિદ્ધ દાંડીયાત્રામાં ખરે સામેલ હતા અને ગાંધીજી સાથે જેલવાસ પણ તેમણે ભોગવ્યો હતો.
1931માં વિષ્ણુ દિગંબર પલુસ્કરના દેહાંત પછી ખરેએ તેમના સૌ શિષ્યોને એકઠા કરીને ગુરુજીના સંગીતપ્રચારના કાર્યને આગળ ધપાવવા અંગે ચર્ચા-વિચારણા કરી. આ પછી સર્વસંમતિથી ‘ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ’ની સ્થાપના કરવામાં આવી જેનું અધ્યક્ષસ્થાન ખરેને સોંપવામાં આવ્યું.
1933ના સ્વતંત્રતા સંગ્રામમાં ખરેએ ફરીથી જેલવાસ ભોગવ્યો. ત્યાર બાદ બિહારના ભૂકંપ-પીડિતોની સહાયતા માટે પંડિતજીએ કાર્ય કર્યું. સંગીત પાઠ્યક્રમના એક ભાગ રૂપે તેમણે પોતાના ગુરુબંધુઓની મદદથી ‘સંગીત બાલવિનોદ’ તથા ‘સંગીત રાગદર્શન’ના ત્રણ ભાગ પ્રકાશિત કર્યા. 1935માં અમદાવાદમાં ‘ગાંધર્વ મહાવિદ્યાલય’નું ઉદઘાટન પં. ખરેના હસ્તે કરવામાં આવ્યું.
1938માં હરિપુરા ખાતે થયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં સંગીતના કાર્યક્રમ માટે ખરે ગયા હતા. ત્યાં તેમને ન્યુમોનિયાની બીમારી લાગુ પડી. એક સપ્તાહ પછી 49 વર્ષની વયે તેમનું અવસાન થયું.
જાણીતા ગાયિકા મધુરીબહેન ખરે પંડિતજીના પુત્રી હતાં.
સુધીર ખાંડેકર