ખરે, નારાયણ ભાસ્કર

January, 2010

ખરે, નારાયણ ભાસ્કર (જ. 16 માર્ચ 1882, નેરે, કોલાબા જિલ્લો; અ. 1969, નાગપુર) : ભારતના અગ્રણી રાજદ્વારી નેતા અને સામાજિક કાર્યકર. 1896 સુધી મુંબઈમાં અને ત્યાર બાદ જબલપુરમાં અભ્યાસ કરી 1897માં મૅટ્રિક અને 1902માં બી.એ. થયા. તે પછી સરકારની શિષ્યવૃત્તિ મેળવી. 1907માં લાહોર મેડિકલ કૉલેજમાંથી એમ.બી.ની પરીક્ષામાં સુવર્ણચંદ્રક સાથે પ્રથમ સ્થાન મેળવી પાસ થયા. 1913માં એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરનાર લાહોર યુનિવર્સિટીના તેઓ પ્રથમ વિદ્યાર્થી હતા.

નારાયણ ભાસ્કર ખરે

1907-1916 દરમિયાન મધ્ય પ્રાંત અને વરાડની સરકારની પ્રાંતીય મેડિકલ સેવામાં નોકરી કરી અને ત્યાર પછી નાગપુર ખાતે ખાનગી મેડિકલ પ્રૅક્ટિસ શરૂ કરી. 1917માં ફાટી નીકળેલી મહામારી અને 1918માં પ્રસરેલ ઇન્ફ્લુએન્ઝાના રોગચાળા દરમિયાન તેમણે દર્દીઓની પ્રશંસનીય સેવા કરી નામના મેળવી હતી. પછી તે ‘તરુણ ભારત’ નામના મરાઠી સાપ્તાહિકના તંત્રી બન્યા (1918). ત્યારથી જાહેર જીવનની શરૂઆત કરી. 1918માં નાગપુર રાષ્ટ્રીય મંડળ નામના રાજકીય પક્ષમાં અને 1919માં રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા. 1923-29 દરમિયાન પ્રાંતીય વિધાન પરિષદના સભ્ય રહ્યા તથા કૉંગ્રેસ પક્ષની હાકલને માન આપી 1930માં તેમાંથી રાજીનામું આપ્યું. 1930માં મીઠા સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ એક વર્ષ કારાવાસ ભોગવ્યો. 1935-37 દરમિયાન કૉંગ્રેસ પક્ષના પ્રતિનિધિ તરીકે કેન્દ્રીય ધારાસભાના સભ્ય બન્યા. 1937માં નાગપુર પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા. જુલાઈ, 1937થી જુલાઈ 1938, દરમિયાન તત્કાલીન મધ્યપ્રાંતના મુખ્ય મંત્રીપદે કામ કર્યું, 1943-46ના ગાળામાં વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય રહ્યા. 1947-48 દરમિયાન અલ્વર દેશી રાજ્યના દીવાન હોવાને નાતે ભારતની બંધારણસભામાં તે રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. 1949માં હિંદુ મહાસભાના પ્રમુખ ચૂંટાયા. 1952-57 દરમિયાન ભારતની સંસદના સભ્યપદે રહ્યા.

પોર્ટુગીઝ શાસકોને ગોવામાંથી બળપ્રયોગ દ્વારા હાંકી કાઢવાના, દક્ષિણ આફ્રિકાની રંગભેદ નીતિ સામે આર્થિક પ્રતિબંધો મૂકવાના અને છતાં તે દેશ રંગભેદની નીતિનો ત્યાગ ન કરે તો તેની સામે યુદ્ધ જાહેર કરવાના, અખંડ ભારતના તથા ધર્માંતર કરી ચૂકેલા હિંદુઓને ફરી હિંદુ ધર્મમાં સમાવી લેવા માટે ચલાવવામાં આવતી શુદ્ધીકરણની ચળવળના તેઓ હિમાયતી હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે