ખરે, વાસુદેવ શાસ્ત્રી

January, 2010

ખરે, વાસુદેવ શાસ્ત્રી (જ. 5 ઑગસ્ટ 1858, ગુહાગર, રત્નાગિરિ જિલ્લો; અ. 11 જૂન 1924, મિરજ) : વિખ્યાત ઇતિહાસસંશોધક તથા મરાઠી ગ્રંથકાર. પરંપરાગત પદ્ધતિ દ્વારા સતારાના અનંત શાસ્ત્રી ગજેન્દ્રગડકરના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત ભાષા અને સાહિત્યનો અભ્યાસ. 1878માં પુણે આવ્યા અને જૂના ગ્રંથોના જીર્ણોદ્ધારના કાર્યને સમર્પિત સામયિક ‘કાવ્યેતિહાસસંગ્રહ’ના સંસ્કૃત વિભાગના સંપાદનકાર્યમાં જોડાયા. આ કાર્યથી ઇતિહાસસંશોધનને પ્રેરણા મળી. થોડાક સમય દરમિયાન પુણેની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં સંસ્કૃતનું અધ્યાપન કર્યું (1880-81). પુણે ખાતેના વસવાટ દરમિયાન (1878-81) લોકમાન્ય ટિળક, વિષ્ણુશાસ્ત્રી ચિપળૂણકર, ગોપાળ ગણેશ આગરકર જેવા મહાનુભાવોના સંપર્કમાં આવ્યા. 1881માં મિરજની

વાસુદેવ શાસ્ત્રી ખરે

શાળામાં સંસ્કૃતના શિક્ષક બન્યા. સાથોસાથ અંગ્રેજી ભાષા અને સાહિત્યનું તથા પશ્ચિમના ઇતિહાસનું અધ્યયન કર્યું, ત્યારથી ઇતિહાસસંશોધન એ જ તેમનું પ્રમુખ જીવનકાર્ય બન્યું. 1892માં ઇતિહાસ પરનો તેમનો પ્રથમ ગ્રંથ ‘નાના ફડનવિસાંચે ચરિત્ર’ પ્રકાશિત થયો. 1897-1900ના ગાળામાં ‘ઐતિહાસિક લેખસંગ્રહ’ નામનું સામયિક ચલાવ્યું. મરાઠા શાસનકાળ દરમિયાન પટવર્ધન કુટુંબે જે મહત્વની ભૂમિકા ભજવી (1760-1800) તેના પર આ ઇતિહાસસંશોધકે ચૌદ ખંડોની શ્રેણી તૈયાર કરી જેમાંના પ્રથમ અગિયાર ખંડોનું સંપાદન તેમણે પોતે કર્યું હતું. ઇતિહાસ અંગેના તેમના અન્ય ગ્રંથોમાં ‘અધિકારયોગ’ (1908), ‘હરિવંશાચી બખર’ (સંપાદિત) (1909), ‘ઇચલકરંજી સંસ્થાનચા ઇતિહાસ’ (1913), ‘માલોજી વ શહાજી’ (1920), ‘મરાઠી રાજ્યાચા ઉત્તરાર્ધ (ખંડ પહેલો – 1927, મરણોત્તર) નોંધપાત્ર છે.

કાવ્યરચના તથા નાટ્યલેખનના ક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન મહત્વપૂર્ણ ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે