ખનિજવિભેદ (cleavage) : ખનિજોની અમુક ચોક્કસ રીતે તૂટવાની (છૂટા પડવાની) ક્રિયા. તૂટેલી ખનિજસપાટીને વિભેદસપાટી (cleavage plane) કહે છે. ખનિજોમાં જોવા મળતા વિભેદ ખનિજના સ્ફટિકીય સ્વરૂપ તેમજ આંતરિક આણ્વિક રચના પર આધારિત હોય છે. વિભેદ પામેલ દરેક ખનિજની વિભેદસપાટી અમુક સ્ફટિક-ફલકને સમાંતર હોય છે. વિભેદસપાટીમાં ખનિજના અણુઓ ખૂબ નજીક નજીક હોય છે તેથી આ સપાટીને કાટખૂણે આવેલ સપાટીમાં અણુઓમાં વીજભાર વધારે હોય છે અને તેથી વિભેદસપાટી પર અણુઓમાં ઓછામાં ઓછું આકર્ષક બળ (cohesion) હોય છે. આના કારણે વિભેદ સહેલાઈથી શક્ય બને છે. જે ખનિજોમાં સ્ફટિકીય સંરચના હોતી નથી અર્થાત્ જે સમૂહગત ખનિજો છે તે વિભેદ ધરાવતાં હોતાં નથી. આ ઉપરાંત સ્લેટ જેવા કેટલાક ખડકો સરળતાથી પાતળાં પડ (sheets) રૂપે છૂટાં પડે છે. આ ગુણધર્મને સ્લેટી વિભેદ કહેવાય છે. જે પુન:સ્ફટિકીય રચનાને કારણે ઉત્પન્ન થાય છે તેને ખનિજવિભેદ સાથે કોઈ સંબંધ હોતો નથી તેથી તેને ખડકવિભેદ તરીકે ઓળખાવાય છે. ખનિજવિભેદ જુદી જુદી રીતે વર્ણવી શકાય – જેમ કે, પૂર્ણ, સ્પષ્ટ, અસ્પષ્ટ વગેરે.

ખનિજોમાં 1, 2, 3, 4 અથવા 6 વિભેદ-દિશાઓ શક્ય છે. એક દિશામાં થતા વિભેદને બેઝલ વિભેદ કહે છે; દા.ત., અબરખ. બે દિશામાં થતા વિભેદને પ્રિઝમૅટિક વિભેદ કહે છે; દા.ત., ઑગાઇટ, હૉર્નબ્લેન્ડ. ત્રણ દિશામાં થતા વિભેદને રૉમ્બોહેડ્રલ અથવા ક્યૂબિક વિભેદ કહે છે; દા.ત., કૅલ્સાઇટ. પિરામિડલ અને ઑક્ટાહેડ્રલ વિભેદ ચાર દિશા દર્શાવે છે, જ્યારે ડોડેકાહેડ્રલ વિભેદ છ દિશાઓ ધરાવે છે.

રાજેશ ધીરજલાલ શાહ