ખનિજશાસ્ત્ર (mineralogy) : ખનિજીય અભ્યાસનાં તમામ પાસાંને આવરી લેતી વિજ્ઞાનશાખા. તેમાં ખનિજોનાં ભૌતિક ગુણધર્મો, રાસાયણિક બંધારણ, ખનિજ-સ્ફટિકોની આંતરિક અણુરચના, પ્રાપ્તિસ્થિતિ, કુદરતમાં તેમનું વિતરણ, ભૌતિક-રાસાયણિક સંજોગોના સંદર્ભમાં તેમની ઉત્પત્તિ વગેરેનો સમાવેશ થાય છે. ખનિજીય અભ્યાસના હેતુઓ ભિન્ન ભિન્ન હોઈ શકે – પછી તે વર્ણનાત્મક હોય, વર્ગીકરણાત્મક હોય, ખનિજ-સ્ફટિકોની આંતરિક અણુરચના નક્કી કરવા સંબંધી પૃથક્કરણ હોય અથવા ઊંચા તાપમાન-દબાણના સંજોગો હેઠળ પ્રત્યેક ખનિજ-નમૂનાનું પ્રયોગાત્મક કે ઔદ્યોગિક ક્ષેત્ર માટે જરૂરી સંશોધન હોય. દરેકમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પણ ભિન્ન ભિન્ન હોઈ શકે. તેમાં ભૌતિક કે રાસાયણિક પરખ-કસોટીઓ હોય, સ્ફટિકોની સમતાનો નિર્ણય કરવાનો હોય, એક્સ-કિરણ વિવર્તન (diffraction) હોય, સમસ્થાનિક વિશ્લેષણ (isotopic analysis) હોય કે પછી અત્યાધુનિક પ્રવિધિઓ અપનાવવાની હોય.

ખનિજોના પ્રકાશીય ગુણધર્મો પણ એટલા જ મહત્વના હોય છે, જેનો આ વિજ્ઞાનની પ્રશાખા પ્રકાશીય ખનિજશાસ્ત્ર(optical mineralogy)માં સમાવેશ થાય છે. પારદર્શક ખનિજોની પરખ સામાન્ય રીતે તેમના પ્રકાશીય વક્રીભવન દ્વારા કરવામાં આવે છે. આ માટે વિશિષ્ટ પ્રકારના ખનિજીય સૂક્ષ્મદર્શક(petrological microscope)નો ઉપયોગ કરવાનો હોય છે, જેમાં ધ્રુવીભૂત પ્રકાશની મદદથી પરખ થાય છે. અપારદર્શક ખનિજોની પરખ પરાવર્તિત પ્રકાશમાં કરવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા