ખનિજ-વર્ણરેખા (streak) : ખનિજનો ચૂર્ણ સ્વરૂપમાં રંગ દર્શાવતો ગુણધર્મ. તેથી તેને ચૂર્ણરંગ પણ કહેવાય છે. ખનિજની વર્ણરેખા અર્થાત્ તેનો ચૂર્ણરંગ, ખનિજના મૂળ જથ્થાના રંગ કરતાં જુદો હોઈ શકે; જેમ કે, કાળા કે કથ્થાઈ રંગનું હીમેટાઇટ લાલ રંગની અને સોનેરી પીળો પાયરાઇટ ઘેરા લીલા રંગની વર્ણરેખા આપે છે. વર્ણરેખા પારખવા માટે ચપ્પુ ઘસીને ખનિજોનો ભૂકો પેદા કરવામાં આવે છે. અથવા તો ખરબચડી (rough) પૉર્સલિન તકતીનો ઉપયોગ કરવામાં આવે છે. આ તકતીને વર્ણરેખા-તકતી કહેવામાં આવે છે. ખનિજને આ તકતી પર ઘસવાથી તેની વર્ણરેખા તકતી પર અંકિત થાય છે, જેનો રંગ જોવાય છે. આમ વર્ણરેખા એ ખનિજનો ભૌતિક ગુણધર્મ છે અને તેના દ્વારા ખનિજને પારખી શકાય છે. ધાતુખનિજો ઓળખવામાં વર્ણરેખાનો ઉપયોગ થઈ શકે; દા.ત., સામાન્યત: સફેદ કે આછા રંગવાળાં ખનિજોની વર્ણરેખા સફેદ મળે છે; દા.ત., ચિરોડી, કૅલ્સાઇટ, ક્વાર્ટ્ઝ વગેરે. કથ્થાઈ રંગનું સિડેરાઇટ સફેદ કે રંગવિહીન વર્ણરેખા આપે છે જ્યારે સોનેરી રંગનું ચાલ્કોપાયરાઇટ કાળી વર્ણરેખા આપે છે.

રાજેશ ધીરજલાલ શાહ