ખનિજપ્રભંગ (fracture) : ખનિજોની તૂટેલી કે તોડવામાં આવેલી સપાટી (surface) ઉપર દેખાતાં વિશિષ્ટ લક્ષણો. ખનિજવિભેદ દ્વારા મળતી લીસી સપાટીની અપેક્ષાએ પ્રભંગ દ્વારા મળતી સપાટી અનિયમિત અને સ્વતંત્ર હોય છે. તેથી જ્યારે ખનિજને વિભેદથી જુદી દિશામાં તોડવામાં આવે ત્યારે પ્રભંગનાં લક્ષણ જોવા મળે છે. માટે પ્રભંગના આ ગુણધર્મનો ઉપયોગ ખનિજ-પરખ માટે થાય છે. ખનિજપ્રભંગના જુદા જુદા પ્રકારો નીચે મુજબ વર્ણવી શકાય :
1. વલયાકાર (કમાનાકાર, conchoidal) : ખનિજસપાટી પર અર્ધચંદ્રાકાર રેખાઓ અંકિત થયેલી હોય ત્યારે તેને વલયાકાર પ્રભંગ કહેવાય છે. આ રેખાઓ બહિર્ગોળ કે અંતર્ગોળ હોઈ શકે છે. દા.ત., ક્વાર્ટ્ઝ, ફ્લિન્ટ. આ પ્રભંગ જ્યારે ઓછા પ્રમાણમાં જોવા મળે ત્યારે તેને આછો કમાનાકાર (subconchoidal) પ્રભંગ કહેવાય છે.
2. સમાન (even) : જ્યારે ખનિજસપાટીનું લક્ષણ સમાન કે લગભગ સમાન હોય ત્યારે તેને સમાન પ્રભંગ કહેવાય છે; દા.ત., ચર્ટ.
3. અસમાન કે ખરબચડું : પ્રભંગસપાટી ખરબચડી હોય ત્યારે તેને અસમાન પ્રભંગ કહેવાય છે. મોટા ભાગનાં ખનિજોમાં આ પ્રકારનો પ્રભંગ જોવા મળે છે.
4. હૅકલી : ખનિજસપાટી પર ઊંચાનીચા તીક્ષ્ણ ખાડાટેકરા પડેલા હોય તો તેને ખાંચાખૂંચીવાળા (હૅકલી) પ્રભંગ તરીકે ઓળખવામાં આવે છે; દા.ત., તૂટેલા ભરતર લોહ(કાસ્ટ આયર્ન)માં જોવા મળતી સપાટી.
5. મૃણ્મય : ચૉક, માટી વગેરેના પ્રભંગને મૃણ્મય પ્રભંગ કહેવાય છે.
રાજેશ ધીરજલાલ શાહ