ખનિજકારકો (mineralizers) : કેટલાંક ખનિજોની ઉત્પત્તિ માટે જવાબદાર પરિબળ. મૅગ્માજન્ય જળ અને મૅગ્માજન્ય વાયુબાષ્પ, વિશેષે કરીને જ્યારે દ્રાવણ-સ્વરૂપમાં હોય ત્યારે તે મૅગ્માની ઘટ્ટતા અને તાપમાન બંનેને નીચાં લાવી મૂકે છે, સ્ફટિકીકરણ થવામાં મદદરૂપ બને છે અને મૅગ્મામાંનાં ઘટકદ્રવ્યોમાંથી ખનિજો તૈયાર થવામાં અનુકૂળતા કરી આપે છે. ખનિજકારકોના સંકેન્દ્રણ દ્વારા વાયુરૂપ બાષ્પજન્ય દ્રાવણો અને ઉષ્ણજળજન્ય દ્રાવણો બનતાં હોવાનું માનવામાં આવે છે. આ પ્રકારનાં દ્રાવણો યજમાન ખડકફાટોમાં પ્રવેશી તાપમાનની જુદી જુદી કક્ષાઓ (500oથી 50o સે.) મુજબ ઊંચા તાપમાને અસરગ્રાહ્ય ખનિજોનું વિસ્થાપન કરીને આર્થિક રીતે વધુ ઉપયોગી નવાં ખનિજોનું નિર્માણ કરે છે તો તદ્દન ઓછા તાપમાને ખડકફાટોમાં અવક્ષેપ પામી વિવિધ પ્રકાર-આકારના કોટરપૂરણી-નિક્ષેપોની રચના પણ કરે છે.

આ જ રીતે મૅગ્મામાંથી છૂટી પડતી જળબાષ્પ અને વિવિધ વાયુઓની બાષ્પ પણ ખનિજકારકો બનાવે છે, જે ગ્રૅનાઇટ જેવા ખડકોના ફેલ્સ્પાર પર અસર કરી તેમનું અન્ય ખનિજોમાં રૂપાંતર કરી મૂકે છે. કલાઈ-ટંગ્સ્ટનના નિક્ષેપોની રચના તેમજ ટૂર્મેલિનીકરણ, ગ્રાઇસેનીકરણ, કેઓલિનીકરણ જેવી પ્રક્રિયાઓ આ પ્રકારના વાયુરૂપ વિસ્થાપનનાં ઉદાહરણો છે.

ગિરીશભાઈ પંડ્યા