ખનિજકઠિનતા : ખનિજનો એક ખૂબ જ અગત્યનો ભૌતિક ગુણધર્મ. તે ખનિજની આંતરિક આણ્વિક રચના પર અવલંબિત છે. તેનો ઉપયોગ ખનિજની પરખમાં થાય છે.

કઠિનતા એટલે ખનિજનું બાહ્ય ઘસારાઓ સામેનું અવરોધક બળ. જેમ ખનિજ કઠણ તેમ તે બાહ્ય ઘસારાનો સારી રીતે અવરોધ કરી શકે. આમ, ખનિજની કઠિનતા એ ઘર્ષણનું પ્રતિરોધક બળ છે. ખનિજની કઠિનતા માપવાનાં જુદાં જુદાં સાધનો છે; જેમ કે, તેને વર્ણરેખા તકતી સાથે ઘસવાથી અથવા ચપ્પુથી ઘસવાથી પણ તેની કઠિનતા જાણી શકાય છે. તેને વર્ણરેખા તકતી સાથે ઘસવામાં આવે ત્યારે ઉત્પન્ન થતો અવાજ અને ઉદભવતા ચૂર્ણ (ભૂકો) પરથી તેની કઠિનતા નક્કી થઈ શકે છે; જેમ કે, સખત ખનિજ વધુ અવાજ આપશે અને તેનું ચૂર્ણ (powder) ઓછું બનશે, જ્યારે નરમ ખનિજ તેનાથી ઊલટું પરિણામ આપશે. આમ ખનિજની કઠિનતાને પ્રમાણભૂત માપ સાથે સરખાવી એને 1થી 10 આંક આપવામાં આવે છે. આ પ્રમાણભૂત માપને ‘મોહ્ઝ’નો કઠિનતાનો કોઠો કહેવાય છે જેમાં પસંદ કરાયેલાં અમુક વિશિષ્ટ ખનિજોને 1થી 10 અંકો આપેલ છે. 1 અંક ધરાવતું ખનિજ નરમ ખનિજ હોય છે અને આંક વધતાં ખનિજની કઠિનતા વધતી જાય છે. 10નો આંક ધરાવતું ખનિજ (હીરો) સૌથી સખત હોય છે. મોહ્ઝનો કઠિનતાનો આંક નીચે મુજબ છે :

ટાલ્ક (શંખજીરું) કઠિનતા 1, ચિરોડી 2, કૅલ્સાઇટ 3, ફ્લોરાઇટ 4, એપેટાઇટ 5, ઑર્થોક્લેઝ 6, ક્વાર્ટ્ઝ 7, ટોપાઝ 8, કોરન્ડમ 9 અને હીરા 10.

કોઈ પણ વણઓળખાયેલ ખનિજની કઠિનતાનું માપ ઉપરના પ્રમાણભૂત માપ સાથે સરખાવીને નક્કી કરવામાં આવે છે; દા.ત., કોઈ ખનિજની કઠિનતા નક્કી કરવી હોય તો નજીકના ક્રમમાં આવતાં ખનિજોનો ઉપયોગ કરી શકાય. ઑર્થોક્લેઝથી ન ખોતરાતાં પણ ક્વાર્ટ્ઝથી ખોતરાતા ખનિજનો કઠિનતા-અંક 6 અને 7 વચ્ચે મુકાય. આ ઉપરાંત કેટલાંક સામાન્ય સાધનોનો પણ ઉપયોગ કરી શકાય છે :

(1) 1થી 2 અંક કઠિનતા ધરાવતાં ખનિજોને આંગળીના નખથી ખોતરી શકાય છે. (2) 2.5થી 3.0 સુધી કઠિનતા ધરાવતાં ખનિજોને તાંબાના પતરા કે તારથી ઘસી શકાય છે. (3) 3.5થી 4.5 જેટલી કઠિનતા ધરાવતાં ખનિજોને ચપ્પુથી ખોતરી શકાય છે. (4) 5.0થી 5.5 સુધીનાં ખનિજોને કાચના ટુકડા વડે સહેલાઈથી ખોતરી શકાય છે. (5) જે ખનિજોની કઠિનતા 6.0થી 6.5 હોય છે તેમને કાનસથી ખોતરી શકાય છે. જ્યારે 6.5 કે 7.0 કે વધુ કઠિનતાવાળાં ખનિજોને ઉપર મુજબ ખોતરી શકાતાં નથી.

આ રીતે ખનિજોની કઠિનતા નક્કી કરીને તેમની પરખ કરવામાં આવે છે.

રાજેશ ધીરજલાલ શાહ