ખનિજ-ચળકાટ (lustre) : ખનિજની સપાટી પરથી પરાવર્તિત થતાં પ્રકાશનાં કિરણોની તીવ્રતા. જુદાં જુદાં ખનિજોની સપાટી પરથી પરાવર્તિત થતાં પ્રકાશનાં કિરણોની તીવ્રતા જુદી જુદી હોય છે અને તેથી તેના પ્રકાર પણ જુદા જુદા હોય છે. તે મુજબ ચળકાટના પ્રકારો નીચે પ્રમાણે છે :

(1) ધાતુમય કે ધાત્વિક : ધાતુની સપાટી પરથી પરાવર્તિત થતાં કિરણો જેવો ચળકાટ; દા.ત., મૅગ્નેટાઇટ, ગૅલેના, પાયરાઇટ વગેરે. આછા પ્રમાણવાળા આ જ પ્રકારના ચળકાટને આછો ધાત્વિક (sub-metallic) ચળકાટ કહે છે.

(2) કાચમય કે કાચિક : જ્યારે ખનિજની સપાટી તૂટેલા કાચના ટુકડા જેવો ચળકાટ બતાવે ત્યારે તેને કાચમય ચળકાટ કહે છે; દા. ત., ક્વાર્ટ્ઝ, કૅલ્સાઇટ વગેરે. આછા પ્રમાણવાળા આ જ પ્રકારના ચળકાટને આછો કાચિક(sub-vitreous) ચળકાટ કહે છે.

(3) મીણવત્ : અમુક ખનિજોની સપાટીનો ચળકાટ મીણ અથવા રાળ (રેઝિન) જેવો હોય છે; દા. ત., ઓપેલ, કેલ્સિડોની.

(4) મૌક્તિક : અમુક ખનિજો પાતળી પતરીઓમાં તૂટે એવાં હોય છે. આવાં ખનિજોની સપાટી મોતી જેવો ચળકાટ ધરાવતી હોય છે, તેથી તેને મૌક્તિક ચળકાટ કહે છે; દા.ત., અબરખ.

(5) રેશમી : આ પ્રકારનો ચળકાટ રેસા ધરાવતાં ખનિજોની વિશિષ્ટતા છે. તેમનો ચળકાટ રેશમ જેવો હોય છે. દા.ત., ઍસ્બેસ્ટૉસ.

(6) હીરક : અમુક ખનિજોની સપાટી હીરા જેવી ચળકતી હોય છે તેથી તેને હીરક ચળકાટ કહે છે; દા.ત., સ્ફૅલેરાઇટ.

રાજેશ ધીરજલાલ શાહ