ખટવાણી, કૃષ્ણ (જ. 7 નવેમ્બર 1927, ઠારૂશાહ, સિંધ; અ. 11 ઑક્ટોબર 2007) : સિંધી ભાષાના લેખક. શાળાનું શિક્ષણ કરાંચીમાં પ્રાપ્ત કરી 1945થી 1949 સુધી શાંતિનિકેતનમાં રહીને સ્નાતકપદવી પ્રાપ્ત કરી હતી. બાર વરસની ઉંમરથી તેમણે સાહિત્યાભ્યાસ, ચિત્રકળા, સંગીત, એકાન્ત તથા પ્રકૃતિપ્રેમની રુચિ કેળવી હતી, જે શાંતિનિકેતન ખાતે વધુ ખીલી ઊઠી હતી.
1942માં ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન તેમણે સિંધમાં ‘નવજવાન સાહિત્ય મંડળ’ના ઉપક્રમે સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય ચેતના જાગ્રત કરવાના પ્રયાસો કર્યા હતા.
તેમનાં પાંચ નવલકથાઓ, છ વાર્તાસંગ્રહો તથા એક ત્રિઅંકી નાટક પ્રગટ થઈ ચૂક્યાં છે. તેમની નવલકથા ‘યાદ હિક પ્યાર જી’ (પ્રેમ-સ્મૃતિ)ને 1980માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયેલ છે. તેમણે રચેલાં સ્ત્રીપાત્રો વધુ અસામાન્ય અને જીવંત હોય છે.
કાવ્યમય ગદ્યમાં આધ્યાત્મિક પ્રેમનું કથન કરનાર, સામાજિક વિષમતાઓનું ચોટદાર નિરૂપણ કરનાર, માનવીય મનનાં ઊંડાણોમાં ઊતરીને તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરનાર ફિલસૂફ અને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના પ્રશંસક ખટવાણી સિંધીના અત્યાધુનિક લેખક હોવા છતાં પશ્ચિમની અસરથી અલિપ્ત રહ્યા છે.
જયંત રેલવાણી